હસીનાના ભાગવાનો વીડિયો બનાવનાર અધિકારીનું મોત:પરિવારને હત્યાની શંકા; તખ્તાપલટ બાદ હેલિકોપ્ટરથી ભારત આવ્યા હતા પૂર્વ બાંગ્લાદેશી પીએમ

📅 Published: October 29, 2026 | 📂 Category: International

બાંગ્લાદેશની પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યો તેનો વીડિયો રેકોર્ડ કરનારા પૂર્વ એરફોર્સ અધિકારી કેએમ તૌસીફ સૌરીનું મૃત્યુ થયું છે. તેમનો મૃતદેહ ગુરુવારે ઢાકાની તુરાગ નદીમાંથી મળી આવ્યો હતો. 28 વર્ષીય ફ્લાઇટ લેફ્ટનન્ટ સૌરી 27 ઓક્ટોબરથી ગુમ હતા. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે હસીનાનો વીડિયો શેર કરવાને કારણે તેમને પરેશાન કરવામાં આવ્યા અને તેમની હત્યા કરવામાં આવી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. હાલ એ સ્પષ્ટ નથી કે તેમનું મૃત્યુ ડૂબી જવાથી થયું, તેમણે આત્મહત્યા કરી કે તેમની હત્યા કરવામાં આવી. ખિસ્સામાંથી મળેલા આઇફોનથી ઓળખ થઈ બાંગ્લાદેશી અખબાર ધ ડેઇલી સ્ટાર મુજબ અધિકારીનો મૃતદેહ રાજાબાડી ઘાટ નજીકથી મળ્યો હતો. સૌરીએ સફેદ પેન્ટ અને કાળું શર્ટ પહેર્યું હતું. શરૂઆતમાં પોલીસ મૃતદેહની ઓળખ કરી શકી નહોતી. તેમના ખિસ્સામાંથી મળેલા આઇફોનની મદદથી ઓળખ થઈ હતી. મૃતદેહ સાથે એક કાંડા ઘડિયાળ પણ મળી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઢાકાની શહીદ સુહરાવર્દી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. બહેન બોલી- જાસૂસો ભાઈનો પીછો કરી રહ્યા હતા સૌરીના મૃત્યુ બાદ તેમની પિતરાઈ બહેન મોશફેકા જહાને ફેસબુક પોસ્ટમાં હત્યાનો આરોપ લગાવ્યો. બંગાળીમાં લખેલી પોસ્ટમાં તેમણે કહ્યું, “મારા ભાઈની હત્યા કરવામાં આવી છે. તેનો ગુનો શું હતો? હસીનાના ભાગી જવાનો વીડિયો શેર કરવો? જહાને દાવો કર્યો કે વીડિયો સૌરીએ નહીં, પરંતુ તેમના સહકર્મીએ રેકોર્ડ કર્યો હતો. બહેને આરોપ લગાવ્યો કે એરફોર્સમાંથી નિવૃત્ત કર્યા બાદ પણ સૌરીને માનસિક ત્રાસ આપવામાં આવતો રહ્યો. તેમણે દાવો કર્યો કે જાસૂસો સતત તેમનો પીછો કરી રહ્યા હતા. તેમની પિતરાઈ બહેનના જણાવ્યા મુજબ, સૌરીની તબિયત સારી હતી અને મૃત્યુ પહેલાં તેમને ઘર બહાર બોલાવવામાં આવ્યા હતા. સૌરીને એરફોર્સમાંથી શા માટે હટાવવામાં આવ્યા હતા? સૌરીને એરફોર્સમાંથી શા માટે હટાવવામાં આવ્યા હતા, તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. બાંગ્લાદેશી વેબસાઇટ ‘જાગો ન્યૂઝ’ અનુસાર, સૈન્ય જનસંપર્ક નિર્દેશાલયે 4 ઑગસ્ટ 2025ના રોજ તેમની સેવામાંથી વિદાય અંગે નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે સૌરીને નિયમો અનુસાર નિવૃત્ત કરવામાં આવ્યા હતા અને તેમના પર કોઈ આરોપ નહોતો. જોકે, કેટલાક અહેવાલો અને સોશિયલ મીડિયા પર તેમના વિદાયને હસીનાના દેશ છોડવાના વીડિયો સાથે જોડાયેલા વિવાદ સાથે સાંકળવામાં આવી રહ્યા છે. તેમની પિતરાઈ બહેનનો પણ આરોપ છે કે એરફોર્સ છોડતા પહેલાં અને ત્યારબાદ સૌરીને હેરાન કરવામાં આવી હતી. ‘જાગો ન્યૂઝ’ મુજબ, ઉત્તરા પોલીસ સ્ટેશનના અધિકારી શાહીનુર જમાને ગુરુવારે જણાવ્યું હતું કે ત્યાં સુધી સૌરીના મૃત્યુ અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તપાસમાં જાણવા મળશે કે સૌરીનું મૃત્યુ કેવી રીતે થયું. અત્યારે ન તો તેમની હત્યાની પુષ્ટિ થઈ છે અને ન તો તેમના મૃત્યુનો હસીનાના વીડિયો સાથે કોઈ સંબંધ સામે આવ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *