જમ્મુની એક સ્પેશિયલ NIA કોર્ટે લશ્કર-એ-તૈયબાનો ચીફ આતંકવાદી હાફિઝ મોહમ્મદ સઈદ વિરુદ્ધ નવું બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તેના પર કાશ્મીર ઘાટીમાં સક્રિય આતંકવાદીઓને હથિયારો, ભંડોળ અને નિર્દેશો આપવાનો આરોપ છે. જમ્મુ NIA કોર્ટ દ્વારા સઈદ વિરુદ્ધ બે મહિનાથી પણ ઓછા સમયમાં જારી કરાયેલું આ બીજું બિનજામીનપાત્ર વોરંટ છે. વોરંટ NIA જમ્મુના DIGને મોકલવામાં આવ્યું છે, જેથી કાયદા મુજબ તેનો અમલ કરાવી શકાય. આ વોરંટ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓને હથિયારો અને અન્ય મદદ પહોંચાડવા સંબંધિત કેસની તપાસ દરમિયાન જારી કરવામાં આવ્યું છે. આ પહેલા, કોર્ટે જુલાઈમાં પહેલગામ આતંકવાદી હુમલાની તપાસના સંબંધમાં સઈદ વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું, જેમાં NIAએ તેને માસ્ટરમાઇન્ડ પૈકી એક ગણાવ્યો હતો. પાકિસ્તાનમાં છે આતંકી હાફિઝ સઈદ કાશ્મીર ઘાટીમાં સક્રિય આતંકવાદીઓને હથિયાર, પૈસા અને નિર્દેશ આપી રહ્યો છે. NIAએ કોર્ટને એ પણ જણાવ્યું કે સઈદ હાલ પાકિસ્તાનમાં છે અને કાયદાકીય પ્રક્રિયાથી બચવા માટે જાણી જોઈને ધરપકડથી બચી રહ્યો છે. NIA કોર્ટે કહ્યું, “આરોપી ફરાર છે અને તપાસ એજન્સી સામાન્ય રીતે તેને રજૂ કરી શકી નથી, આ વાતને ધ્યાનમાં રાખીને આ અરજીને મંજૂરી આપવામાં આવે છે.” હાફિઝ મુહમ્મદ સઈદ, જે ‘ગેર-કાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967’ હેઠળ આતંકવાદી જાહેર છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સંસ્થાપક છે અને પાકિસ્તાનથી કામ કરી રહ્યો છે. શંકાસ્પદ આતંકવાદીએ પૂછપરછમાં લશ્કર ચીફનું નામ લીધું આ મામલો જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ગુજ્જર ટેન્ટ, પંડાચમાં નાકા ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ સાથે સંબંધિત છે. તેની પાસેથી એક ચાઈનીઝ ગ્રેનેડ અને 15 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પૂછપરછમાં, ધરપકડ કરાયેલા વ્યક્તિની ઓળખ શ્રીનગરના મોહમ્મદ નકીબ ભટ તરીકે થઈ. ઝકુરા પોલીસ સ્ટેશનમાં UA(P) એક્ટ, 1967ની કલમ 23, આર્મ્સ એક્ટ, 1959ની કલમ 7/25 અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ, 1908ની કલમ 4 હેઠળ FIR નંબર 24/2026 નોંધવામાં આવી. 40 વર્ષ પહેલા બન્યું લશ્કર-એ-તૈયબા લશ્કર-એ-તૈયબાની સ્થાપના 1987માં પાકિસ્તાનમાં થઈ હતી. આ સંગઠન સોવિયત-અફઘાન યુદ્ધ દરમિયાન બનેલા જિહાદી નેટવર્કમાંથી ઉભરી આવ્યું હતું. ઓસામા બિન લાદેનના ગુરુ મનાતા અબ્દુલ્લા અઝ્ઝામ અને તેના બે સાથીઓએ મળીને મરકઝ-અદ-દવા-વલ-ઇર્શાદ નામના ધાર્મિક સંગઠનની સ્થાપના કરી. મરકઝ-અદ-દાવા-વલ-ઇર્શાદ સંગઠનની સશસ્ત્ર (મિલીટન્ટ) પાંખ પાછળથી લશ્કર-એ-તૈયબા કહેવાઈ. અરબીમાં તેનો અર્થ છે પવિત્ર લોકોની સેના. શરૂઆતના તબક્કામાં સંગઠનના લડવૈયાઓને અફઘાનિસ્તાનમાં સોવિયત સેના સામે લડવા માટે મોકલવામાં આવતા હતા. 1989માં સોવિયત સેનાની વાપસી પછી સંગઠનનું ધ્યાન જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રિત થયું. આ જ વર્ષે પેશાવરમાં એક બોમ્બ વિસ્ફોટમાં અબ્દુલ્લાહ અઝ્ઝામનું મૃત્યુ થયું. ત્યારબાદ હાફિઝ સઈદે આ સંગઠનની કમાન સંભાળી લીધી. ભારત, અમેરિકા અને ઘણા પશ્ચિમી દેશોનો આરોપ રહ્યો છે કે લશ્કર-એ-તૈયબાને લાંબા સમય સુધી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનું સમર્થન મળતું રહ્યું. પાકિસ્તાન સત્તાવાર રીતે આ આરોપોનો ઇનકાર કરે છે. —————————— આ સમાચાર પણ વાંચો… NIA ચાર્જશીટમાં ખુલાસો- લશ્કરે કરાવ્યો હતો પહેલગામ હુમલો, માસ્ટરમાઇન્ડ સાજિદ જટ્ટે 2019માં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ બનાવ્યો હતો કાશ્મીરના પહેલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. આ ખુલાસો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ચાર્જશીટમાં થયો છે. હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો આતંકી સૈફુલ્લાહ ઉર્ફે સૈફુલ્લાહ સાજિદ જટ્ટ ઉર્ફે લંગડા હતો.
હાફિઝ સઈદના નામે 2 મહિનામાં બીજું બિનજામીનપાત્ર વોરંટ:NIA કોર્ટનો આરોપ- આતંકવાદીઓને હથિયાર અને ફંડ આપ્યું; પહેલગામ હુમલામાં પણ વોન્ટેડ
📅 Published: September 12, 2026 |
📂 Category: International
