પંચમહાલના હાલોલ શહેર અને પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25 સપ્ટેમ્બર, 2026ના રોજ ગણેશ વિસર્જન મહોત્સવ યોજાશે. આથી કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિકની વ્યવસ્થા માટે પંચમહાલ-ગોધરાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. વિસર્જન યાત્રા અને લોકોની અવરજવરને કારણે ટ્રાફિક જામ ન થાય તે માટે વિવિધ માર્ગો પર વાહનો માટે ડાયવર્ઝન નક્કી કરાયા છે. જાહેરનામા મુજબ, 25 સપ્ટેમ્બરે બપોરે 2થી રાત્રે 8 વાગ્યા સુધી પાવાગઢ અને છોટાઉદેપુર તરફથી આવતી-જતી સરકારી અને ખાનગી બસો, ભારે વાહનો તથા ફોર-વ્હીલર વાહનોને જ્યોતિ સર્કલ થઈને કાળીભોંય અને કાળીભોંયથી જ્યોતિ સર્કલ તરફના માર્ગે અવરજવર કરવાની રહેશે. આ ઉપરાંત, બપોરે 12થી રાત્રે 10 વાગ્યા સુધી ગોધરાથી વડોદરા અને વડોદરાથી ગોધરા તરફ આવતા-જતા તમામ ભારે તથા ફોર-વ્હીલર વાહનોને જ્યોતિ સર્કલ તરફના માર્ગેથી પસાર થવાનું રહેશે. અરાદ અને પરોલી તરફથી આવતા-જતા વાહનો માટે વરસડા ચોકડીથી પનોરમા ચોકડી, જી.આઈ.ડી.સી. રોડ થઈને ચંદ્રપુરા ચોકડી અને ત્યારબાદ જ્યોતિ સર્કલ તરફનો વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે. સરકારી બસોને ડાયવર્ઝન અંગે માર્ગદર્શન મળે તે માટે જ્યોતિ સર્કલ, નવજીવન ચોકડી, કંજરી બાયપાસ, કાળીલોય ચોકડી અને ચંદ્રપુરા ચોકડી ખાતે કર્મચારીઓની વ્યવસ્થા કરાશે. ફરજ પરના કર્મચારીઓ દ્વારા બસોને નિર્ધારિત ડાયવર્ઝન રૂટ તરફ દોરી જવાશે. જાહેરનામા મુજબ, ઇમરજન્સી સેવાઓ, આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતા વાહનો અને સરકારી ફરજ પરના વાહનોને આ નિયંત્રણોમાંથી મુક્તિ અપાઈ છે. ગણેશ વિસર્જન દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને સામાન્ય વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે આ વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. વાહનચાલકોને નિર્ધારિત વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી ટ્રાફિક વ્યવસ્થામાં સહકાર આપવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
હાલોલમાં ગણેશ વિસર્જનને લઈ ટ્રાફિક ડાયવર્ઝન જાહેર:25 સપ્ટેમ્બરે વિવિધ માર્ગો પર વાહનોની અવરજવર માટે વૈકલ્પિક રૂટ નક્કી
📅 Published: September 24, 2026 |
📂 Category: gujarati-news
