હિંમતનગરના ખાડીયા મહામંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી:કૃષ્ણ જન્મોત્સવમાં ભક્તોની ભીડ, ‘હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી’ની ધૂનથી મંદિર ગુંજી ઉઠ્યું

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

હિંમતનગરના ખાડીયા વિસ્તારમાં આવેલા પૌરાણિક શ્રી મહામંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રીજી વખત જન્માષ્ટમી મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને મંદિર પરિસર ભક્તોથી ભરાઈ ગયું હતું. જન્માષ્ટમીના દિવસે સવારે શ્રી રાધા-કૃષ્ણ ભગવાનનો અભિષેક કરાયો હતો. મંદિર પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ દર્શાવતું એક સુંદર પ્રદર્શન પણ રજૂ કરાયું હતું. જન્માષ્ટમીને કારણે મંદિર અને પ્રવેશદ્વારને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. પ્રવેશદ્વાર પાસે ભગવાન શ્રીકૃષ્ણના સુંદર કટઆઉટ મૂકાયા હતા અને પ્રદર્શન પાસે ભક્તો માટે સેલ્ફી પોઈન્ટ પણ બનાવાયો હતો. મંદિર પરિસરમાં રાસ-ગરબાનું પણ આયોજન કરાયું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. રાત્રે કૃષ્ણ જન્મોત્સવ પહેલા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. મધરાતે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’ના જયઘોષ અને ધૂન સાથે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. ત્યારબાદ શંખનાદ સાથે ભગવાનની આરતી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના આ પર્વે આખું મંદિર ભક્તિ અને આનંદના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *