સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે 21 ઓક્ટોબરના રોજ પોલીસ સંભારણા દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દેશની સુરક્ષા અને નાગરિકોની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર વીર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પોલીસ સંભારણા દિન મનાવવામાં આવે છે. આ દિવસે દેશના વિવિધ રાજ્યોની પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના શહીદ જવાનોના શૌર્ય, ફરજ અને બલિદાનને યાદ કરાય છે. હિંમતનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી સ્મિત ગોહિલ, કુલદીપ નાયી સહિત પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. હાજર તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના દેશપ્રેમ અને સર્વોચ્ચ બલિદાનને નમન કર્યું. દેશની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષા જાળવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા વીર જવાનોની સ્મૃતિને વંદન કરી તેમની ફરજ અને સમર્પણમાંથી પ્રેરણા લેવાનો સંદેશ આપવામાં આવ્યો.
હિંમતનગરમાં પોલીસ સંભારણા દિનની ઉજવણી:શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ, દેશની સુરક્ષા માટે બલિદાન આપનાર જવાનોને યાદ કરાયા
📅 Published: October 21, 2026 |
📂 Category: gujarati-news
