હિનાને પ્રેમમાં ફસાવી શારીરિક સંબંધો બાંધ્યા:પત્ની ગાંધીનગરમાં અને પ્રેમિકા વડોદરામાં, સચિનની ડબલ લાઇફનો ખૌફનાક અંત

📅 Published: November 25, 2026 | 📂 Category: gujarati-news

‘ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ’ના પહેલા એપિસોડમાં આપણે જોયું કે ગાંધીનગરના પેથાપુરમાં આવેલા સ્વામીનારાયણ ગુરુકૂળની ગૌશાળાના દરવાજે એક શખસ 10 મહિનાના બાળકને મૂકીને ફરાર થઇ ગયો હતો. ગૌશાળાના કર્મચારીઓએ ઘણી શોધખોળ કરી પણ કોઇ પત્તો ન મળતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે બાળક મૂકી જનારા શખસને શોધવા માટે અલગ અલગ 14 ટીમ બનાવી હતી. બીજીતરફ એકદમ ક્યુટ લાગતા આ બાળકના સમાચાર પ્રસિદ્ધ થતાં આખા ગુજરાતમાં તેની ચર્ચા થવા લાગી હતી. લોકો બાળકને દત્તક લેવા માટે તૈયાર થઇ ગયા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરી તો ખૂલ્યું કે બાળકને મૂકી જનારો શખસ સચિન દીક્ષિત હતો. જે ગાંધીનગરમાં રહેતો હતો. પોલીસે તેના ઘરે પહોંચી તો તે પરિવાર સાથે બહાર ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના પછી પોલીસે તેના મોબાઇલ નંબરનું લોકેશન ટ્રેસ કરી રાજસ્થાનના કોટા પાસેથી પરિવાર સાથે તેને ઝડપી લીધો હતો. સચિનને પકડીને ગાંધીનગર લવાયા બાદ પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં ખૂલ્યું કે એ 10 મહિનાનું માસૂમ બાળક સચિન અને તેની પ્રેમિકા હિનાનું છે. સચિન પરીણિત હતો, તેનો પરિવાર ગાંધીનગરમાં રહેતો હતો. જ્યારે તે પોતે પ્રેમિકા હિના અને આ બાળક સાથે વડોદરામાં રહેતો હતો. હિના સાથે ઝઘડો થતાં સચિને ગળું દબાવીને હિનાને મારી નાખી હતી અને બાળકને લઇને ગૌશાળાના દરવાજે મૂકી ગયો હતો. હવે પોલીસે ઝઘડાનું કારણ અને હિનાની લાશ શોધવા માટે સચિનની વધુ પૂછપરછ કરી. આગળ વાંચો કે એ પૂછપરછમાં સચિને શું-શું નવા ઘટસ્ફોટ કર્યા.
*** હિનાના ડિવોર્સ થતાં માસી સાથે રહેવા આવી
સચિનનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. તેનો જન્મ અને ઉછેર ગાંધીનગરમાં થયો હતો. તે સિવિલ એન્જિનિયરિંગ ભણ્યો હતો. પરિવારમાં માતા-પિતા ઉપરાંત તેની પત્ની અને એક પુત્ર પણ હતા. સચિન પહેલેથી જ પરીણિત હતો અને તેને સંતાનમાં 4 વર્ષનો દીકરો પણ હતો. તે એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. જેથી અમદાવાદમાં અલગ અલગ સ્થળોએ તેને જવું પડતું હતું. આ રીતે તે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અપડાઉન કરતો રહેતો. જ્યારે હિના મૂળ કેશોદની રહેવાસી હતી. તે પાંચેક વર્ષની હતી ત્યારે તેના પિતાએ તેની માતાને તલાક આપી દીધા હતા. એ પછી હિના એની માતા સાથે રહેતી હતી પરંતુ નાની હતી એ સમયે જ હિનાની માતા પણ મૃત્યુ પામતા તે નોંધારી થઇ ગઇ હતી. એ સમયે ક્યારેક તેના કાકા તો ક્યારેક મામા કે માસી દેખભાળ કરતાં હતા. હિનાને સમજણ આવી ત્યારથી તે પગભર થવાનો પ્રયત્ન કરતી હતી. તેનું ભણતર સામાન્ય હતું. એ સમયે તેણે મહેંદીનો કોર્સ પણ કર્યો હતો. જેથી ઘણા તેને મહેંદી પણ કહેતા. હિના મોટી થઇ ત્યારે સમાજના રીત રિવાજ અનુસાર તેના લગ્ન કરાવાયા હતા પણ કોઇ કારણોસર તેણે ડિવોર્સ લઇ લીધા હતા. એ પછી તે અમદાવાદના બોપલમાં તેના માસીના ઘરે રહેતી હતી. માસી સાથે થોડો સમય રહ્યાં બાદ તે અમદાવાદમાં પેઇંગ ગેસ્ટ (PG) તરીકે રહેતી હતી અને પાલડી વિસ્તારમાં આવેલા એક મોલમાં નોકરી કરતી હતી. *** મોલમાં આંખો મળીને પ્રેમ થઇ ગયો
આશરે વર્ષ 2018ની વાત છે. હિના જે મોલમાં નોકરી કરતી તે મોલમાં સચિન આવતો જતો હતો. જેથી તેને હિના સાથે પરિચય થયો. એ પછી બન્ને વચ્ચે વાતચીત થતી રહેતી હતી. ધીરે ધીરે બન્નેની મુલાકાતો વધતી ગઇ. હિનાને ખબર નહોતી કે સચિન પરીણિત છે. થોડા સમય બાદ હિનાને સચિન પરીણિત હોવાની જાણ થઇ. જેથી તેને મનમાં લાગ્યું કે સચિને મારી સાથે દગો કર્યો છે. તેણે સચિન સામે અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાં સચિનના ઘરે પણ તેના અફેર અંગે જાણ થઇ ગઇ. મામલો ખૂલીને બહાર આવી જતાં સચિને હિનાને સમજાવી લીધી હતી એટલે હિનાએ તેની સાથે સમાધાન કરી લીધું હતું. સમાધાન બાદ બન્ને ફરી એકબીજાને મળવા લાગ્યા હતા. ધીરે ધીરે તેમની નિકટતા વધતી ગઇ. આ નિકટતા શારીરિક સંબંધોમાં પરિણમી. 2019માં કોરોનાએ આખા વિશ્વમાં કહેર મચાવ્યો હતો. જેના કારણે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન લાદી દેવાયું હતું. સચિન સાથેના શારીરિક સંબંધોથી હિના પ્રેગનન્ટ થઇ ગઇ. લોકડાઉન હોવાથી તે કોઇ ડૉક્ટર પાસે તપાસ કરાવવા ન ગઇ. જ્યારે તેને ખબર પડી ત્યારે પ્રેગનન્સીના 3 મહિના થઇ ગયા હતા. જેથી એબોર્શન શક્ય નહોતું. હિના હવે સચિનનો સાથ ચાહતી હતી. તેણે સચિન સામે જીદ કરી કે હવે તો તારું બાળક મારા પેટમાં છે એટલે તારે મારી સાથે રહેવું પડશે. આ તરફ સચિનના પરિવારને એવું હતું કે પોલીસ ફરિયાદ બાદ સમાધાન થઇ જતાં સચિન હવે હિનાના કોન્ટેક્ટમાં નહીં હોય અને તેની સાથે કોઇ સંબંધ પણ નહીં હોય પણ હકીકત કંઇક જુદી જ હતી. સચિને અમદાવાદમાં જ એક અલગ ઘર રાખીને હિના સાથે લિવ ઇનમાં રહેવાનું શરૂ કર્યું હતું. અમદાવાદમાં તેણે 3-4 ઘર પણ બદલ્યા હતા. સમય જતાં હિનાએ બાળકને જન્મ આપ્યો. તેણે સચિને કહ્યું કે આ બાળક તારૂં પણ છે એટલે તારે મને પત્ની તરીકે અપનાવવી પડશે. તું જે રીતે તારા ફેમિલીને ટાઇમ આપે છે તે રીતે તારે મને પણ ટાઇમ આપવો પડશે.
*** પરિવારથી દૂર રહેવા વડોદરામાં નોકરી શોધી
હિનાની આ માગ બાદ સચિને વિચાર્યું કે હું હિના સાથે મારા પરિવારથી દૂર રહેવા જતો રહું. જેથી તેણે વડોદરામાં બીજી નોકરી શોધી લીધી. નોકરી મળી ગયા બાદ તે હિના અને બાળકને લઇને વડોદરામાં જ સયાજી ટાઉનશિપ રોડ પર આવેલી દર્શનમ ઓએસિસ નામની સોસાયટીમાં રહેવા જતો રહ્યો. આ દરમિયાન સચિને પોતાના પરિવારને કહ્યું હતું કે મારી નોકરી વડોદરામાં છે એટલે રોજ અપડાઉન થઇ શકે એમ નથી. તેથી ત્યાં જ રહેવાનું થશે. બાદમાં તે સોમથી શુક્રવાર સુધી વડોદરામાં હિના અને પોતાના દીકરા સાથે રહેતો. જ્યારે શનિ-રવિમાં ગાંધીનગર માતાપિતા અને પહેલી પત્ની તથા બાળક સાથે રહેવા જતો. એક દિવસ સચિનના મૂળ વતનમાં તેના કાકાના દીકરાની તબિયત ખરાબ હતી. જેથી તે ગાંધીનગરમાં રહેતા પોતાના પરિવાર સાથે વતનમાં જવાનો હતો. તેણે હિનાને પણ આ અંગે પહેલેથી જાણ કરી રાખી હતી. હિનાએ તેને કહ્યું હતું કે તું દર શનિ-રવિ તારા પરિવાર પાસે ગાંધીનગર જાય છે એ નહીં ચાલે, હું એકલી પડી જઉં છું. મારે બાળકને કઇ રીતે સાચવવું? સચિને તેને કહ્યું, મને જવા દે. મારે વતન જવું જરૂરી છે. મારે મારા મમ્મી પપ્પાને લઇને જવાનું છે. હિના કોઇપણ ભોગે તેને જવા દેવા તૈયાર નહોતી. તેમની વચ્ચે આશરે એકાદ અઠવાડિયાથી આ ઝઘડો ચાલતો હતો. *** હિનાની જીદ મોત સુધી દોરી ગઇ
જે દિવસે સચિનને ગાંધીનગર જવાનું હતું એ દિવસની વાત છે. સચિનના પિતાને હિના સાથેના સબંધ કે તેમના બાળક અંગે કોઇ ખ્યાલ જ નહોતો. જેથી તે સચિનને ફોન પર ફોન કરતાં હતા કે તું હજુ સુધી આવ્યો કેમ નથી? બીજીતરફ સચિન હિનાને સમજાવી રહ્યો હતો કે મારે જવું પડશે. જેથી એ બન્ને વચ્ચે ઝઘડો ચાલતો હતો. છેલ્લે સચિને ઘરની બહાર નીકળવા ગયો ત્યારે હિનાએ પાછળથી તેને પકડી લીધો. તેણે જીદ કરી કે તારે નથી જ જવાનું એટલે સચિન પાછો બેસી ગયો. સચિનને થયું કે થોડીવાર રહીને હિનાને માનવીને નિકળું. થોડીવાર બાદ સચિને કહ્યું, હિના, આવું નહીં ચાલે. ઘરેથી ફોન આવે છે. ઘરે આપણા સંબંધની ખબર નથી, મારે જવું પડશે. અહીંથી કાર લઇને જવાનું છે અને એ કાર મારે ચલાવવાની છે. સચિને આટલું કહેતાં જ બન્ને વચ્ચે ફરી ઝઘડો થયો. આ વખતે હિનાએ મગજ પરનો કાબૂ ગુમાવ્યો અને સચિનને નખ માર્યા. જેથી સચિનનને ગુસ્સો આવતા તેણે પાછળથી હિનાને પકડી લઇને તેનું ગળું દબાવી દીધું. હિના બચવા માટે તરફડિયાં મારતી રહી પરંતુ સચિનના હાથમાંથી છૂટી ન શકી. જેથી એ બેભાન થઇ ગઇ અને ફ્લોર પર ઢળી પડી. તેમ છતાં સચિને તેનું ગળું ન છોડ્યું, ઊલટાનું વધુ જોરથી દબાવી દીધું. થોડીવારમાં સચિનને ખ્યાલ આવી ગયો કે હિના મરી ગઇ છે એટલે તે હિનાનું ગળું છોડીને થોડીવાર માટે ત્યાં તેની બાજુમાં જ બેસી ગયો. હિના સાથેની ઝપાઝપીના કારણે તેને હાથમાં દુખાવો થવા લાગ્યો હતો એટલે તે લાશને મૂકીને દવાની દુકાને જતો રહ્યો. ત્યાંથી દુખાવાની દવા લીધી અને ઘરે આવીને પીધી. દસેક મિનિટ સુધી ત્યાં રોકાયો પણ ખરો બાદમાં ગાંધીનગર પોતાના ઘરે જવા માટે નીકળી ગયો. કેટલાક કિલોમીટર આગળ ગયા પછી તેને યાદ આવ્યું કે હિના મરી ગઇ છે પણ બાળક તો ઘરે એકલું છે ને. હું નીકળી જઇશ અને એ બાળક રડશે તો બધાને ખબર પડી જશે એટલે તેણે કારને યુટર્ન મારીને ફરી પાછી ઘર તરફ લઇ લીધી. ઘરે આવીને કોઇપણ જાતના અફસોસ વગર તેણે ચેક કર્યું હિના જીવે છે કે મરી ગઇ? કન્ફર્મ થયું કે એ મરી ગઇ છે.
*** હિનાની લાશને બેગમાં ન ભરી શક્યો
સચિને મનોમન પ્લાન બનાવી લીધો કે હિનાની લાશને બેગમાં મૂકીને બાળકને લઇને વડોદરાના ઘરેથી નીકળી જવું. દૂર ગયા બાદ લાશનો નિકાલ કરી દેવો. જેથી સચિન ઘરના અંદરના રૂમમાં બેગ શોધવા ગયો. બેગ લઇને બહાર આવ્યો અને હિનાને અંદર ભરવાનો પ્રયત્ન કર્યો પણ હિનાનું શરીર થોડું ભારે હતું. જેથી તે બેગમાં પૂરી આવી ન શકી. આટલી બધી ઝપાઝપી થઇ હતી એટલે સચિન થાકી પણ ગયો હતો. વળી, સચિનનું શરીર પણ સાવ સૂકલકડી જેવું હતું. તેણે ઘણા પ્રયત્ન કર્યા છતાં હિનાની લાશ બેગમાં ભરી ન શક્યો. છેવટના રસ્તા તરીકે સચિન એ બેગ રસોડામાં લઇ ગયો. ત્યાં આવેલા વોશ બેસીનની નીચેના ખાનાનો દરવાજો ખોલીને એમાં બેગ મૂકી દીધી અને દરવાજો બંધ કરીને બાળકને લઇને નીકળી ગયો. રસ્તામાં તે વિચારતો રહ્યો કે બાળકનું શું કરવું? બાપ તરીકે સચિન એ બાળકને પ્રેમ કરતો હતો પણ તેને પોતાનોય એક દીકરો હતો, પરિવાર હતી. જેમને હિના અને તેના બાળક અંગે તસુભર જાણ નહોતી એટલે સચિન એ 10 મહિનાના બાળકને પોતાના ઘરે લઇ જઇ શકે તેમ નહોતો. આ અવઢવ વચ્ચે સાંજ સુધીમાં તે વડોદરાથી ગાંધીનગર પહોંચ્યો હતો. અહીં આવ્યા બાદ તેના મનમાં સવાલ થયો કે હવે શું કરવું? તેને યાદ આવ્યું કે પોતાના ઘરે પેથાપુરના સ્વામીનારાયણ ગુરુકૂળની ગૌશાળામાંથી દૂધ આવે છે. ગૌશાળાનાં લોકો બાળકને સાચવી લેશે, દીકરાને કંઇ નહીં થાય. જેથી તે અંધારાનો લાભ લઇને કોઇને ખબર ન પડે તે રીતે બાળકને ગૌશાળાના દરવાજે મૂકીને ભાગી ગયો. બાળકને મૂક્યા બાદ તે પોતાના ઘરે પહોંચ્યો. પરિવારે તેને મોડું થવાનું કારણ પૂછ્યું તો તેણે બહાનું આપી દીધું અને કંઇ જ ન થયું હોય તેમ વર્તવા લાગ્યો. બાદમાં પત્ની સાથે ખરીદી કરવા માટે ગાંધીનગરના એક મોલમાં ગયો અને એ જ રાત્રે પરિવાર સાથે યુપી જવા માટે નીકળી ગયો. ગૌશાળાના દરવાજે બાળક એકલું પડી જતાં થોડીવારમાં રડવા લાગ્યું અને કર્મચારીઓનું ધ્યાન ગયું. જેના પછી પોલીસને જાણ કરાઇ હતી.
*** ગાંધીનગર પોલીસ લાશ શોધવા વડોદરા પહોંચી
સચિને પોતાનો ગુનો કબૂલી લેતાં ગાંધીનગર પોલીસ તેને લઇને વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા તેના ઘરે હિનાની લાશ શોધવા માટે પહોંચી હતી. જેવી પોલીસ અંદર પહોંચી કે એટલી બધી વાસ આવવા લાગી કે ત્યાં ઊભું રહી શકાય તેમ નહોતું. સચિને કહ્યું હતું તે પ્રમાણે પોલીસને બેગમાંથી હિનાની લાશ મળી હતી. ડિકમ્પોઝિંગના લીધે લાશ ઓળખાય તેવી રહી નહોતી. હિનાની લાશ મળી જતાં ગાંધીનગર પોલીસે બાપોદ પોલીસને જાણ કરી એટલે ત્યાંનાં મહિલા PI યુ.જે.જોશી ઘટનાસ્થળે આવ્યા. હવે આગળની તપાસ તેમની પાસે હતી. PI જોશી પણ અનુભવી હતા. ભૂતકાળમાં તેમણે આવા ઘણા કેસ પણ હેન્ડલ કર્યા હતા. PI જોશી આખા કેસની વિગતોથી વાકેફ હતા. હિનાએ સચિનને પ્રેમ કર્યો પણ સચિને તેને કહ્યું નહીં કે પોતે પરણેલો છે. સચિને તેને પ્રેમમાં ફસાવી બાદમાં બાળક થયું. એક દિવસ ઝઘડા થયો. હિનાને સમજાવીને ઝઘડાનો ઉકેલ લાવી શકાયો હોત પણ સચિને તેની હત્યા કરી નાખી. આ વાતને ધ્યાને લઇ PI જોશીએ નક્કી કર્યું કે સચિનને વધુમાં વધુ સજા થાય તે રીતે આ કેસની તપાસ કરવી છે. તેમણે મજબૂત પુરાવા એકઠા કર્યા અને કોર્ટ સમક્ષ રજૂ કર્યાં. કોર્ટે પુરાવાના આધારે 11 મે, 2026ના રોજ સચિનને હિનાની હત્યાનો દોષિત જાહેર કરી આજીવન કેદની સજા અને 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હિનાની હત્યાના થોડા સમય બાદ એક પરિવારે સચિન અને હિનાના બાળકને દત્તક લઇ લીધો હતો. અત્યારે એ બાળક પોતાના પાલક માતા-પિતા સાથે સુખેથી રહે છે. આ પણ વાંચો હિનાને પ્રેમમાં ફસાવી શારીરિક સંબંધો બાંધ્યા, ગૌશાળાના દરવાજે રાત્રે રડતું મળ્યું ક્યુટ બાળક, વાંચો પાર્ટ-1


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *