પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે ભારે ચકચાર મચાવી દીધી છે. રાષ્ટ્રીય ભાજપમાં ગુજરાતના ચાર નેતાઓને નવી જવાબદારી આપવામાં આવી છે. જેમાંથી ત્રણ નેતાઓના ફોટા સાથે નીતિન પટેલે સોશિયલ મીડિયામાં શુભેચ્છા પાઠવી હતી. જ્યારે રોહન ગુપ્તાને શુભેચ્છા કેમ પાઠવી નહીં તે અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે, હું રોહન ગુપ્તાને ઓળખતો નથી. 17 ઓગસ્ટના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત થઈ હતી. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ચાર નેતાઓ જેમાં વર્ષા દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ડો. હેમાંગ જોશીને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ, જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવતા સંગઠનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધ્યું છે. આ પણ વાંચો: કોંગ્રેસમાંથી અઢી વર્ષ પહેલાં આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા ચાર નેતામાંથી ત્રણને અભિનંદન પાઠવ્યા
આ નેતાઓની પસંદગીને લઈ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે 17 ઓગસ્ટે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે કડી તાલુકાના વિસતપુરા ગામના વતની અને અમદાવાદના અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ ઈશ્વરભાઈ પટેલ, સુરેન્દ્રનગરનાં પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ વર્ષા દોશી અને વડોદરાના ડો. હેમાંગ જોશીની નિમણૂક થતાં અભિનંદન પાઠવ્યા હતા. કંકોત્રી વગર કોઈના લગ્નમાં ન જવાય ને!: નીતિન પટેલ
જોકે, રોહન ગુપ્તાને શુભેચ્છા ન પાઠવવા અંગે દિવ્ય ભાસ્કરે સવાલ પૂછતા ટેલિફોનિક વાતચીતમાં નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, હું રોહન ગુપ્તાને ઓળખતો નથી અને તેઓ મને ઓળખતા નથી. કંકોત્રી વગર કોઈના લગ્નમાં ન જવાય ને! હું તેમને કોઈ દિવસ મળ્યો નથી એ પણ મને ક્યારેય મળ્યા નથી. મને તેમનો પરિચય નથી. આ ત્રણેયને હું ઓળખું છું એટલે મેં તેમને શુભેચ્છા પાઠવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપે 25 વ્યક્તિની નિમણૂંક કરી છે. હું બધાને તો ના ઓળખતો હોવ ને. ગુજરાતના ચાર લોકોને જવાબદારી મળી છે પણ હું ત્રણને જ ઓળખું છું. હું પણ કાર્યકર્તા છું અને એ પણ કાર્યકર્તા છે. અમે કોઈ દિવસ મળ્યા નથી. નીતિન પટેલની આ ટિપ્પણીથી ભાજપના નવા સંગઠનાત્મક ફેરફારો વચ્ચે તેમની શુભેચ્છા પાછળનો વ્યક્તિગત પરિચય પણ ચર્ચામાં આવ્યો છે.
'હું રોહન ગુપ્તાને ઓળખતો નથી', નીતિન પટેલે ભારે કરી:પૂર્વ ડેપ્યુટી CMએ હાઈકમાન્ડમાં નવ નિયુક્ત 3 નેતાઓને શુભેચ્છા પાઠવી, કોંગ્રેસમાંથી આવેલા નેતાને બાકાત રાખ્યા
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
