યમનમાં હૂથી બળવાખોરો અને સાઉદી અરેબિયા વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની ગઈ છે. આ દરમિયાન બ્રિટને સાઉદી અરેબિયાને મદદ કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે ન્યૂયોર્ક જતી વખતે પત્રકારો સાથે વાત કરતા બ્રિટિશ વડાપ્રધાને કહ્યું કે બ્રિટન એ-ટુ-એર રિફ્યુઅલિંગ માટે ટેન્કર આપશે. એટલે કે હવામાં ઉડી રહેલા સાઉદીના ફાઈટર પ્લેનમાં ઈંધણ ભરી શકાશે. આ દરમિયાન, લડાઈની અસર સામાન્ય લોકો પર પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં 3,000થી વધુ યમની શરણાર્થીઓ જિબૂતી પહોંચ્યા છે. યુએન મુજબ, લાલ સમુદ્રના કિનારે લડાઈ વધવાથી અત્યાર સુધીમાં 1.2 લાખથી વધુ યમની લોકો ઘરવિહોણા થઈ ચૂક્યા છે. એર-ટુ-એર રિફ્યુઅલિંગ શું છે? આમાં એક ટેન્કર વિમાન હવામાં ઉડી રહેલા ફાઈટર પ્લેનમાં જ ઈંધણ ભરે છે. ફાઈટર પ્લેનને ઈંધણ ભરાવવા માટે એરબેઝ પર પાછું ઉતરવું પડતું નથી. આથી ફાઈટર પ્લેનો વધુ સમય સુધી હવામાં ઉડી શકે છે અને લાંબા સમય સુધી દેખરેખ અથવા સંરક્ષણ અભિયાન ચલાવી શકે છે. બ્રિટન એક RAF વોયજર ટેન્કર વિમાન મોકલી શકે છે બ્રિટન તરફથી એક RAF વોયજર ટેન્કર વિમાન તહેનાત કરવામાં આવે તેવી અપેક્ષા છે. આ વિમાન સાયપ્રસ ખાતેથી RAF અકરોટિરીથી કામગીરી કરી શકે છે. બ્રિટનની RAF પાસે કુલ 9 વોયજર વિમાનો છે. તેમાં 8 લશ્કરી રજિસ્ટ્રેશન ધરાવતા અને એક સિવિલિયન રજિસ્ટ્રેશન ધરાવતું વિમાન છે. જરૂર પડે ત્યારે વધારાનાં વિમાનો પણ લશ્કરી ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવી શકાય છે. આ સમજૂતી સમયમર્યાદિત છે. મદદ મહિનાઓને બદલે થોડાં અઠવાડિયાં સુધી રહેવાની અપેક્ષા છે. જોકે, બર્નહામે કહ્યું છે કે તેની સમીક્ષા ચાલુ રહેશે. બ્રિટને આ વર્ષે પહેલેથી જ સાઉદી અરેબિયાની રક્ષા માટે પોતાની સ્કાય સેબર એર ડિફેન્સ સિસ્ટમ ત્યાં તહેનાત કરી દીધી છે. હૂથી સેનાએ લાલ સમુદ્રના કિનારા નજીક આવેલા મહત્વપૂર્ણ ટાપુઓ પર કબજો કર્યો યમનના હૂથીઓએ આ મહિને લાલ સમુદ્રના કિનારા તરફ ઝડપથી આગળ વધીને બાબ-અલ-મંદબ સ્ટ્રેટ નજીકના વિસ્તારો પર કબજો કર્યો છે. આ સ્ટ્રેટ લાલ સમુદ્રને એડનની ખાડી અને આગળ હિંદ મહાસાગર સાથે જોડે છે. તેથી આ વિસ્તારમાં થતી લડાઈની અસર દરિયાઈ માર્ગો પર પણ પડી શકે છે. હૂથીઓની આ પ્રગતિ બાદ સાઉદી અરેબિયાએ દરિયાકાંઠાના વિસ્તારોમાં સેંકડો હવાઈ હુમલા કર્યા છે. બીજી તરફ હૂથીઓએ સાઉદી અરેબિયાના શહેરો અને માળખાકીય સુવિધાઓ પર સેંકડો ડ્રોન અને મિસાઇલ હુમલા કરવાનો દાવો કર્યો છે. જિબૂતી યુદ્ધમાં સામેલ થવા માંગતું નથી યમનની બરાબર સામે આવેલું જિબૂતી સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે હૂથીઓ બળવાખોરો અને સાઉદી સમર્થિત યમની સરકાર વચ્ચેના યુદ્ધમાં સામેલ થવા માંગતું નથી. જોકે, જિબૂતી આફ્રિકામાં સૌથી વધુ સૈન્ય હાજરી ધરાવતા દેશોમાંનું એક છે. 2003થી અમેરિકા અહીં કેમ્પ લેમોનિયર નામનો મોટો સૈન્ય મથક ચલાવી રહ્યું છે. અહીં ચીનનો પણ મોટો સૈન્ય મથક છે. સાઉદી પર હૂથીઓના હુમલા કેમ વધ્યા? આ લડાઈ યમનમાં હૂથી બળવાખોરો અને સાઉદી અરેબિયાના સમર્થનવાળી યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર વચ્ચે છે. હૂથીઓએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ અને ઊર્જા સંબંધિત સુવિધાઓને નિશાન બનાવી ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવાનો દાવો કર્યો છે. તેના જવાબમાં સાઉદી અરેબિયાએ યમનની અંદર હૂથી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. બ્રિટિશ સરકારના જણાવ્યા મુજબ, જુલાઈથી હૂથીઓએ સાઉદી અરેબિયાના અનેક શહેરો, એરપોર્ટ, સૈન્ય મથકો અને ઊર્જા સંબંધિત માળખાગત સુવિધાઓને નિશાન બનાવી છે. આમાં અબહા, જિઝાન, નજરાન, તાઇફ, જેદ્દાહ અને યાન્બુનો સમાવેશ થાય છે. લાલ સમુદ્રમાં સાઉદી જહાજોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓમાં કેટલાક સામાન્ય લોકો ઘાયલ થયાની વાત કહેવામાં આવી છે. બ્રિટને આ હુમલાઓની કડક નિંદા કરી છે. તેનું કહેવું છે કે આનાથી પ્રદેશની સ્થિરતા અને લાલ સમુદ્ર તથા બાબ-અલ-મંદબ જળસંધિમાંથી જહાજોની અવરજવર પર જોખમ ઊભું થાય છે. 2014થી યમનમાં ચાલી રહ્યું છે યુદ્ધ યમનમાં 2014થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. આ લડાઈમાં અત્યાર સુધી હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. સાઉદી અરેબિયા અને હૂતી બળવાખોરો વચ્ચે 2022માં સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થીથી યુદ્ધવિરામ થયો હતો. પરંતુ હાલના મહિનાઓમાં આ સમજૂતી ખરાબ રીતે તૂટી ગઈ છે. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે મિસાઇલ, ડ્રોન અને હવાઈ હુમલા ફરી વધી ગયા છે. આ લડાઈની અસર માત્ર યમન અને સાઉદી અરેબિયા સુધી મર્યાદિત નથી. બાબ-અલ-મંદબમાંથી પસાર થતા દરિયાઈ માર્ગને કારણે અહીંની સુરક્ષાની અસર લાલ સમુદ્રના માર્ગે થતા આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ પડી શકે છે. પરંતુ આ લડાઈની સૌથી મોટી કિંમત તે લોકોએ ચૂકવવી પડી રહી છે, જેમને પોતાનું ઘર છોડીને બીજા દેશમાં શરણ લેવી પડી રહી છે. બ્રિટન અગાઉ પણ હૂથીઓ પર હુમલો કરી ચૂક્યું છે બ્રિટન અગાઉ પણ હૂથી ઠેકાણાઓ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી ચૂક્યું છે. જાન્યુઆરી 2024માં બ્રિટને અમેરિકાની સાથે મળીને યમનમાં હૂથીઓના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ કાર્યવાહી લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર હૂથીઓના સતત હુમલાઓ બાદ કરવામાં આવી હતી. તે અભિયાનમાં બ્રિટિશ RAF ટાઇફૂન ફાઈટર પ્લેનોને વોયજર ટેન્કર વિમાનો દ્વારા હવામાં જ ઈંધણ પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ એપ્રિલ 2025માં પણ બ્રિટન અને અમેરિકાએ યમનમાં હૂથીઓ વિરુદ્ધ સંયુક્ત સૈન્ય અભિયાન ચલાવ્યું હતું. તેમાં બ્રિટિશ RAF ટાઇફૂન ફાઈટર પ્લેનોએ હૂથીઓના ડ્રોન બનાવતી એક જગ્યાને નિશાન બનાવી હતી. આ અભિયાનમાં પણ ટાઇફૂન વિમાનોને વોયજર ટેન્કર દ્વારા હવામાં જ ઈંધણ પૂરું પાડવામાં આવ્યું હતું. હવે બ્રિટને સાઉદી અરેબિયાની માંગ પર ફરી વોયજર ટેન્કર ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. આ મદદ હાલમાં થોડા અઠવાડિયા માટે રહેશે. ———————
હૂથીઓ સામે સાઉદીની મદદ કરશે બ્રિટન:હવામાં ફાઈટર પ્લેનમાં ઈંધણ ભરશે; યુદ્ધથી યમનમાં 1.2 લાખ લોકો ઘરવિહોણા થયા
📅 Published: September 22, 2026 |
📂 Category: International
