પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 13 થી 15 ઓક્ટોબર, 2026 દરમિયાન આયોજિત 53મો રાષ્ટ્રીય સેમિનાર ‘નેશનલ સેમિનાર ઓન ક્રિસ્ટલોગ્રાફી એન્ડ ડ્રગ ડિઝાઇન (NSCDD-53)’ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. વૈજ્ઞાનિક ચર્ચાઓ, ઇન્ટરેક્ટિવ સત્રો અને આકર્ષક સમાપન સમારોહ સાથે ત્રણ દિવસીય શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અંત આવ્યો હતો. 12 વર્ષ બાદ યોજાયો ખાસ સેમિનાર
ગુજરાત રાજ્યમાં આશરે 12 વર્ષના લાંબા સમયગાળા બાદ આ પ્રકારના ઉચ્ચ સ્તરના રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સ્ફટિકવિજ્ઞાન, અણુસ્તરીય રચના, આધુનિક દવા સંશોધન અને આંતરવિષયક વિજ્ઞાનના વિવિધ ગંભીર વિષયો પર દેશભરના તજજ્ઞો દ્વારા વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. કુલપતિએ યુવા સંશોધકોને આપ્યું માર્ગદર્શન
કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોરભાઈ પોરિયાએ સંશોધનને સમાજની જરૂરિયાતો અને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડવા ખાસ હાકલ કરી હતી. આ સાથે જ તેમણે યુવા સંશોધકોમાં જિજ્ઞાસા અને તર્કશક્તિ કેળવાય તે અર્થે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી નવી દિશા દર્શાવી હતી. આધુનિક પદ્ધતિઓ અને તકનીકો પર ચર્ચા
સેમિનારના બીજા દિવસે એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફી, મોલેક્યુલર મોડેલિંગ, કમ્પ્યુટેશનલ અભિગમ અને સ્ટ્રક્ચર-બેઝ્ડ ડ્રગ ડિઝાઇન જેવી અદ્યતન પદ્ધતિઓ પર તકનીકી ચર્ચાઓ યોજાઈ હતી. આ ચર્ચા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ફાર્માસ્યુટિકલ સાયન્સ અને કમ્પ્યુટેશનલ સાયન્સ વચ્ચે સહયોગ સ્થાપવામાં અત્યંત ઉપયોગી પુરવાર થશે. પ્રશ્નોત્તરી સત્ર સાથે વેલેડિક્ટરી ફંક્શન યોજાયું
અંતિમ દિવસે યોજાયેલા ઇન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપકોએ નિષ્ણાતો સાથે સીધો સંવાદ સાધી પોતાના પ્રશ્નોના જવાબો મેળવ્યા હતા. ત્યારબાદ આયોજિત વેલેડિક્ટરી ફંક્શનમાં યુવા સંશોધકોને વૈજ્ઞાનિક ક્ષેત્રે સંયુક્ત સંશોધનની સંભાવનાઓ વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ક્રિસ્ટલોગ્રાફી અને ડ્રગ ડિઝાઇન સેમિનાર સંપન્ન:ગુજરાતમાં 12 વર્ષ પછી યોજાયેલા NSCDD-53માં દવા સંશોધન પર ચર્ચા; કુલપતિએ યુવા સંશોધકોને માર્ગદર્શન આપ્યું
📅 Published: October 15, 2026 |
📂 Category: gujarati-news
