₹142.05 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ તૈયાર:બોપલ-ઘુમામાં બે વર્ષમાં વરસાદી પાણીનું નેટવર્ક અને ત્રણ તળાવોમાં મુખ્ય લાઈન નખાશે

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પત્ર બાદ મુખ્યમંત્રી, મેયર અને મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ અને ઘુમા વિસ્તારમાં રૂ. 142.05 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આગામી બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે ત્રણ તળાવમાં પમ્પિંગ સ્ટેશન અને મુખ્ય લાઈન નાખવાનું નેટવર્ક ઊભું કરવામાં આવશે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કના અભાવે પાણી ભરાવાની સમસ્યા
મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વર્ષ 2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ થયેલા બોપલ, ઘુમા સહિતના પશ્ચિમ વિસ્તારોમાં નીચાણવાળી ભૌગોલિક પરિસ્થિતિ તથા અગાઉથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કના અભાવના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તાજેતરમાં જ અતિભારે વરસાદ થતાં બોપલ-ઘુમા પટ્ટામાં બસંત બહાર સોસાયટી તથા સાઉથ બોપલ (SoBo)ની અનેક રહેણાંક સોસાયટીઓ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઝોનવાર સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરાયો
ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી અમિત શાહની ભલામણ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર વિસ્તારનો હાઇડ્રોલોજિકલ અભ્યાસ (વરસાદી પાણીના કુદરતી વહેણ અને ઢાળનો વૈજ્ઞાનિક અભ્યાસ) કરી ઝોનવાર સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડી.પી.આર.) તૈયાર કરી NDMA અંતર્ગત પ્રથમ ત્રણ કામોના ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જે આયોજન અંતર્ગત બોપલ તળાવ (કેચમેન્ટ વિસ્તાર 174.50 હેક્ટર), ઘુમા તળાવ (91.94 હેક્ટર) તથા રતન તળાવ (444.11 હેક્ટર) એમ કુલ અંદાજે 710.55 હેક્ટર (અંદાજે 7.10 ચો.કિ.મી.) કેચમેન્ટ વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. પ્રતિ હેક્ટર 500 વ્યક્તિની ગીચતા મુજબ ભવિષ્યની અંદાજે 3.50 લાખની વસ્તીને ધ્યાને લઈ સ્ટોર્મ વોટર નેટવર્કની ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે હાલમાં આ વિસ્તારની અંદાજિત વસ્તી 1.50 લાખ જેટલી છે. વોટર લોગિંગ સ્પોટ દૂર કરવાનું આયોજન કરાયું
જ્યાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક ઉપલબ્ધ નથી ત્યાં નવી સ્ટોર્મ વોટર લાઇનો, કેચપીટ, ઇન્ટર-કનેક્શન તથા આઉટફોલ (નિકાલ મુખ) ઊભા કરી વોટર લોગિંગ સ્પોટ દૂર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રતન તળાવ ખાતે નિર્માણ પામનાર પમ્પિંગ સ્ટેશન થકી તળાવોમાં એકત્રિત થતા વધારાના વરસાદી પાણીનો ઝડપી નિકાલ શક્ય બનશે. વક્તા વિસ્તારને ધ્યાનમાં રાખી ધ્યાને લઈ ગોતા- ગોધાવી કેનાલ તથા સાબરમતી નદી સાથે નિકાલ વ્યવસ્થાના જોડાણ સહિતના લાંબા ગાળાના ઉકેલોને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *