100 યુદ્ધ જહાજોથી ચીને તાઇવાનને ઘેર્યું:40 હજાર ટનની વોરશિપે દુનિયાને ધ્રૂજાવી, અમેરિકાને સીધી ચેલેન્જ, તાઇપેઇ તૂટે તો સાણંદથી ધોલેરા સુધી ખતરો

📅 Published: November 13, 2026 | 📂 Category: International

“તાઈવાન ચીનમાં જોડાઈને રહેશે” આ શબ્દો છે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના. ગઈકાલે ચીનમાં એક મોટી મીટિંગ થઈ હતી જેમાં તેમણે આ વાત કહી છે. પણ અહીં એક સમજવા જેવી છે જ્યારે તેમણે આ વાત કહી ત્યારે દુનિયામાં શું ચાલી રહ્યું છે! મિડ ટર્મ ઈલેક્શનમાં ભૂંડી હાર પછી ટ્રમ્પ ઘાયલ થયા છે, મોટા ભાગના બધા જ AI મોડલમાં વપરાતી ચિપ કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગનું ચીની મહિલા સાથે લફરું પકડાયું છે… આટલું જ નહીં હજુ તો ઘણું બધું છે, જેમ કે ટ્રમ્પે પોતાના નંબર ટુ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને ઈરાનની શાંતિ વાત ચીતમાંથી હટાવી દીધા છે. તો આટ-આટલી ઘટનાઓ જ્યારે એકસાથે થઈ રહી હોય ત્યારે અમેરિકા-ચીન-તાઈવાનની જીઓપોલિટિક્સની વાત કરવી બને કે શા માટે ચીન તાઈવાનને ગળી જવા માગે છે અને કેમ તાઈવાનને ચીનમાં નથી ભળવું. સૌથી મોટી વાત કે તમે દુનિયાના ગમે તે ખુણે બેઠા હોવ પણ તાઈવાન તમારા માટે બહુ જ મહત્વનું છે. કેવી રીતે? ચાલો વિગતે વાત કરીએ. નમસ્કાર… 12 નવેમ્બર 2026ની તારીખે દુનિયાના રાજકારણમાં એવો ભૂકંપ આવ્યો જેના આંચકા વોશિંગ્ટનથી લઈને તાઈપે અને ભારતના શેરબજાર સુધી પહોંચ્યા. માત્ર 24 જ કલાકમાં બે ઘટનાઓ બની જેણે અમેરિકા અને ચીન વચ્ચેના કોલ્ડ વોરને સીધા જ વિસ્ફોટક મોડ પર લાવી દીધું છે. એલિસ સાથેનું લફરું જેન્સનને ભારે પડ્યું! પહેલો ધડાકો અમેરિકાના ટેક્નોલોજી જગતમાં થયો. આજના યુગમાં જેની ચિપ્સ વગર AIની કલ્પના નથી થઈ શક્તિ એવી દુનિયાની સૌથી મહત્વની એનવીડિયા કંપનીના સ્થાપક અને સીઈઓ જેન્સન હુઆંગે રાજીનામું આપી દીધું. 33 વર્ષ સુધી એકધારું શાસન કરનાર હુઆંગની આ વિદાઈ કોઈ રિટાયરમેન્ટ કે કંપનીના નબળા પર્ફોર્મન્સના કારણે નહોતી. તે અમેરિકાના માનવા મુજબ કથિત ચીની જાસૂસી કરનાર એલિસ હુઆંગ નામની મહિલાના કારણે હતી. જેન્સનનું લફરું અને AI સામ્રાજ્યમાં ગાબડું અમેરિકાનો દાવો છે કે જેન્સન હુઆંગનું એલિસ સાથે લફરું હતું અને એલિસ અમેરિકાની સિક્રેટ માહિતી ચીન સુધી પહોંચાડતી હતી. એલિસ પર ટ્રમ્પ સરકારે આક્ષેપ કર્યો છે કે તેણે સિંગાપોર મારફતે અબજો ડોલરની ચિપ્સની દાણચોરી કરી હતી. અમેરિકાની સ્પાય એજન્સીના મેમો મુજબ એલિસને ચીનની ખતરનાક જાસૂસી સંસ્થા મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યોરિટી દ્વારા જેન્સન હુઆંગને ફસાવવા માટે જ તૈયાર કરવામાં આવી હતી. પણ આપણે અહીં સમજવું જોઈએ કે એલિસ ચીની જાસૂસ જ છે એવું હજુ સુધી સાબિત નથી થયું. હોય કે ન હોય આપણે કંઈ લેવાદેવા નથી પણ આપણે એ સમજવું રહ્યું કે આ એક્સ્ટ્રા મેરિટલ અફેયરના કારણે અમેરિકાના AI સામ્રાજ્યના સૌથી મોટા કિલ્લામાં મોટું ગાબડું પડ્યું છે. તાઈવાનનો ચીનમાં વિલય થઈને જ રહેશે હવે બીજા ધડાકાની વાત. બરોબર આ જ સમયે બેજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પિપલમાંથી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે 3 હજાર લીડર્સની હાજરીમાં ગર્જના કરી કે, “ઇતિહાસના પ્રવાહને કોઈ રોકી શકશે નહીં અને તાઈવાનનો ચીનમાં વિલય નિઃશંકપણે થઈને જ રહેશે!” પણ આ નિવેદનમાં એક વસ્તુ નોટ કરવા જેવી છે. જિનપિંગે બહુ ચાલાકીથી તાઈવાનના રાષ્ટ્રપિતા ગણાતા ડોક્ટર સન યાત-સેનની 160મી જન્મજયંતિનો ઉપયોગ કરીને તાઈવાનના લોકો પર મેન્ટલ પ્રેશર ઉભું કર્યું છે. ચીને તાઈવાન સામે દરિયાઈ ઘેરો ઘાલ્યો આટલું જ નહીં હો! જિનપિંગના શબ્દોની માયાજાળ તો હજુ બાકી જ છે. તેમણે તાઈવાનને ચીનમાં ભેળવી દેવાની વાત કરી ત્યારે ટ્રમ્પની જેમ કોઈ હથિયાર કે બોમ્બમારીની વાત ન કરી. બીજું એ કે જ્યારે જિનપિંગ શબ્દોના બાણ મારી રહ્યા હતા ત્યારે દરિયાની અંદર એક મોટો ખેલ ખેલાઈ રહ્યો હતો. પશ્ચિમ પેસિફિક મહાસાગર અને તાઈવાનની ચારે બાજુ ચીનના 100થી વધુ યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટ કેરિયર લિયાઓનિંગે ઘેરો ઘાલ્યો. કહેવાય છે કે ચીન અત્યારે છૂપી રીતે તાઈવાનને દુનિયાથી કાપી નાખવા માટે સૌથી મોટી મિલિટરી એક્સર્સાઇઝ કરી રહ્યું છે. વાત અહીં પૂરી નથી થઈ જતી. આ ગેમ એવા સમયે રમાઈ રહી છે જ્યારે વોશિંગ્ટનમાં બેઠેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાથ મિડ ટર્મ ઈલેક્શનની ચૂંટણી પછી બંધાઈ ચૂક્યા છે. હાલના સમયમાં અમેરિકન કોંગ્રેસના બંને ગૃહો એટલે કે સેનેટ અને હાઉસમાં વિપક્ષ ડેમોક્રેટ્સનો કબજો છે. બેડરૂમનો વિવાદ વ્હાઈટ હાઉસના બોલરુમ સુધી પહોંચ્યો આનો સીધો મતલબ થયો કે આવનાર 18-19 નવેમ્બરે ચીનના શેનઝેનમાં થનાર APEC સમિટમાં જ્યારે ટ્રમ્પ અને જિનપિંગ સામસામે બેસશે ત્યારે ટ્રમ્પ પોતાની મરજીથી કોઈ પર્સનલ કે પ્રોફેશનલ ડિલ નહીં કરી શકે. એક બાજુ રાજકીય રીતે ઘવાયેલા ટ્રમ્પ છે તો બીજી બાજુ લીડરશીપ વગરની અમેરિકાની સૌથી મોટી એઆઈ કંપની Nvidia છે, ત્રીજી બાજુ તાઈવાનના ગળા ફરતે ચીનનો ગાળિયો ભીંસાઈ રહ્યો છે. એવામાં સવાલ થાય કે જેન્સન હુઆંગના બેડરૂમથી શરૂ થયેલો વિવાદ વ્હાઈટ હાઉસના બોલરૂમ સુધી કેવી રીતે પહોંચી ગયો? અને શું ખરેખર ચીને સિંગાપોરને હાથો બનાવીને અમેરિકાની આંખમાં ધૂળ નાખી છે? ચાલો આ વિવાદના પણ મૂળિયા ઉખેડીએ…. અમેરિકાએ વર્ષ 2022માં જ ચીનને એડવાન્સ એઆઈ ચિપ્સ વેચવા પર બેન લગાવી દીધો હતો. તો પછી ચીનની કંપનીઓ પાસે આ ચિપ્સ પહોંચી કેવી રીતે? આ જ સવાલના જવાબમાં શરૂ થાય છે સિંગાપોરનું સિક્રેટ નેટવર્ક, જેના આંકડા જોઈને બે ઘડી તો અમેરિકાની ઈન્વેસ્ટિગેશન એજન્સી FBI અને DoJ હેબતાઈ ગયા. એલિસ હુઆંગના ગાલ પર કિસ… ચીનને અમેરિકન ચિપ્સ વેચવાના બેન પછી તરત જ સિંગાપોરમાં એક ચીની કંપનીનું નામ બદલીને મેગાસ્પીડ ઈન્ટરનેશનલ કરી દેવામાં આવ્યું. તેની મેનેજિંગ ડિરેક્ટર બની હતી એલિસ હુઆંગ. નવાઈની વાત તો એ છે કે ઓક્ટોબર 2023માં આ કંપનીના માલિક બદલાયાને ખાલી ચાર જ દિવસ થયા હતા અને એનવીડિયાએ આ કંપનીને પોતાની ઓફિશિયલ સર્વર ક્લાઉડ પાર્ટનર બનાવી દીધી. ત્યાર પછી જ જેન્સન હુઆંગ અને એલિસ હુઆંગના ગાલ પર કિસ કરતા અને એક જ ગાડીમાં જવાના ફોટો અને વીડિયો કેમેરામાં કેદ થયા. જેન્સન હુઆંગે પાછલા બારણે ચીનની મદદ કરી? અમેરિકાની તપાસમાં બહાર આવ્યું કે જૂન 2024 પછી મેગા સ્પીડ કંપનીએ 4.6થી 4.8 અરબ ડોલર એટલે કે અંદાજે 40 હજાર કરોડ રૂપિયાની Nvidia પ્રોડક્સ ખરીદી હતી. ખુદ એનવીડિયાના ઓડિટમાં મેગાસ્પીડને વેચાયેલી ચિપ્સમાં 50 હજાર યુનિટની ઘટ પકડાઈ છે. અમેરિકન રિપોર્ટમાં દાવો છે કે જેન્સન હુઆંગના આ સંબંધે ચીની કંપનીઓને પાછલા બારણે ઓછામાં ઓછી 7.5 અબજ ડોલરની ચિપ્સ મેળવવામાં મદદ કરી હતી. ત્રણ અફેયર અને 125 લાખ કરોડ ધોવાયા ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે વાત ખાલી અફેર પૂરતી સીમિત નહોતી. તપાસ ખુલતા જ ખબર પડી કે જેન્સન હુઆંગને પોતાની જ કંપનીની વાઈસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ અને હજુ એક મહિલા કર્મચારી સહિત કૂલ ત્રણ અફેયર્સ હતા. AI દુનિયાની સેન્ટ્રલ બેંક ગણાતી એનવીડિયામાં હુઆંગ નીચે 60 એક્ઝિક્યૂટિવ્સ સીધા કામ કરતા હતા પણ કંપની પાસે બીજો કોઈ સક્સેસરનો પ્લાન જ નહોતો. ટૂંકમાં જેન્સન પછી કંપની કોણ સંભાળશે તે કંપનીએ તૈયારી જ નહોતી કરી. જેના કારણે આ કૌભાંડ બહાર આવતા જ એક મહિનામાં એનવીડિયાનું 1.5 ટ્રિલિયન ડોલર એટલે કે અંદાજે 125 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ સાબુ-પાણી વગર ધોવાઈ ગયું. કમાણી માટે અમેરિકાએ કર્યો ચીનનો ઉપયોગ આ કૌભાંડના તાર સીધા વ્હાઈટ હાઉસ સાથે જોડાયેલા છે. ઓક્ટોબર 2025માં જ સ્પાય એજન્સીએ ટ્રમ્પને હુઆંગ પરના જાસૂસી જોખમની વોર્નિંગ આપી હતી. તેમ છતાં ટ્રમ્પે એનવીડિયાને પોતાની શક્તિશાળી H200 ચિપ ચીનને વેચવાની છૂટ આપી. શરત એવી રખાઈ કે તાઈવાનમાં બનતી આ ચિપ્સ પહેલા અમેરિકા આવશે, જ્યાં 25 ટકા ટેરિફ લાગશે અને ચીનના વેચાણમાંથી 15 ટકા કમાણી સીધી અમેરિકન સરકારને મળશે. ટ્રમ્પના મંત્રીની ખુરશી પર લટકતી તલવાર હવે અમેરિકન સંસદમાં સવાલ ઉઠ્યો છે કે શું જેન્સન હુઆંગે ટ્રમ્પના વ્હાઈટ હાઉસ બોલરૂમ પ્રોજેક્ટ માટે આપેલા 26 મિલિયન ડોલર એટલે કે 220 કરોડ રૂપિયાના દાનના બદલામાં નેશનલ સિક્યોરિટી સાથે ચેડા કરવામાં આવ્યા? આ જ કારણે ટ્રમ્પના કોમર્સ મિનિસ્ટર હોવર્ડ લુટનિકની ખુરશી પણ જોખમમાં આવી ગઈ છે, કારણ કે તેમણે છેલ્લા એક વર્ષમાં ચીનની ડીપસીક સહિત 100થી વધુ કંપનીઓ સામે કોઈ બેન જ નહોતો લગાવ્યો. જ્યારે વોશિંગ્ટન આ કૌભાંડમાં ગૂંચવાયેલું છે ત્યારે ચીને સમુદ્રમાં પોતાનો પાવર બતાવ્યો છે. 12 નવેમ્બરે જિનપિંગના ભાષણ સમયે જ તાઈવાનની ફરતે 29 ચીની યુદ્ધ વિમાનો અને ડ્રોન ચક્કર લગાવી રહ્યા હતા. ચીને કોઈ પણ જાહેરાત વગર 100થી વધુ નેવીના જહાજો ઉતારીને પોતાના 2025ના જસ્ટિસ મિશન કરતાં પણ મોટો ઘેરાવ કર્યો છે. તાઈવાનને અમેરિકાથી તોડવા ચીનનો ચક્રવ્યૂહ સૌથી ખતરનાક વાત એ છે કે જૂન 2026થી ચીની કોસ્ટ ગાર્ડે તાઈવાનના ઈસ્ટ કોસ્ટ પર પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. જીઓગ્રાફિકલ રીતે તાઈવાનનો વેસ્ટ કાંઠો ચીનની સામે છે પણ પેસિફિક મહાસાગર તરફ પડતો પૂર્વ કાંઠો એ યુદ્ધના સમયે અમેરિકા પાસેથી હથિયારો લેવાની લાઈફલાઈન છે. ચીન અત્યારે એન્ટી એક્સેસ અને એરિયા ડિનાયલ ડ્રિલ ચલાવીને આ જ અમેરિકન હથિયાર સપ્લાયની લાઈફલાઈન કાપવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. એટલે જો ચીન તાઈવાન પર હુમલો કરે તો અમેરિકન સેના તાઈવાનની મદદે પહોંચી જ ન શકે. તો હવે સવાલ એ થાય કે જિનપિંગે પોતાના ભાષમાં તાઈવાનને ભેળવવા માટે ટ્રમ્પની જેમ સેનાની કે હથિયારોની વાત કેમ ન કરી? આ અમેરિકા-ચીન-તાઈવાન જીઓપોલિટિક્સથી આપણે સામાન્ય લોકોને શું લેવાદેવા? ચાલો હવે તેના પરથી પડદો ઉઘાડીએ. તાઈવાનઃ જમીન નહીં ચિપ કબજે કરવાની ગેમ હવે આવીએ આખા વિવાદના સૌથી મોટી મોમેન્ટ પર. તમને કદાચ એવું લાગે કે જિનપિંગને તાઈવાનની જમીન જોઈએ છે પણ અસલી રમત જમીનની નહીં સિલિકોન શિલ્ડ એટલે કે માઈક્રોચિપ્સ પર કબજો કરવાની તૈયારી છે. તમે અત્યારે જે સ્માર્ટફોન કે લેપટોપ પર એડિટર્સ વ્યૂ વાંચી રહ્યા છો કે પછી દુનિયાભરનું AI જેના પર ચાલે છે તે એનવીડિયા તો માત્ર ચિપ્સની ડિઝાઈન બનાવે છે. તેનું ફિઝિકલ પ્રોડક્શન તો તાઈવાનની TSMC કંપનીમાં થાય છે અને તે પણ નેધરલેન્ડ્સની ASML કંપનીના 180 ટન વજનના મહાકાય મશીનોથી. જિનપિંગ શાંતિદૂતની છબી બનાવવા માગે છે? ઓક્ટોબર 2026માં તાઈવનની મંથલી નિકાસ 96.76 અબજ ડોલરના ઐતિહાસિક લેવલે પહોંચી ગઈ છે અને જેન્સન હુઆંગે તાઈવાનમાં દર વર્ષે 150 અબજ ડોલર ઈન્વેસ્ટ કરવાની જાહેરાત કરી હતી. આ ચિપ્સ જ તાઈવાનની સિક્યોરિટી છે. જિનપિંગે 12 નવેમ્બરના ભાષણમાં સૈન્ય બળનો પ્રયોગ એટલા માટે ટાળ્યો હોય શકે કે બરાબર છ દિવસ પછી એટલે કે 18-19 નવેમ્બરે ચીનના શેનઝેનમાં APEC સમિટ યોજાઈ રહી છે. 10 જાન્યુઆરી 2027ના રોજ અમેરિકા અને ચીન વચ્ચે રેર અર્થ ખનિજોનો ટ્રેડ ટ્રુસ પૂરો થાય એ પહેલા જિનપિંગ દુનિયા સામે શાંતિદૂતની છબી બનાવવા માગે છે. જ્યારે પડદા પાછળ શેનઝેનની લેબોરેટરીમાં જ ચીની સાયન્ટિસ્ટ 2028-2030 સુધીમાં પોતાનું સ્વદેશી ચિપ મશીન EUV બનાવવા રાત-દિવસ એક કરી રહ્યા છે. અમેરિકાએ તાઈવાનને હથિયારો કેમ ન આપ્યા? બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી તાઈવાનને એક સિક્યોરિટી પાર્ટનર તરીકે નહીં પણ ચીન સાથે વેપાર કરવા માટેની બાર્ગેનિંગ ચિપ માનતા હતા. એટલે જ ટ્રમ્પે જાન્યુઆરી 2026થી તાઈવાનનું 14 અબજ ડોલરનું હથિયાર પેકેજ જેમાં એર ડિફેન્સ મિસાઈલ્સ પણ શામેલ છે તે રોકી રાખ્યું હતું, જેથી જિનપિંગ નારાજ ન થાય. ઉપરથી ઈરાન યુદ્ધમાં દારૂગોળો વપરાઈ જતાં તાઈવાનને મળનારા હથિયારો અટવાઈ પડ્યા છે. ટ્રમ્પના દુનિયા ધુણાવવાના સપના પર પાણી પણ 3 નવેમ્બરની મિડ ટર્મ ચૂંટણીના રિઝલ્ટ્સે આ આખી ગેમ ઊંધી વાળી દીધી છે. અમેરિકન સંસદના બંને ગૃહો પર ડેમોક્રેટ્સનો કબજો થતાં જ હવે વ્હાઈટ હાઉસની પર્સનલ ડિલમેકિંગનો જમાનો પૂરો થઈ ગયો છે. 3 જાન્યુઆરી 2027થી અમેરિકાના ઈતિહાસમાં પહેલા અશ્વેત હાઉસ સ્પીકર બનવા જઈ રહેલા હકીમ જેફ્રીઝ અને સેનેટ નેતા ચક શૂમર હવે ટ્રમ્પને શેનઝેન સમિટમાં તાઈવાનના ભોગે જિનપિંગ સાથે કોઈ ગ્લોબલ ટુ જેને G2 પણ કહેવાય છે તેની સોદાબાજી નહીં કરવા દે. અમેરિકામાં ત્રણ ખતરનાક કાયદા લાઈનમાં ટૂંકમાં હવે અમેરિકાની ચીન પોલિસી કોઈ એક વ્યક્તિના મૂડ પર નહીં પણ સંસદના કડક કાયદાઓ પર ચાલશે. જેન્સન હુઆંગના રાજીનામાના બીજા જ દિવસે અમેરિકન સંસદમાં ત્રણ ખતરનાક કાયદાઓ પસાર થવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચીન-તાઈવાન-અમેરિકા ઊંધા પડે આપણે શું? ટૂંકમાં જિનપિંગની વાતો પાછળ 100 જહાજોનો ઘેરાવો છે, જેન્સન હુઆંગના પતન પાછળ નેશનલ સિક્યોરિટીનું ગણિત છે અને ટ્રમ્પની હાર પાછળ અમેરિકાની લોકશાહીનું ચેક એન્ડ બેલેન્સનો નિયમ છે. હવે જ્યારે 18-19 નવેમ્બરની શેનઝેન સમિટ મળશે ત્યારે નક્કી થશે કે દુનિયા નવા ટેક યુદ્ધ બાજુ ધકેલાશે કે પછી કોઈ નવા ઈક્વેશન બનવા જઈ રહ્યા છે. અને છેલ્લે… મિડ ટર્મ ઇલેક્શનમાં હાર માટે ઈરાન યુદ્ધ જવાબદાર છે. જેડી વેન્સે આવું કહેતા ટ્રમ્પને મરચાં લાગ્યાં છે. હવે તેમણે વેન્સને ઈરાન સાથેની શાંતિ મંત્રણાથી દૂર કરી દીધા છે અને ડેમોક્રેટિક રાજ્યોમાં ભ્રષ્ટાચાર શોધવાના કામે લગાવી દીધા છે. યુદ્ધ રોકવાના સમર્થક શાંતિ મંત્રણાથી દૂર થશે તો યુદ્ધ કેવો વળાંક લેશે એ વિચારવું પણ ડરામણું છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *