11 ઓક્ટોબર, 2026ના રોજ દેશભરમાં અનેક મહત્ત્વના કાર્યક્રમો યોજાવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચેન્નાઈની મુલાકાત લેશે, જ્યારે ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા અને થરા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થશે. આ ઉપરાંત આસો નવરાત્રિનો પ્રારંભ થશે અને સુરત મહાનગરપાલિકાના વર્ગ-3ના ક્લાર્કની ભરતી માટે પરીક્ષા યોજાશે.
આસો નવરાત્રિનો પ્રારંભ
11 ઓક્ટોબર, 2026થી આસો નવરાત્રિનો પ્રારંભ થશે. નવ દિવસના આ પર્વ દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવામાં આવશે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં પરંપરા મુજબ સવારે 9થી 10:30 વાગ્યા દરમિયાન શાસ્ત્રોક્ત વિધિથી ઘટસ્થાપન થશે. આ પ્રસંગે વિદ્વાન બ્રાહ્મણો, દેવસ્થાન ટ્રસ્ટના સંચાલકો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
થરા નગરપાલિકાની ચૂંટણીમાં 59 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે
થરા નગરપાલિકાની ચૂંટણી માટે પણ 11 ઓક્ટોબરે મતદાન યોજાશે. 6 વોર્ડની 24 બેઠકો માટે કુલ 59 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન બાદ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચેન્નાઈ પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે ચેન્નાઈની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ 13,000 કરોડથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. આ યોજનાઓમાં મેટ્રો, રેલવે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બંદર અને રિફાઇનરી સંબંધિત પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેઓ આઈઆઈટી મદ્રાસના મગજ સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે અને સંસ્થાના સુવર્ણ જયંતી સમારોહને સંબોધિત કરશે.
જે.પી. નડ્ડાની હિમાચલ પ્રદેશમાં જાહેરસભા
ભાજપના નેતા જે.પી. નડ્ડા 11 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશના પતલીકુહલના મેળા મેદાનમાં વિશાળ જાહેરસભાને સંબોધિત કરશે. કાર્યક્રમને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની સંભાવના છે.
નિર્મલા સીતારમણના સિંગાપોર પ્રવાસનો છેલ્લો દિવસ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના સિંગાપોર પ્રવાસનો 11 ઓક્ટોબરે છેલ્લો દિવસ છે. આ દરમિયાન તેઓ સિંગાપોરના નેતાઓ અને અગ્રણી કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકો કરશે. પ્રવાસનો હેતુ ભારત અને સિંગાપોર વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી, રોકાણ, વેપાર અને આર્થિક સહયોગને મજબૂત કરવાનો છે.
વારાણસીમાં 94મી ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઑન સાઇકલ’
11 ઓક્ટોબરે વારાણસીમાં ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઑન સાઇકલ’નો 94મો કાર્યક્રમ યોજાશે. સવારે 6 વાગ્યે નમો ઘાટથી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી સુધી સાઇકલ યાત્રા નીકળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આ કાર્યક્રમનું નેતૃત્વ કરશે. ‘નશામુક્ત યુવા’ની થીમ સાથે સ્વસ્થ જીવનશૈલી, તંદુરસ્તી અને નશામુક્ત ભારતનો સંદેશ આપવામાં આવશે.
છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાઈની મંત્રીમંડળ બેઠક
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈના અધ્યક્ષસ્થાને 11 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે રાયપુરમાં મંત્રીમંડળની બેઠક યોજાશે. બેઠકમાં શિક્ષણ, આરોગ્ય, સરકારી હોસ્પિટલોમાં સુધારા, કૃષિ તકનીક, ખેડૂતો અને સહકારી મંડળીઓ સંબંધિત પ્રસ્તાવો પર ચર્ચા થશે.
મધ્ય પ્રદેશમાં 8.19 લાખ વિદ્યાર્થીઓને લાભ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ 11 ઓક્ટોબરે નરસિંહપુરમાં શિક્ષણના અધિકાર કાયદા હેઠળ 20,456 ખાનગી શાળાઓને ફી ભરપાઈ માટે 502 કરોડની રકમ હસ્તાંતરિત કરશે. આ યોજનાથી 8.19 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે. આ ઉપરાંત ₹45 કરોડથી વધુના ખર્ચે બનેલી સાંદીપની ઉત્કૃષ્ટ શાળાનું લોકાર્પણ કરવામાં આવશે.
પંજાબ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખનો કાર્યભાર
પંજાબ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ પરગટ સિંહ 11 ઓક્ટોબરે ચંડીગઢમાં ઔપચારિક રીતે કાર્યભાર સંભાળશે. કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને સચિન પાયલટ હાજર રહેવાની સંભાવના છે.
21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
આપેલી માહિતી મુજબ, 11 ઓક્ટોબરે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, સિક્કિમ, મિઝોરમ અને નાગાલેન્ડ સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના ક્લાર્કની પરીક્ષા
સુરત મહાનગરપાલિકામાં વર્ગ-3ના ક્લાર્કની 717 જગ્યાઓ માટે 11 ઓક્ટોબરે ભરતી પરીક્ષા યોજાશે. રાજ્યના સુરત, અમદાવાદ અને રાજકોટમાં કુલ 400 કેન્દ્રો પર 1,16,000 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે.
આ પણ વાંચો : Nana Patekar : નાનાએ કર્યું પત્રકારનું ‘એન્કાઉન્ટર’! પહેલા રંગમંચ પરથી ધક્કો મારીને મને ઉતાર્યો અને…Video
