રુપિયા 14.50 કરોડનીઠગાઇના સાત જેટલા ગુનાઓમાં છ વર્ષથી વોન્ટેડ નિકોલના રહેવાસી નિલેશ કોઠીયાને વાસણા પોલીસેમધ્યપ્રદેશના બૈતુલથી ઝડપી પાડયો છે. આરોપીએ 20 જેટલી શેલ કંપનીઓ ખોલીને નવા રોકાણકારોને નિશાન બનાવવાની તૈયાર કરી રહ્યો હતો. આટલુ જ નહીં, આરોપી સેમિકન્ડક્ટર પ્લાન્ટના નામે 5 કરોડ રૂપિયાનું લોકો પાસે રોકાણ કરાવવાનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. નવરંગપુરામાં રહેતા અરવિંદભાઈ સોનીની આર્યમાન હોમ્સ ખાતે આવેલી મિલ્કત પર બેંક લોન ચાલુ હોવા છતાં તેમની મિલ્કતનો નિલેશ ધીરૂભાઇ કોઠીયાએ બનાવટી દસ્તાવેજો તૈયાર કરી ગેરંટર તરીકે રજૂ કરીને રૂ.90 લાખની લોન લઇને રૂ.65 લાખ સાઈ એક્ઝિમ નામની કંપનીના બેંક ખાતામાં મેળવ્યા હતા. આ અંગે વર્ષ 2020માં વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. નિલેશ કોઇને પણ મળે ત્યારે લોન એજન્ટ અથવા પ્રોપર્ટી મોર્ગેજર તરીકે ઓળખ આપતો હતો. આ બાદ લોન માટે યોગ્ય મિલકતો શોધી તેના માલિકની જાણ બહાર બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવતો હતો. મિલકતના માલિક તરીકે ડમી વ્યક્તિ અને ગેરંટર ઊભા કરી બેંકમાં મોર્ગેજ લોનની પ્રક્રિયા કરાવીને લોન મંજૂર થયા બાદ મળેલી રકમ અન્ય કંપનીઓના ખાતામાં ટ્રાન્સફરકરાતી હતી. આવી જ રીતે છેતરપિંડીના સાત જેટલા ગુનામાં વોન્ટેડ નિલેશને અમદાવાદ ઉપરાંત મુંબઇ પોલીસ પણ છ વર્ષથી શોધતી હતી પરંતુ તે મધ્યપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ફરતો હતો. ધરપકડ બાદ તપાસનો નવો અને મહત્વનો એંગલ તેની સાથે સંકળાયેલી TAUSCHEN GROUPની આશરે 20 કંપનીઓનો છે. લાઇફ્સ્ટાઇલ, ફાર્મા, ટેક્સટાઇલ, ફ્નિટેક, બાયોટેક, ટેક્નોલોજી, એરોસ્પેસ, ઇ-મોટર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અલગ અલગ ક્ષેત્રોના નામે કંપનીઓ ઊભી કરેલી છે.કંપનીઓના નામે મોટી લોન તથા રોકાણ મેળવવાની તૈયારી ચાલી રહી હતી. નિલેશ તથા તેની સાથે સંકળાયેલા શંકાસ્પદ લોકોના 64 બેંક ખાતાંની વિગતો તપાસતા શંકાસ્પદ વ્યવહારોના આધારે 20 લાખ ફ્રીઝ કરાયા છે. કિયા કેરેન્સ કાર, છ મોબાઇલ ફોન અને એક સેમસંગ લેપટોપ મળી રૂ.14.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આ કેસમાં દિપક ઉર્ફે ટાંકી નાનિકરામ આહુજાનું નામ પણ સહઆરોપી તરીકે બહાર આવ્યું છે. કંપનીઓ, બેંક ખાતાં અને રોકાણકારો સાથેના વ્યવહારો અંગે તપાસ ચાલુ છે.
14.50 કરોડની ઠગાઇના 7 ગુનાઓમાં છ વર્ષથી વોન્ટેડ ઠગ MPથી ઝડપાયો
📅 Published: September 5, 2026 |
📂 Category: Ahmedabad
