18 સપ્ટેમ્બરે દેશભરમાં મોટા કાર્યક્રમો, રક્ષામંત્રીથી ગૃહમંત્રી સુધી મેદાનમાં

📅 Published: September 17, 2026 | 📂 Category: India National

18 સપ્ટેમ્બર, 2026ના રોજ દેશ અને ગુજરાતમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવાના છે. બેંગલુરુમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં નવા વિમાન સોંપાવાથી લઈને નશામુક્ત યુવા સંકલ્પ અભિયાન, દિલ્હી યુનિવર્સિટી ચૂંટણી અને ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સુધીની વિવિધ ઘટનાઓ પર નજર રહેશે.

વાયુસેનાને તેજસ અને HTT-40 વિમાન સોંપાશે

બેંગલુરુમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં HAL દ્વારા ભારતીય વાયુસેનાને તેજસ ટ્વિન-સીટર, HTT-40 ફાઇટર ટ્રેનર અને ધ્રુવ NG હેલિકોપ્ટર સોંપવામાં આવશે. આ કાર્યક્રમને ભારતીય સંરક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનની શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાષ્ટ્રીય સંકલ્પ સમારોહની શરૂઆત થશે. દેશવ્યાપી આ અભિયાન 100 અઠવાડિયા સુધી ચાલશે. 18 સપ્ટેમ્બરે NSS દ્વારા 300 શિક્ષણ સંસ્થાઓમાં કાર્યક્રમો યોજાશે, જ્યારે 20 સપ્ટેમ્બરે 485 MY Bharat એકમોમાં રાષ્ટ્રીય સંકલ્પ સમારોહ યોજાશે.

નિતિન નવીનનો ઉજ્જૈન અને પંજાબ પ્રવાસ

ભાજપ અધ્યક્ષ નિતિન નવીન ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની ભસ્મ આરતીમાં હાજરી આપશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે. ત્યારબાદ તેઓ પંજાબની મુલાકાત લેશે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ ડ્રગ્સથી પ્રભાવિત પરિવારો સાથે મુલાકાત કરશે અને પઠાણકોટમાં નશામુક્ત યાત્રામાં જોડાશે.

20 સાંસદોના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

TMCમાંથી બળવો કરીને NCPIમાં જોડાયેલા 20 સાંસદોના મામલે 18 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ મામલાની આગામી કાનૂની પ્રક્રિયા પર રાજકીય વર્તુળોની નજર રહેશે.

દિલ્હી ખાતે રાજ્યોના નાણામંત્રીઓનું સંમેલન

નાણામંત્રાલય દ્વારા 18 અને 19 સપ્ટેમ્બરે દિલ્હીમાં રાજ્યોના નાણામંત્રીઓ, નાણાસચિવો અને વરિષ્ઠ અધિકારીઓનું સંમેલન યોજાશે. ‘વિકસિત ભારત તરફ ભારતની યાત્રાનું નાણાકીય પોષણ’ વિષય પર યોજાનારી બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાણામંત્રીઓ પણ ભાગ લેશે.

દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી

દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે 18 સપ્ટેમ્બરે મતદાન થશે. ચૂંટણીના પરિણામો 19 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે. યુવા મતદારોના વલણને કારણે આ ચૂંટણી પર ખાસ ધ્યાન રહેશે.

અમિત શાહ કર્ણાટકમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે

ગૃહમંત્રી અમિત શાહ 18 સપ્ટેમ્બરની મોડી રાત્રે કર્ણાટકના હુબ્બલ્લી પહોંચશે. 19 સપ્ટેમ્બરે તેઓ KLE યુનિવર્સિટીની નવી આધુનિક મેડિકલ કોલેજ અને 1,200 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. હોસ્પિટલમાં આધુનિક તબીબી સાધનો ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેક્નોલોજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. તેમાં રક્તદાન શિબિરો સહિતના સામાજિક અને જનસેવાના કાર્યક્રમોનો સમાવેશ થશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનો પ્રારંભ

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીની હાજરીમાં કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન, શિક્ષણ અને સ્પર્ધાત્મક અભ્યાસ પ્રત્યે રસ વધારવાના હેતુથી ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે.

વડનગર-વારાણસી યાત્રાનો રૂટ ગાંધીનગર પહોંચશે

વડનગરથી શરૂ થયેલી વડનગર-વારાણસી સેવા યાત્રાનો એક રૂટ 18 સપ્ટેમ્બરે ગાંધીનગર પહોંચશે. બીજા દિવસની યાત્રાની શરૂઆત ચિલોડાથી કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ યાત્રામાં જોડાશે.  

આ પણ વાંચો  :   Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો…? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *