રાજકોટ મનપા કચેરીએ આગામી 20 નવેમ્બરનાં રોજ જનરલ બોર્ડની બેઠક યોજાનાર છે. આ જનરલ બોર્ડની બેઠક પહેલા જ કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવેલા સવાલો અને પ્રજાને સીધી અસર કરતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. જેમાં ટીપી સ્કીમો, ગેરકાયદે બાંધકામ, સોલાર પેનલ, વ્યાજમાફી અને દિવાળી કાર્નિવલ ખર્ચ સહિતનાં પ્રશ્નો ગુંજશે. અત્યાર સુધીમાં જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કુલ 9 કોર્પોરેટરો દ્વારા જુદા-જુદા મુદ્દે 22 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ફાળે 11-11 પ્રશ્નો આવ્યા છે. જોકે કોંગ્રેસ દ્વારા ટીપી વિભાગની કામગીરીને લઈને વધુમાં વધુ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વીજળી બિલનો આંકડો અને સોલાર પેનલ મુદ્દે હિસાબ મંગાયો
જનરલ બોર્ડમાં પૂછવામાં આવેલા સવાલોની વાત કરીએ તો, મનપાની મુખ્ય કચેરી અને બે ઝોન સહિતની તમામ બિલ્ડિંગોના વીજળીના બિલનો આંકડો કેટલો આવે છે અને તે પૈકી કેટલી બિલ્ડિંગો પર સોલાર પેનલ લગાવાઈ છે, તેની સ્પષ્ટ વિગતો માંગવામાં આવી છે. આ ઉપરાંત મિલકતવેરા અને પાણીવેરામાં વ્યાજ માફીની યોજના શરૂ થઈ ત્યારથી 12 નવેમ્બર સુધી કેટલા અરજદારોએ તેનો લાભ લીધો અને તેનાથી મનપાની આવકમાં કેટલો વધારો થયો તેવા મહત્ત્વના આંકડાઓ રજૂ કરવા પણ જણાવવામાં આવ્યું છે. દિવાળી કાર્નિવલના 5 વર્ષના ખર્ચ, ફાયર NOCનો પણ પ્રશ્ન
બીજી બાજુ, પ્રોજેક્ટ શાખા દ્વારા છેલ્લા 1 વર્ષમાં મહિલાઓને કયા કયા પ્રોજેક્ટ માટે કેટલી રકમની સહાય તેમજ લોન આપવામાં આવી અને તેનો લાભ કેટલી મહિલાઓએ લીધો તેની વિગતો માંગવામાં આવી છે. સાથે જ, ચાલુ નાણાકીય વર્ષ સહિતના છેલ્લા 5 નાણાકીય વર્ષના દિવાળી કાર્નિવલના કરોડો રૂપિયાના કુલ ખર્ચની વર્ષવાઈઝ વિગતો, ટેન્ડર અને રેઈટ કોન્ટ્રાક્ટ વગરની આઈટમોનો હિસાબ પણ માંગવામાં આવ્યો છે. તાજેતરમાં દિવાળીનાં તહેવારો પૂર્ણ થયા હોવાથી આ દરમિયાન ફટાકડાના વેચાણ માટે અપાયેલી મંજૂરીઓ, આગ લાગવાના બનાવો સામે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી અને શાળાઓ, હોસ્પિટલો કે ઊંચી ઇમારતો દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવવામાં આવી છે કે નહીં તેવા પ્રજાની સલામતી સાથે જોડાયેલા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આગામી જનરલ બોર્ડના મુખ્ય એજન્ડામાં 5 દરખાસ્તોનો સમાવેશ
રાજકોટ શહેરમાં દબાણો, ટી.પી. સ્કીમોમાં રિઝર્વેશન, ગેરકાયદે બાંધકામો સામે ટી.પી.આઈ.ની કામગીરી અને શંકાસ્પદ ભૂમિકા અંગે પણ વિપક્ષી સભ્યોએ આક્રમક રૂખ અપનાવ્યો છે. સફાઈ કામગીરી બાદ રસ્તાઓ પર એકઠી થતી ધૂળ અને કચરાના ઢગલા સમયસર નહીં ઉપાડવાને કારણે ફેલાતા પ્રદૂષણ અને કોન્ટ્રાક્ટરો સામે લેવાયેલી દંડકીય કાર્યવાહી અંગે પણ તંત્રને ઘેરવામાં આવશે. આમ આગામી જનરલ બોર્ડમાં શહેરી વિકાસ, વહીવટી બેદરકારી અને ભ્રષ્ટાચારના મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ તથા જબરદસ્ત તડાફડી થવાની પૂરી શકયતા છે. તો બંને પક્ષો અધિકારીઓનો કલાસ લેશે તે નક્કી છે.
20 નવેમ્બરે મનપાનું જનરલ બોર્ડ યોજાશે:ટીપી સ્કીમો, ગેરકાયદે બાંધકામ, દિવાળી કાર્નિવલ ખર્ચ સહિતનાં પ્રશ્નો ગુંજશે, 9 કોર્પોરેટર 22 પ્રશ્ને અધિકારીઓને ઘેરશે
📅 Published: November 13, 2026 |
📂 Category: gujarati-news
