2002 ના ગોધરા કાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 7 દોષિતોની જેલમાંથી વહેલી મુક્તિ માટેની અરજીઓ રાજ્ય સરકાર સમક્ષ વિચારણા હેઠળ પેન્ડિંગ હોવાથી, ગુજરાત હાઈકોર્ટે તેમની પેરોલ રજા 10 ડિસેમ્બર સુધી લંબાવી છે. આરોપીઓએ પેરોલ રજા લંબાવવા હાઈકોર્ટનો સંપર્ક કર્યો
28 ફેબ્રુઆરી, 2002 ના રોજ ગોધરા રેલવે સ્ટેશન નજીક અયોધ્યાથી પરત ફરી રહેલા 59 મુસાફરોના મોત નિપજાવનાર સાબરમતી એક્સપ્રેસના S-6 કોચને સળગાવવાના કેસમાં 31 વ્યક્તિઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. તેમાંથી કુલ 7 નામો મહેબૂબ પોપા, મહેબૂબ લતીફો, જાબીર બિન્યામીન બેહરા, રમજાની બિન્યામીન બેહરા, શોકત બીબીનો, સિરાજ મેડા અને અનવર મેડાએ જૂન અને જુલાઈ મહિનામાં તેમને 4 મહિના માટે મંજૂર કરાયેલી પેરોલ રજા લંબાવવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. સજા માફીની અરજીઓ વિચારણા હેઠળ
હાઇકોર્ટે તેમને પેરોલ રજા પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો કારણ કે બીજી વખત દાખલ કરવામાં આવેલી તેમની સજા માફીની અરજીઓ વિચારણા હેઠળ હતી. હાઈકોર્ટના આદેશોમાં નોંધાયા મુજબ પ્રથમ વખત તેમની સજા માફીની અરજીઓ નકારી કાઢવામાં આવ્યાના એક વર્ષ બાદ તેમણે વહેલી મુક્તિ માટેની વિનંતી રિન્યુ કરી હતી. અરજદારે 22 વર્ષ અને 11 મહિનાનો જેલવાસ ભોગવ્યો
તે સમયે કોર્ટે સંબંધિત રાજ્ય સત્તાધીશોને આ આદેશ મળ્યાની તારીખથી શક્ય તેટલી વહેલી તકે અને પ્રાધાન્યતઃ 4 મહિનાના સમયગાળામાં સજા માફીની અરજીઓ પર પુનર્વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. લાંબા સમયના જેલવાસની નોંધ લેતા, હાઈકોર્ટે પોપા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં નોંધ્યું હતું કે અરજદારે 22 વર્ષ અને 11 મહિનાનો જેલવાસ ભોગવ્યો છે તે હકીકતને ધ્યાનમાં રાખીને, અરજદારને સામાન્ય નિયમો અને શરતોને આધીન 4 મહિનાના સમયગાળા માટે અથવા રાજ્ય સત્તાધીશો દ્વારા નવો નિર્ણય લેવામાં આવે તે તારીખ સુધી જે વહેલું હોય તે મુજબ પેરોલ રજા પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવે છે. હાઈકોર્ટે આ મામલે વધુ સુનાવણી 10 ડિસેમ્બર પર મુલતવી રાખી
ચાર મહિના પછી દોષિતોએ તેમની સજા માફીની અરજીઓ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી પેરોલ રજા લંબાવવાની માંગ કરી છે. સરકારી વકીલે પેરોલ લંબાવવાની વિનંતીનો વિરોધ કર્યો હતો અને રજૂઆત કરી હતી કે સજા માફીની અરજીઓ વિચારણા હેઠળ છે. આ અંગે હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે બે બાબતો એકસાથે નહીં બને. તમે સજા માફી અંગે નિર્ણય ન લો અને તેમને પેરોલ પણ ન મળે. જ્યાં સુધી તમે સજા માફીની અરજીઓ પર નિર્ણય ન લો, ત્યાં સુધી તેમના પેરોલ લંબાવવા જ પડશે. તમે નિર્ણય નથી લઈ રહ્યા તેમાં તેમનો કોઈ વાંક નથી. હાઈકોર્ટે આ મામલે વધુ સુનાવણી 10 ડિસેમ્બર પર મુલતવી રાખી છે અને આદેશ આપ્યો છે કે અગાઉ મંજૂર કરવામાં આવેલી પેરોલ રજા ઉક્ત તારીખ સુધી લંબાવવામાં આવે છે.
2002 ગોધરા કાંડના આરોપીઓના પેરોલ 10 ડિસેમ્બર સુધી લંબાવાયા:આજીવન કારાવાસ ભોગવી રહેલા 7 આરોપીઓની સજા માફીની અરજી સરકાર સમક્ષ પેન્ડિંગ
📅 Published: November 17, 2026 |
📂 Category: gujarati-news
