છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોર અને ખેડા ના કઠલાલમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના વઘઇમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. તો અન્ય 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 494.5 મિમી (19.44 ઈંચ) વરસાદ થવો જોઈએ, જેની સામે 501.6 મિમી (19.72 ઈંચ) વરસાદ નોંધાયો છે, જે 1 ટકા વધુ છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 29 તાલુકામાં 1 મિમીથી લઈને 9 મિમી સુધી વરસાદ નોંધાયો છે. 13 અને 14 ઓગસ્ટે ગુજરાતના મુખ્ય શહેરોના તાપમાનમાં મોટો ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. દમણના તાપમાનમાં એકઝાટકે 4.4°C ગગડ્યું છે તો સુરત સતત બીજા દિવસે સૌથી ઠંડુ રહ્યું. આજે (15 ઓગસ્ટ) દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું છે. દમણના તાપમાનમાં મોટો ઘટાડો, સુરત સૌથી ઠંડુ
13 ઓગસ્ટે 34°C સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહેલા દમણમાં 14 ઓગસ્ટે તાપમાન 4.4°C જેટલું ગગડીને 29.6°C થઈ ગયું હતું. આ ઉપરાંત કંડલામાં 2°C, ડીસામાં 1.5°C અને ભૂજમાં 1.4°Cનો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે આ વિસ્તારોમાં હવામાનમાં ઠંડક વધી હતી. બીજી તરફ, સુરેન્દ્રનગરમાં 1.7°C (29.3°Cથી વધીને 31°C) અને ઓખામાં 1.8°C (29.6°Cથી વધીને 31.4°C)નો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે અમદાવાદ (31.9°C), ભાવનગર (31.8°C), અમરેલી (30.9°C) અને પોરબંદર (32.6°C)માં 0.4°Cથી 0.9°C સુધીનો આંશિક વધારો નોંધાયો હતો. 14 ઓગસ્ટે 32.6°C સાથે પોરબંદર અને 32.5°C સાથે નલિયા રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા. વડોદરા (30.8°C) અને દ્વારકા (30°C)માં તાપમાન સંપૂર્ણપણે સ્થિર રહ્યું હતું, જ્યારે સુરત બંને દિવસે અનુક્રમે 28.5°C અને 28.6°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવતું શહેર બન્યું હતું. ઓવરઓલ રીતે 14 ઓગસ્ટે તમામ શહેરોનું તાપમાન 32.6°Cની નીચે આવી જતાં ગરમીના પારામાં સરેરાશ ઘટાડો જોવા મળ્યો હતો. છ સિસ્ટમ સ્ક્રિય, બે દિવસ માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં 6 હવામાન સિસ્ટમ સક્રિય છે, જેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સુન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ અન્ય એક ટ્રફ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્ટમની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે (15 ઓગસ્ટ) દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા-નગર હવેલી સહિત ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું છે. આ ઉપરાંત 16 અને 17 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
24 કલાકમાં બાલાસિનોર અને કઠલાલમાં 3-3 ઇંચ વરસાદ:આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી; દમણનું તાપમાન એકઝાટકે 4.4°C ગગડ્યું, સુરત સૌથી ઠંડુ
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
