30 લાખની ખંડણી માટે વેપારીના પુત્રનું અપહરણ:CCTVથી આરોપીઓને મહારાષ્ટ્રથી પકડ્યા, શેરબજારમાં 15 લાખના નુકસાનનો બદલો થતા પ્લાન ઘડ્યો

📅 Published: October 8, 2026 | 📂 Category: gujarati-news

સુરતના અડાજણ વિસ્તારમાં શેરબજારના રોકાણમાં થયેલા નુકસાનની વસૂલાત માટે વેપારીના પુત્રના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી રવિરાજ પાંડુરંગ પાટીલ કે જે મહારાષ્ટ્રના પુણેનો રહેવાસી છે, તેણે ભોગ બનનાર યુવકના પિતાને એક વર્ષ પહેલાં શેરબજારમાં રોકાણ કરવા 15 લાખ રૂપિયા આપ્યા હતા. યુવકના પિતા શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ રકમ રોકાણમાં ડૂબી જતાં નુકસાનીનો બદલો લેવા અને પોતાની મૂળ રકમ ઉપરાંત વધારાના 15 લાખ મળી કુલ 30 લાખની ખંડણી વસૂલવા રવિરાજે પોતાના અન્ય બે સાગરીતો સાથે મળીને કાવતરું રચ્યું હતું. તમામ આરોપીઓ પુણેના સામાન્ય વિસ્તારોમાં રહેતા હોવા છતાં પૈસાની લાલચમાં તેઓએ આ ગંભીર ગુનાને અંજામ આપ્યો હતો. અડાજણના મધુવન સર્કલ પાસેથી ફિલ્મ સ્ટાઈલ કિડનેપિંગ
ગત 6 ઓક્ટોબર, 2026ના સાંજના 7 વાગ્યાના અરસામાં અડાજણના મધુવન સર્કલ પાસે આવેલા ટ્રીનીટી બિઝનેસ પાર્ક નજીકથી 27 વર્ષીય આગમ પટવા નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ જાહેર રોડ પરથી યુવકને એક બ્લેક કલરની હુન્ડાઈ વેન્યુ કારમાં (MH-12-ZS-0693) જબરદસ્તીથી બેસાડી દીધો હતો. ત્યારબાદ તેઓએ યુવકને ગેરકાયદેસર અટકાયતમાં રાખી તેના પિતાને ફોન કરી 30 લાખ રૂપિયાની ખંડણીની માગ કરી હતી. ખંડણીની રકમ ન આપવામાં આવે તો યુવક સાથે કોઈપણ પ્રકારના અઘટિત કૃત્ય કરવાની સીધી ધમકી પણ આરોપીઓ દ્વારા આપવામાં આવી હતી. 150થી વધુ CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી મળી ચાવીરૂપ કડી
સાંજના 6:30થી 7ના અરસામાં અપહરણની જાણ થતાં જ ડીસીપી લખધીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસ તરત જ એક્શનમાં આવી હતી. યુવકને સહીસલામત છોડાવવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી કુલ ચાર અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી. પોલીસે સુરતમાં 100થી વધુ અને મહારાષ્ટ્ર તરફ જતા હાઈવેના 50 મળી કુલ 150થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં બ્લેક કલરની વેન્યુ કાર મહારાષ્ટ્રના પુણે-અહલ્યાનગર હાઈવે તરફ જતી હોવાનું ટેકનિકલ સર્વેલન્સમાં સ્પષ્ટ થતાં ડી સ્ટાફ અને પીએસઆઈ સહિતની એક ટીમ તાત્કાલિક મુંબઈ ક્રોસ કરી પુણે જવા રવાના થઈ હતી. માત્ર 15 કલાકમાં મહારાષ્ટ્રના સુપા ગામ પાસેથી આરોપીઓ ઝડપાયા
પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના પરિણામે અપહરણના 15થી 16 કલાકની અંદર જ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. 7 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ અડાજણ પોલીસે મહારાષ્ટ્રના પુણે-અહલ્યાનગર હાઈવે પર આવેલા સુપા ગામ પાસેથી અપહરણકર્તાઓને હાઈવે રોડ પર જ કાર સાથે આંતરી લીધા હતા. પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી લઈને ભોગ બનનાર આગમ પટવાને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો હતો. પોલીસે યુવકને સહી સલામત તેના માતા-પિતાને પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરી હતી. પુણેના ત્રણ આરોપીની ધરપકડ અને મુદ્દામાલ જપ્ત
આ ગુનામાં અડાજણ પોલીસે મહારાષ્ટ્રના પુણેના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી રવિરાજ પાંડુરંગ પાટીલ (ઉં.વ. 38, રહે. આનંદ ટેરેસેસ, પી.કે. બિરયાની પાસે, વડગાંવ બુદ્રક, પુણે), અમોલ અવિનાશ ખરમાળે (ઉં.વ. 32, રહે. શંકુતલા પાર્ક, શનિ મંદિર પાસે, ઉંડરી, પુણે) અને મયુર રાજેન્દ્ર શિંદે (ઉં.વ. 35, રહે. ચૈતન્ય કોલોની, ગણેશ મંદિર પાસે, ફુરસિંગી, પુણે)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી બ્લેક કલરની હુન્ડાઈ વેન્યુ ફોર વ્હીલ કાર તેમજ ચાર મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પોલીસ તપાસ ચાલુ
પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓનો અત્યાર સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી. આરોપી રવિરાજ પુણેનો જ રહેવાસી હોવાથી તેણે ગુનાને અંજામ આપ્યા બાદ યુવકનું અપહરણ કરી તેને પોતાના વિસ્તારમાં જ લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, સુરત પોલીસની સમયસૂચકતાએ તેમના પ્લાન પર પાણી ફેરવી દીધું હતું. હાલમાં અડાજણ પોલીસ દ્વારા આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેથી આ ગુનાની વધુ વિગતો બહાર આવી શકે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *