457 વર્ષે દુનિયાનો નકશો બદલાયો:હવે ભારત મોટું દેખાશે, મહાસત્તા અમેરિકા UNમાં એકલું પડી ગયું, ગૂગલ મેપનું શું થશે? જાણો પાંચ ઇન્ટરેસ્ટિંગ વાત

📅 Published: September 7, 2026 | 📂 Category: International

દુનિયામાં લગભગ પહેલીવાર કંઈક એવું થઈ રહ્યું છે જેના સપોર્ટમાં અમેરિકા નથી છતાં પણ યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર કરી રહ્યું છે. સવાલ થાય કે શું? તો જવાબ છે દુનિયાનો નકશો બદલાવા જઈ રહ્યો છે. આપણને આનાથી સીધી રીતે કોઈ લેવા દેવા નથી પણ વાત દેશની થઈ રહી છે તો વચ્ચે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો મુદ્દો આવી રહ્યો છે. ભારતે નકશો બદલાવવાની હા પાડી હતી છતાં પણ હવે વાંધો ઉઠાવ્યો છે. કેમ આવું થયું? કોણ નકશો બદલાવવા માટે મોઢું ચઢાવેલા ફૂવા બન્યા હતા અને પાકિસ્તાને ફરી ભારત સામે શું ઝેર ઓક્યું છે? ચાલો આજે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર… વાત કંઈક એવી છે કે યુએનએ સદીઓ જૂના નકશાને ભૂલ ભરેલો ગણાવીને નવેસરથી નકશો લાવવાનો ઠરાવ પાસ કર્યો છે. 4 સપ્ટેમ્બરે UN મહાસભામાં આ ઠરાવ પસાર થયો જેનું નામ હતું કરેક્ટ ધ મેપ એટલે કે નકશો સુધારો. આપણે ફોટોમાં કે સ્કૂલની દીવાલોમાં અત્યાર સુધી જે નકશો જોયો છે તે 457 વર્ષ પહેલા 16મી સદીમાં ગેરાર્ડસ મર્કેટર નામના માણસે પહાર પાડ્યો હતો. ત્યારે નકશો એટલા માટે બનાવાયો હતો કારણ કે અત્યારની જેમ ગુગલ મેપ કરીને ગમે ત્યારે પહોંચી શકાતું ન હતું, વેપાર માટે દરિયાઈ મુસાફરી કરવા નકશાની બહુ જરૂર હતી. પણ જ્યારે આ નકશો બન્યો ત્યારે ઉત્તરના ધ્રુવ બાજુના વિસ્તારોને પોતાના કદ કરતા ઘણા મોટા દેખાડવામાં આવ્યા હતા. સામેની બાજુ જ્યાં સૂર્યનો સીધો પ્રકાશ પડે છે તે વિષુવવૃત પરની જમીનના દેશોને નાના દેખાડવામાં આવ્યા હતા. જો કે આજે સાડા ચારસો વર્ષ પછી નકશાની ખામીઓ ગણવામાં આવી રહી છે કે આ તો બરોબર ન કહેવાય. જૂનો નકશો ભૂલભરેલો અને પક્ષપાતી? એટલા માટે જ UNમાં 164 દેશોએ એકસાથે અવાજ ઉઠાવ્યો કે જૂનો નકશો ભૂલભરેલો અને પક્ષપાતી છે. તે યુરોપ અને ઉત્તર અમેરિકાને મોટા અને તાકાતવર દેખાડે છે પણ ભારત અને આફ્રિકા જેવા વિષુવવૃત પાસેના દેશોને જાણીજોઈને નાના દેખાડે છે. એટલે હવે ઈક્વલ અર્થ નામના નકશાને ફાઈનલ ગણો જે બધા દેશોની જમીનનું સાચુ માપ આપે છે. લો આ નકશો જુઓ એટલે તમે આખી વાત સમજી જશો. જ્યારે આ વાત આવી હતી ત્યારે ભારતે તરત પોતાનો મત આપ્યો હતો કે બદલો તમતમારે. આવું એટલા માટે કર્યું કારણ કે તેનાથી દુનિયાના નકશામાં ભારતનું કદ વધવાનું હતું. પણ 4 સપ્ટેમ્બરે જેવો નકશો બહાર પડવાની વાત આવી તો ઠીક બે દિવસ પછી એટલે કે ગઈકાલે ભારતના વિદેશ મંત્રાલયે એક કડક નિવેદન બહાર પાડીને દુનિયાને ચોંકાવી દીધી. ભારતે કહ્યું કે, ભારતને સરહદ સાથે છેડછાડ થવાનો ડર ભારતે નકશો બદલવાની હા પાડીને પછી આવું એટલા માટે કર્યું કારણ કે બની શકે છે કે ભારતની ઉત્તર બાજુના વિસ્તારો સાથે છેડછાડ થઈ શકે છે. એટલે કે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર વગેરે જેવા વિસ્તારો. પણ ભારતે જેવી પોતાની વાત મુકી પાકિસ્તાન ઠેકડો મારીને વિરોધ કરવા મેદાને આવી ગયું. આજે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે કે, નકશા બદલાય તો આપણે શું લેવાદેવા? શરૂઆતમાં વાત કરી હતી ને કે નકશાને અને આપણે શું લેવાદેવા? તો આ એ લેવાદેવાનો જવાબ છે. આખો મામલો ભૂગોળથી મટને જીઓપોલિટિક્સનો બની ગયો છે. એકબાજુ આફ્રિકા જેવા દેશો કહે છે કે જૂના નકશાને દુનિયાના મગજમાં અમારી છબી નાની કરી નાખી છે. અમારે નકશામાં હકિકતમાં જેવા છીએ એવા મોટા બનીને માનસિક ન્યાય જોઈએ છે. સામેની બાજુ અમેરિકા એકમાત્ર દેશ બની ગયો છે જેણે વિરોધમાં છડેચોક કહ્યું કે, “દુનિયામાં બીજું ઘણું કરવા જેવું છે, નકશા પાછળ સમય કેમ બગાડો છો?” પણ આપણી વાત કરીએ તો આપણા માટે આ વાત ખાલી ડિઝાઈન પૂરતી સિમિત નથી, લાગણીઓની અને સાર્વભૌમત્વની પણ છે. ભારતનો મેસેજ ક્લિયર છે કે જો તમારે દેશોનું ક્ષેત્રફળ સુધારવું હોય તો અમે તમારી જોડે છીએ પણ જો સરહદોની લાઈનો બદલવાનો પ્રયાસ કર્યો તો મજા નહીં આવે. આખી વાત જાણ્યા પછી હવે થોડી નોલેજની પણ વાત કરી લઈએ. આપણને અત્યાર સુધી જે નકશાઓ જોયા છે એમાં યુરોપ, રશિયા અને ઉત્તર અમેરિકા બહુ મોટા દેખાયા છે. પણ શું તમને ખબર છે કે હકિકતમાં તો આવું કંઈ છે જ નહીં? કોણે બનાવ્યો હતો દુનિયાનો નકશો? વાતને સમજવા માટે ઈતિહાસમાં ડોકિયું કરીએ. વાત છે 1569ની. મેથેમેટિશિયન અને ભૂગોળશાસ્ત્રી ગેરાર્ડસ મર્કેટરે જ્યારે નકશો બનાવ્યો હતો ત્યારે તેનો ઈરાદો એવો નહોતો કે કોઈ દેશોને જાણી જોઈને મોટા દેખાડવા જેથી તે મહાન લાગે. તેમને તો ગોળ નકશાને સીધા અને સપાટ પેપર પર એવી રીતે ફિટ બેસાડવો હતો કે જેથી એ સમયે દરિયામાં મુસાફરી કરતા જહાજોને એંગલ અને દિશા એકદમ પર્ફેક્ટ મળે. મેર્કેટરે દિશા તો સાચી પકડી લીધી પણ ગોળ પૃથ્વીને સપાટ કાગળ પર છાપવામાં દેશોના કદ બગડી ગયા. સ્વાભાવિક છે આવું કર્યા વગર નકશો સપાટ કાગળ પર છાપી પણ ન શકાય, થોડીઘણી ખેંચતાણ તો કરવી જ પડે. એટલા માટે જ તેમને વિષુવવૃતના દેશો નાના કરવા પડ્યા અને જેમ જેમ ઉપર અને નીચેના ધૃવો તરફ આવીએ એમ એમ દેશોને રબ્બરની જેમ ખેંચવા પડ્યા. વિવાદને આફ્રિકા-ગ્રીનલેન્ડના ઉદાહરણથી સમજો આ ભૂલને આફ્રિકા અને ગ્રીનલેન્ડના ઉદાહરણથી વધુ સાદી અને સારી રીતે સમજીએ. તમે આફ્રિકાનો અને ગ્રીનલેન્ડનો નકશો જોશો તો તમને એકસરખો જ લાગશે. પણ હકિકતમાં આવું જરા પણ નથી. ગ્રીનલેન્ડનું કૂલ ક્ષેત્રફળ 21.6 લાખ ચોરસ કિલોમીટર છે. સામેની બાજુ આફ્રિકા ખંડનું ક્ષેત્રફળ 3 કરોડ ચોરસ કિલોમીટર. ટૂંકમાં આફ્રિકા ગ્રીનલેન્ડ કરતાં 14 ગણું મોટું છે છતાં નકશામાં તો સદીઓથી બંને એક સરખા જ લાગે છે. જો આખું અમેરિકા, ચીન અને ભારતને મળીને ભેગું કરવામાં આવે તો પણ જગ્યા વધે એટલું મોટું આફ્રિકા છે. તો પણ નકશામાં તો યુરોપ ટચૂંકડું જ લાગે છે. શું ભારત યુરોપ કરતાં પણ મોટું છે? હવે તમે જે જાણશો તે જાણીને તમને એવું થશે કે આ તો મને ખબર જ નહોતી! ભારતનું કૂલ ક્ષેત્રફળ અંદાજે 32.87 લાખ ચોરસ કિલોમીટર છે. નકશા પર ભારત ભલે નાનું લાગે પણ હકિકતમાં યુરોપના 13 દેશો ભેગા કરીએ ત્યારે એક ભારત બને છે. આ દેશો છે યુકે, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન, પોલેન્ડ, સ્વીડન, ફિનલેન્ડ, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ્સ, પોર્ટુગલ, સ્લોવેનિયા વગેરે… છતાં નકશામાં યુરોપ ભારત કરતાં મોટું લાગે છે. 2018માં બહાર પડેલો નકશો હજુ કેમ માર્કેટમાં ન પહોંચ્યો? આવું ન થાય એટલા માટે જ હવે નવો ઈક્વલ અર્થ નામનો નકશો માર્કેટમાં બહાર આવવાનો છે. આમ તો 2018માં આ નકશો તૈયાર થયો છે પણ દેશોની સરહદોના કારણે બહાર નથી આવ્યો. આ નકશાની ખાસિયત એ છે કે એ જે તે દેશોની જમીનનો રિલેટિવ એરિયા જાળવી રાખે છે. છતાં પણ દેશોના આકારમાં બાંધછોડ થાય છે પણ હકિકતમાં જે કદ દેખાડે છે એ સાચું જ હોય છે. એટલા માટે જ આફ્રિકા આ નવો નકશો જાહેર કરાવવા માટે યુએનમાં ધમપછાડા કરી રહ્યું છે. જો કે આ એક જ કારણ નથી, નકશો રાજકારણ, લાગણીઓ અને મનોવિજ્ઞાનનું પણ મોટું હથિયાર હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે કોઈ નાની વસ્તુ જુઓ તો આપમેળે તમારા મનમાં એ વસ્તુનું માન ઘટી જાય છે, પણ જેવી વસ્તુ મોટી જુઓ તો આપોઆપ માન વધી જાય છે. આફ્રિકાની નવી કાર્ટોગ્રાફિક વોર આ સાયકોલોજીના કારણે જ છે. નીચે ફોટોથી આફ્રિકા કેટલું મોટું છે તે સમજી શકાશે, ખાસ નોંધ લેવી કે ભારત સહિત તમામ દેશોનો નકશો પ્રતિકાત્મક છે, માત્ર સમજણ માટે જ ફોટો દેખાડવામાં આવ્યો છે. બીજા દેશોને નાના દેખાડવા અંગ્રેજોની માનસિકતા? સદીઓથી પશ્ચિમી દેશોએ દુનિયા પર રાજ કર્યું છે. મર્કેટરના નકશામાં યુરોપ અને ઉત્તર અમેરિકા સેન્ટરમાં અને વિશાળ દેખાતા હતા, ગ્લોબલ સાઉથ દેશો સાવ નાના લાગતા હતા. નાના બાળકો જ્યારે સ્કૂલમાં આ મોટા દેશો જોતા એટલે આપમેળે તેમના મનમાં પશ્ચિમી દેશોની વિશાળ, તાકતવર અને બોસી ઈમેજ બની જતી. ટોગો અને આફ્રિકાના બીજા 54 દેશોએ આ દુખતી નસ પર હાથ મૂક્યો છે. તેમણે નવા નકશાને કોગ્નિટિવ જસ્ટિસ એટલે કે માનસિક ન્યાય નામ આપ્યું છે. તેમનું કહેવું છે કે જૂનો નકશો ભૂરિયાઓની કોલોનિયલ માનસિકતાનું પ્રતિક છે માટે હવે આફ્રિકાને નાનું દેખાડવાનો ખેલ બંધ થવો જોઈએ. અમેરિકાનો વિરોધ છતાં UN ન માન્યું! હવે એનાથી પણ જબરી વાત. અમેરિકાના વિરોધ છતાં યુએનએ નકશો બહાર પાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો અમેરિકાએ કેમ વિરોધ કર્યો? તો અમેરિકાને વાંધો આફ્રિકાના માપ સાથે જરા પણ નથી. અમેરિકાનું એવું કહેવું છે કે, અત્યારે દુનિયામાં યુદ્ધો ચાલી રહ્યા છે, ઈકોનોમીની વાટ લાગેલી છે અને ક્લાઈમેટ ચેન્જ મોં ફાડીને સામે ઉભું છે. તો આ સમય યોગ્ય નથી નકશાની કામગીરી માટેનો. રશિયાએ કબજે કરેલા ભાગોને યુક્રેનમાં દેખાડાશે કે નહીં? અને આ નકશાની ગેમમાં સૌથી મોટો બોધબાઠ આપણે યુક્રેન પાસેથી લેવો પડશે. યુક્રેન સહિત 6 દેશોએ આ બિલનો ન તો સાથ આપ્યો ન તો વિરોધ કર્યો. તેમના સહિત એસ્ટોનિયા, જ્યોર્જિયા, લિથુઆનિયા, મોલ્ડોવા, સર્બિયાએ બિલમાં વોટિંગ જ ન કર્યું. યુક્રેનની વાત કરીએ તો તેમને એ વાતનો ડર હતો કે નવા ઈક્વલ અર્થ નકશામાં રશિયાએ પચાવી પાડેલી તેમની જમીનને કેવી રીતે દેખાડવામાં આવશે? આ સાબિત કરે છે કે નકશામાં બનાવેલી નાની એવી પણ લાઈન ભૂગોળ નથી, ઈમોશન અને ફુલ ટાઈમ ડિપ્લોમસી પણ છે. ગૂગલ મેપ અને બૂક્સમાં નકશા બદલાઈ જશે? તો સવાલ થાય નવો નકશો આવી પણ જાય તો આપણી લાઈફમાં શું ફેર પડશે? ગૂગલ મેપનો કે પુસ્તકોમાં દુનિયાનો નકશો બદલાઈ જવાનો છે. જવાબ છે ના… યુએનનો આ ઠરાવ કોઈ કાયદો નથી, એ ખાલી ભલામણ માત્ર છે. દરિયામાં જહાજ કે હવામાં વિમાન ઉડાવવા માટે તો મર્કેટરનો જ નકશો વાપરવામાં આવશે કારણ કે એમાં દિશા અને એંગલ વધુ સારી રીતે બતાવાયેલા છે. પણ બની શકે કે એજ્યુકેશન સિસ્ટમ, ઈન્ટરનેશનલ સંસ્થાઓ, મીડિયા વગેરે આ નવો નકશો વાપરવા લાગે. સામેની બાજુ ફ્રાન્સે તો જૂનો નકશો છોડવાની સત્તાવાર ઘોષણા પણ કરી દીધી છે. ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બારોએ ફ્રાન્સ 24 ન્યૂઝમાં કહ્યું છે કે, ટૂંકમાં આખી નકશાની રામાયણનો સાર ખાલી એટલો છે કે દુનિયા હવે સદીઓ જૂના ભ્રમમાંથી બહાર આવીને હકિકત અપનાવવા માગે છે. બીજી વાત એવી પણ છે કે અમેરિકા ચાહે તો જ પાંદડું હલે એવું પણ નથી, દુનિયા અમેરિકાની ઈચ્છા વિરુદ્ધ પણ જઈ શકે છે, અને આ તેનું બેસ્ટ ઉદાહરણ છે. પણ શું માત્ર નકશો બદલવાથી વર્લ્ડ વાઈડ પશ્ચિમી દેશોનો દબદબો અને તેમની વસાહતી માનસિકતા ઓછી થશે ખરાં? અને છેલ્લે… ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક વીડિયો મૂક્યો છે. જેમાં ઇરાનનો બીફોર-આફ્ટરનો કાલ્પનિક નકશો મૂક્યો છે. આફ્ટર વર્ઝનમાં ઈરાનનો નકશો ટ્રમ્પના મોઢા જેવો બની જાય છે. જો કે આવા AI વીડિયો મૂકીને પછી બાય બાય ખાર્ગના વીડિયો મૂકે તો અમેરિકાની દુનિયા સામે શું વેલ્યૂ રહેશે એ કહેવું અઘરું બની જશે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *