7 લોકો પાસેથી 47.31 લાખની ઠગાઈ:NRIને ફાર્મહાઉસના બનાવી આપવાનું કહીને કોન્ટ્રાક્ટર ભાવિન શાહે 16.80 લાખ લઈને રૂ.2.95 લાખનું જ કામ કરી આપ્યું, અધૂરું બાંધકામ છોડી હાથ ઊંચા કર્યા

📅 Published: October 1, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરના કોન્ટ્રાકટર ભાવિન શાહે 16.80 લાખ રૂપિયા લીધા બાદ ફાર્મ હાઉસના બનાવી આપવાનું કહીને 2.95 લાખ રૂપિયાનું જ નબળી ગુણવત્તાનું કામ કરી બાંધકામ અધૂરું છોડી ઇરાકમાં નોકરી કરતા પરાગ ભગત સાથે છેતરપિંડી કરી હતી. કોન્ટ્રાકટર ભાવિન શાહે 7 લોકો પાસેથી 47.31 લાખની ઠગાઈ આચરી હતી અને આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા પરાગકુમાર કીરીટકુમાર ભગત ઈરાક ખાતે પેટ્રોચાઇના કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેમની ફરિયાદ મુજબ આશરે એક વર્ષ પહેલાં ન્યૂઝ પેપરમાં જાહેરાત પરથી તેમણે એવન કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ટિરિયરના સંચાલક ભાવિન ચંદુલાલ શાહનો સંપર્ક કર્યો હતો. પંચમહાલના નાના ચાડવા ગામે ફાર્મ હાઉસ બનાવવાનું નક્કી થતાં રૂ.29 લાખમાં મટિરિયલ સહિત બાંધકામનો કરાર કરવામાં આવ્યો હતો. ભાવિન શાહને અલગ-અલગ સમયે બેંક મારફતે રૂ.16.80 લાખ ચૂકવવામાં આવ્યા હતા. બાંધકામની સ્થિતિ અંગે શંકા જતા ખાનગી એન્જિનિયરિંગ કંપની પાસે કામની ચકાસણી કરાવી હતી. જેમાં ફાર્મ હાઉસમાં માત્ર રૂ.2.95 લાખ જેટલું જ કામ થયું હોવાનું અને તે પણ નબળી ગુણવત્તાનું કામ કર્યું હતું. આમ, 16.80 લાખ રૂપિયામાંથી 2.95 લાખ રૂપિયાનું જ કામ કરી બાકીના 13.84 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. બાંધકામ પૂર્ણ કરવા અથવા વધારાની રકમ પરત આપવા માંગ કરી હતી. જોકે આરોપીએ ધમકી આપી હતી. કારેલીબાગ પોલીસે કોન્ટ્રાક્ટર ભાવિન શાહ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. અરજીની તપાસ દરમિયાન ભાવીન ચંદુલાલ શાહ સામે અગાઉ કપુરાઈ, પાણીગેટ અને ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. અન્ય સાહેદોમાં નૌકાબેન રૂચીરભાઈ પટેલ પાસેથી 8.01 લાખ રૂપિયા, જગજીતસિંગ સલવીંદરસિંગ સંધુ પાસેથી 4.50 લાખ રૂપિયા, ભાઈલાલભાઈ નારણભાઈ વણકર પાસેથી 3.39 લાખ રૂપિયા, ચંદ્રકાંત નારણભાઈ પટેલ પાસેથી 3 લાખ રૂપિયા, જીજ્ઞેશ ચંદ્રકાંત શાહ પાસેથી 4.40 લાખ રૂપિયા અને હસમુખભાઈ વાડીલાલ ડબગર પાસેથી 7.21 લાખ રૂપિયા લીધા હતા, ત્યારે તેની સામે અગાઉ પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *