આ જન્માષ્ટમીએ ‘નંદલાલા’ માટે ચાંદીના પારણા ખરીદવાનો વિશેષ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતના બજારમાં 11 ગ્રામથી લઈને 2 કિલો સુધીના વજન ધરાવતા અવનવા અને આકર્ષક ચાંદીના પારણાનો ક્રેઝ છે, જેમાં રૂ. 5 હજારથી 8 લાખ સુધીની કિંમતના ભવ્ય પારણાંમાં ભગવાન શ્રીકૃષ્ણ ઝૂલશે. ભક્તો બજેટ મુજબ અલગ-અલગ ડિઝાઈન અને વજનના પારણાંની હોંશે-હોંશે ખરીદી કરીને કાનુડાના ઉત્સવની ભક્તિભાવપૂર્વક તૈયારીઓ કરી રહ્યા છે. ભાવ સ્થિર થતાં ‘ભક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ’ કરતા ભક્તો
આ વખતે ચાંદીના પારણાંની ખરીદી માત્ર ભક્તિભાવ પૂરતી મર્યાદિત ન રહેતાં રોકાણકારો માટે પણ એક ઉત્તમ તક બની ગઈ છે. થોડા સમય અગાઉ ચાંદીના ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયા હતા, પરંતુ હાલમાં બજારમાં ચાંદીના ભાવ સ્ટેબલ થયા છે. આગામી દિવસોમાં ચાંદીના ભાવમાં ફરી તેજી આવવાની સંભાવના હોવાથી સુરતના લોકો આ ખરીદીને ‘ભક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ’ તરીકે જોઈ રહ્યા છે. ભક્તોનું માનવું છે કે ઘરમાં ઠાકોરજીની સેવા-પૂજા પણ થશે અને ભવિષ્ય માટે ચાંદીના રૂપમાં મૂલ્યવાન મૂડીનું સુરક્ષિત રોકાણ પણ થઈ જશે. સુરતના ડી. ખુશાલદાસ જ્વેલર્સના માલિક દીપક ચોકસીએ કહ્યું હતું કે, બજારમાં ગ્રાહકોની પસંદગી અને બજેટને ધ્યાનમાં રાખીને નાના-મોટા તમામ સ્વરૂપના પારણાં ઉપલબ્ધ કરાવાયા છે. શોરૂમ્સમાં નાનામાં નાના 11 ગ્રામથી લઈને વિશાળ 1.50થી 2 કિલો વજન સુધીના કલાત્મક ચાંદીના પારણાં તૈયાર કરવામાં આવ્યા છે. તેની કિંમત ₹5,000 થી શરૂ થઈને અંદાજિત 7થી 8 લાખ સુધી પહોંચે છે. આ ઉપરાંત લાલાની મૂર્તિઓમાં પણ 20 ગ્રામથી લઈને 1 કિલો સુધીની વિવિધ સાઇઝ અને મનમોહક સ્વરૂપો ઉપલબ્ધ છે. ભક્તો પોતાની ક્ષમતા અને ઘરના બાળગોપાલની સાઇઝ મુજબ મનપસંદ પારણું હોંશે હોંશે ઘરે પધરાવી રહ્યા છે. વુડન બેઝ પર ચાંદીનું નકશીકામ બજેટ ફ્રેન્ડલી બન્યું
ગત વર્ષની સરખામણીએ ચાંદીના ભાવમાં ઉછાળો રહ્યો હોવાથી મધ્યમ વર્ગના ભક્તોના બજેટને અનુરૂપ એક ખાસ અને આકર્ષક કોન્સેપ્ટ પણ બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ઝવેરીઓએ વુડ (લાકડા) ઉપર ઉત્કૃષ્ટ કોતરણી અને નકશીકામ કરીને તેની ઉપર ચાંદીનું લેયરિંગ ચડાવ્યું છે. આ વુડન-સિલ્વર ફ્યુઝન પારણાને કારણે ગ્રાહકોને શુકનિયાળ ચાંદીની ધાતુનો સ્પર્શ પણ મળી રહે છે, પારણાંનો દેખાવ ભવ્ય અને મોટો લાગે છે તથા ખિસ્સા પર પણ બહુ ભાર પડતો નથી. આ આધુનિક અને ટ્રેડિશનલ ડિઝાઇનની માગ યુવા વર્ગમાં પણ ખૂબ વધી રહી છે. જ્વેલર્સ બજારમાં તેજીનો માહોલ
જન્માષ્ટમી પૂર્વે જ્વેલર્સ શોરૂમ્સમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે અને ખરીદીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ભાવ સ્થિર રહેવાથી લોકો કોઈ પણ ખચકાટ વિના એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. લોકો પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવા માટે તેમજ સ્નેહીજનોને ભેટ આપવા માટે પણ નાના-મોટા ચાંદીના પારણાં લઈ રહ્યા છે.
8 લાખના પારણામાં ઝૂલશે 'નંદલાલા':આ જન્માષ્ટમીએ ચાંદીના પારણાની ખરીદીનો ક્રેઝ, 11 ગ્રામથી લઈ 2 કિલો સુધીના અવનવા પારણા
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
