80 ફૂટ લાંબી હોરર ગુફામાંથી નીકળતા છૂટશે પરસેવો, VIDEO:વડોદરાના ગણેશ પંડાલમાં ડગલે ને પગલે ભૂત, પેટમાંથી આંતરડા કાઢતા ડરામણાં દૃશ્યો 'ને બચાવો-બચાવોની ચિચિયારી

📅 Published: September 19, 2026 | 📂 Category: gujarati-news

દેશભરમાં હાલ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે અને ભક્તો દ્વારા અલગ-અલગ થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે, ત્યારે અહીં તમે જોઈ રહ્યા છો તે કોઈ હોરર શો નથી પરંતુ વડોદરામાં તૈયાર કરાયેલી 80 ફૂટ લાંબી હોરર ગુફા છે. આજવા રોડ પર આવેલા ગણેશ પંડાલમાં બાપ્પાના દર્શન કરવા લોકોને પહેલાં આ ગુફામાંથી પસાર થવું પડે છે, જ્યાં ડગલેને પગલે ભૂતો અને ડરામણાં દૃશ્યો જોવા મળે છે. એટલું જ નહીં મુલાકાતીઓને 5 મિનિટનો હોરર શો પણ બતાવવામાં આવે છે. અહીં 10થી 15 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે. ટેકનોલોજી, મોટર્સ અને વિવિધ વોઈસ ઈફેક્ટ્સના ઉપયોગથી આ હોરર ગુફા તૈયાર કરાઈ છે. મુલાકાતીઓને આ ડરામણી ગુફા પાર કર્યા બાદ બાપ્પાના દર્શન થાય છે. હોરર ગુફાની ત્રણ તસવીરો 80 ફૂટ લાંબી ગુફામાં AI જનરેટેડ સ્ટેચ્યુ મૂક્યા: દીપ પુરાણી
શ્રીજી યુવક મંડળના સભ્ય દીપ પુરાણીએ જણાવ્યું હતું કે, અમારા મંડળની સ્થાપના વર્ષ 2009માં કરાઈ છે. અમે છેલ્લા કેટલાક વર્ષોથી અલગ-અલગ થીમ પર કામ કરીએ છીએ અને આ વખતે અમે હોરર થીમ પર કામ કર્યું છે. અમે ગુજરાતની એક વિશિષ્ટ અને વિશાળ ગુફા આજવા રોડ પર બનાવી છે. આ ગુફા 80 ફૂટ લાંબી છે અને તેની અંદર અમે 10થી 15 AI જનરેટેડ સ્ટેચ્યુ મૂક્યા છે. હોરર શોના બહાને લોકો બાપ્પાના દર્શને આવે
ગુફામાંથી પસાર થયા પછી બહાર 5 મિનિટનો હોરર શો બતાવવામાં આવે છે. નાના બાળકો સમજે કે આ બધી ભૂત-પ્રેતની વાતો અંધશ્રદ્ધા છે અને માત્ર આપણા બાપ્પા જ સાચા છે. હોરર શો હોવાથી લોકો અને બાળકો થોડા ડરે તે સ્વાભાવિક છે. 5 મહિનાથી કાર્યકર્તાઓ અહીં કામ કરતા હતાં
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વર્ષે ટેકનોલોજીના ઉપયોગથી ભૂત અને અન્ય મોડેલ્સ બનાવ્યા છે. અંદર મોટર્સ ગોઠવી છે અને એવા વોઈસ ઈફેક્ટ્સ આપ્યા છે, જેથી ભૂત ઊભું થતું હોય, આંતરડા બહાર દેખાતા હોય કે બોડી સળગતી હોય તેવો અનુભવ થાય. છેલ્લા 5 મહિનાથી મંડળના કાર્યકર્તાઓ આના પર કામ કરી રહ્યાં હતાં. છેલ્લા 2 મહિનાથી તો કાર્યકર્તાઓ ઘરે માત્ર 2થી 3 કલાક આરામ કરવા જતા હતા અને બાકીનો આખો સમય અહીં જ આપતા હતા. ‘લોકોના ખૂબ જ સુંદર રિવ્યૂ મળી રહ્યાં છે’
અહીં દરરોજ 5થી 7 હજાર ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને લોકોના ખૂબ જ સુંદર રિવ્યૂ મળી રહ્યાં છે. સુરક્ષા માટે અમે ફાયર સેફ્ટી, CCTV કેમેરા અને કોઈને અડચણ કે તકલીફ ન પડે તે માટે ડોક્ટરની પણ સુવિધા રાખી છે. આ કામમાં અમારા મંડળના કાર્યકર્તા, માર્કેટિંગ એજન્સી અને ડીઆર ક્રિએશનના લાલાભાઈનું ખૂબ મોટું યોગદાન છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *