રાષ્ટ્રીય પોષણ માહ–૨૦૨૬ અને ‘આંગણોત્સવ–૨૦૨૬’ અંતર્ગત કચ્છ જિલ્લામાં બાળકો અને કિશોરીઓમાં પોષણ, આરોગ્ય અને સર્જનાત્મકતાની સમજ વિકસાવવાના હેતુથી વિશાળ ચિત્રકામ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસ્તરે હાથ ધરાયેલા આ વિશેષ અભિયાનમાં કચ્છની વિવિધ આંગણવાડીઓના હજારો બાળકો અને કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોષણ જાગૃતિનો અનોખો સંદેશ આપ્યો હતો. સાથે જ વિશાળ સ્તરે ભાગીદારી દ્વારા વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આંગણવાડી કેન્દ્રોમાં ૩થી ૬ વર્ષના ભૂલકાંઓ માટે ‘બાળપણનો વિકાસ, પોષણ અને પ્રારંભિક ઉત્તેજના’ આધારિત ‘આનંદ અને ઉમંગના રંગો’ થીમ પર ચિત્રકામ કરાવવામાં આવ્યું હતું. નાના ભૂલકાંઓએ રંગો અને ચિત્રપોથીના માધ્યમથી પોતાની કલ્પનાશક્તિને કાગળ પર ઉતારી હતી. આ પ્રવૃત્તિ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહેતાં બાળકોના સૂક્ષ્મ સ્નાયુ વિકાસ, સ્વ-અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ વધારવામાં પણ ઉપયોગી બની હતી. આંગણવાડીમાં ઉપલબ્ધ પ્રી-સ્કૂલ કિટના રંગોનો ઉપયોગ કરીને બાળકોએ રંગબેરંગી ચિત્રો તૈયાર કર્યા હતા. ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. બીજી તરફ, કિશોરીઓ માટે અમલમાં રહેલી ‘પૂર્ણા યોજના’ અંતર્ગત આરોગ્ય અને પોષણ અંગે સમજ વધારવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કિશોરીઓએ ખાસ કરીને ‘પોષણ થાળી’ની કલ્પનાને ચિત્રોના માધ્યમથી રજૂ કરી હતી. સંતુલિત આહાર, પોષક તત્ત્વો, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી જેવા વિષયો અંગે સર્જનાત્મક અભિવ્યક્તિ સાથે કિશોરીઓએ પોતાની સમજ રજૂ કરી હતી. આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને કિશોરીઓને પોષણનું મહત્વ સમજાવવાની સાથે તેમની કલાત્મક પ્રતિભા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કચ્છ જિલ્લામાં અંદાજે ૪૫ હજાર બાળકો અને ૪૮ હજાર કિશોરીઓ, એટલે કે કુલ આશરે ૯૩ હજારથી વધુ સહભાગીઓએ આ વિશાળ ચિત્ર પ્રવૃત્તિમાં જોડાઈને અભિયાનને વ્યાપક બનાવ્યું હતું. આંગણવાડીઓમાં રંગો દ્વારા પોષણનો સંદેશ પહોંચાડતી આ સામૂહિક પહેલ કચ્છમાં જનજાગૃતિનું અનોખું ઉદાહરણ બની રહી હતી.
93 હજાર બાળકો-કિશોરીઓએ ચિત્રો દ્વારા આપ્યો પોષણનો સંદેશ:કચ્છમાં રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત આંગણવાડીઓમાં યોજાયો મહાઅભિયાન
📅 Published: September 29, 2026 |
📂 Category: gujarati-news
