ગોધરા ગણેશોત્સવમાં ‘મિની વનતારા’ થીમ બની આકર્ષણનું કેન્દ્ર:જગદીશાનંદજી મહારાજે પંડાલની મુલાકાત લીધી, યુવક મંડળના પ્રયાસને બિરદાવ્યો

📅 Published: September 20, 2026 | 📂 Category: gujarati-news

ગોધરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. શ્રીમાળી શેરી યુવક મંડળ દ્વારા આ વર્ષે અનોખી ‘મિની વનતારા’ થીમ આધારિત ગણેશ પંડાલ તૈયાર કરાયો છે. આ પંડાલ રિલાયન્સ ફાઉન્ડેશનના જામનગર સ્થિત ‘વનતારા’ પ્રોજેક્ટથી પ્રેરણા લઈને બનાવાયો છે. પંડાલમાં હાથી, સિંહ, દીપડો, જિરાફ સહિત વિવિધ વન્યજીવોના આબેહૂબ મોડેલ્સ રજૂ કરાયા છે. આ સાથે પર્યાવરણ સંરક્ષણ અને અબોલ જીવો પ્રત્યે જીવદયાનો સંદેશ પણ અપાયો છે. શ્રીમાળી શેરી યુવક મંડળના પ્રિન્સ સોનીએ જણાવ્યું કે, ગોધરામાં પહેલીવાર ‘મિની વનતારા’ થીમ રજૂ કરાઈ છે. લોકોને પણ આ આયોજનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અનંત અંબાણીના જામનગર સ્થિત વનતારા પ્રોજેક્ટની થીમ પરથી પ્રેરણા લઈને ગણેશજીના દર્શન સાથે વિવિધ પ્રાણીઓની પ્રતિકૃતિઓ અહીં રજૂ કરાઈ છે. આ દરમિયાન રંગબાળ સ્થિત પૂજ્ય જગદીશાનંદજી મહારાજે પણ ‘મિની વનતારા’ પંડાલની મુલાકાત લીધી હતી. તેમણે ગણેશજીના દર્શન કર્યા અને યુવક મંડળના આ અનોખા પ્રયાસને બિરદાવ્યો. જગદીશાનંદજી મહારાજે કહ્યું કે, વનતારાની થીમ ખૂબ જ ગમી. આવા આયોજનથી પશુ-પક્ષીઓ અને અબોલ જીવોની રક્ષા તથા માવજત અંગે જાગૃતિ ફેલાય છે. દરેક જીવમાં ભગવાન ગણેશના દર્શન કરી પ્રાણી-પક્ષીઓ પ્રત્યે હમદર્દી રાખવાનો સંદેશ અહીં અપાયો છે. શ્રીમાળી શેરી યુવક મંડળનું આ આયોજન ધાર્મિક આસ્થા સાથે અબોલ જીવો પ્રત્યે કરુણા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપે છે. આથી ગણેશોત્સવમાં તે લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *