ગોધરાના મોટી કાંટળીમાં લકુલીશ યોગાશ્રમનું ભૂમિપૂજન:સનાતન સંસ્કૃતિના પ્રસાર અને સેવા કાર્યો માટે આયોજન

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાંટળી ગામે લકુલીશ યોગાશ્રમ પંચમહાલ દ્વારા ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. સનાતન સંસ્કૃતિના પ્રસાર અને સેવા કાર્યોના ઉદ્દેશ્ય સાથે આ આશ્રમનું નિર્માણ કરવામાં આવશે. સંસ્થાના સ્થાપક પૂજ્ય પ્રિતમ મુનિજીના સાન્નિધ્યમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ નવનિર્મિત આશ્રમમાં ભગવાન શિવના અવતાર લકુલીશજીના સંકલ્પને સાકાર કરવાના ભાવિ આયોજનોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તેમાં બાળકોમાં સંસ્કાર સિંચન માટે હિન્દુ ગુરુકુળ, ગૌસેવા માટે ગૌશાળા, યોગ પ્રશિક્ષણ, અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય સુવિધાઓ જેવા અનેક સેવાકીય પ્રકલ્પો શરૂ કરાશે. આ પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ અને જીવદયાનું જતન કરવાનો હેતુ છે. આ પ્રસંગે આશીર્વચન આપતા પૂજ્ય પ્રિતમ મુનિજીએ યુવા પેઢી પર વધી રહેલા પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે યુવાનોને આધુનિકતાની આંધળી દોટ મૂકવાને બદલે સાચી શાંતિ અને માર્ગદર્શન માટે ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ઋષિમુનિઓએ ચીંધેલા માર્ગે ચાલવા હાકલ કરી હતી. આ ધાર્મિક અને સેવાકીય પ્રસંગે ગીતા પાઠ મંડળ ગોધરાના મહેન્દ્ર ઉપાધ્યાય, જિલ્લા સહકારી સંઘના રયજીભાઈ પરમાર, રંજનબેન રાઠોડ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના હિતેન્દ્રસિંહ રાઉલજી તેમજ સંસ્થાના ખજાનચી પ્રફુલભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકો અને દાતાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઉદાર મને દાન આપવામાં આવ્યું હતું.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *