વેરાવળમાં દારૂ-ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણનો આક્ષેપ:ધારાસભ્ય વિમલ ચુડાસમાએ SPને પત્ર લખી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

વેરાવળ-ભીડીયા-પાટણ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ફરી ચર્ચામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદોને પગલે સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. ધારાસભ્યના પત્ર મુજબ, આ વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થાય છે અને દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે બુટલેગરો પોલીસની રહેમનજર હેઠળ બેફામ રીતે દારૂ સપ્લાય કરે છે. દીવ કરતાં પણ સસ્તો અને વધુ પ્રમાણમાં વિદેશી દારૂ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ડ્રગ્સ, ક્રિકેટ સટ્ટાબાજી, જુગાર અને યંત્રગેમ જેવા અસામાજિક ધંધાઓ પણ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, જેના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે વેરાવળ-ભીડીયા-પાટણ પોલીસની હદમાં કાર્યવાહીનો સંપૂર્ણ અભાવ છે. લોકોને અનેક મૌખિક ફરિયાદો હોવા છતાં પોલીસ કોઈ પગલાં લેતી નથી. તેમણે ઉમેર્યું કે ઉચ્ચ અધિકારીઓને અગાઉ જાણ કરવા છતાં માત્ર થોડા દિવસો માટે દેખાડા પૂરતી કાર્યવાહી થાય છે અને પછી પરિસ્થિતિ યથાવત રહે છે. માત્ર કાગળ પરની કાર્યવાહીથી લોકોને ગુમરાહ કરવામાં આવે છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો બુટલેગરો સામે તાત્કાલિક રેડ કરીને FIR નોંધવામાં નહીં આવે, તો તેઓ લોકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ‘જનતા રેડ’ કરશે અને ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત પણ કરશે. વેરાવળ-ભીડીયા-પાટણ વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ધારાસભ્યની આ ચેતવણી બાદ સ્થાનિક પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હવે જોવું રહ્યું કે પોલીસ તંત્ર આ ગંભીર આક્ષેપો અને વધતા દબાણનો કેવી રીતે સામનો કરે છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *