સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે, જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે, ત્યારે ભાવનગરના દેવળીયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો. વૃદ્ધાનું ગળું દબાવી અને બે લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા છે અને એકજૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર ઘટના?
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, 15 નવેમ્બર શનિવારના રોજ તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા તે વેળાએ તેના જ ગામમાં રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવી અડધા પ્લોટની માંગણી ગમારા કુટુંબના મઢ માટે કરી હતી. જ્યારે મઢ માટે ધનજીભાઈએ પહેલેથી જ 12 ફૂટ જગ્યા આપી હોવા છતાં પણ અડધા પ્લોટની માંગણી ન સ્વીકારતા ગભા ખેંગારભાઈ ગમારાએ એકદમ ઉશ્કેરાઈ જઈ લાફો મારી ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળો આપી હતી. આ ઉપરાંત તેમની સાથે આવેલા કુલદીપ ગભાભાઈ ગમારા, ઇન્દુ ભગુભાઈ ગમારા, રતા ઇન્દુભાઇ ગમારા, માતર રામાભાઇ ગમારા, સુરેશ ખેંગારભાઈ ગમારા, રતાભાઈ ઇન્દુભાઇ ગમારાનો મોટો દીકરો, વિરમભાઈ ખેંગાભાઇ ગમારાનો નાનો દીકરો, બધાએ એક સંપ થઈ તો ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાના પ્લોટમાં જઈ ઘણ વડે દીવાલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ધનજીભાઈએ ઉમરાળા પોલીસ મથકમાં કુટુંબીજનો સાથે ફરિયાદ નોંધાવી હતી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં પાટીદાર અગ્રણીઓને બઠેક
તારીખ: 17 નવેમ્બર 2025 ને સોમવારે સાંજે 8:30 કલાકે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ (સારથી એવન્યુ, L.P. સવાણી સ્કૂલ પાસે) ખાતે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળીયા ગામે પાટીદાર સમાજના વડીલ ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂટ થવાની અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ હતી. જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા, વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ‘આપણા આખા સમાજની આબરૂ અને સુરક્ષાનો સવાલ છે’
આ ઘટના ફક્ત એક પરિવારની નથી, આપણા આખા સમાજની આબરૂ અને સુરક્ષાનો સવાલ છે. જમીન હડપવા, ઘરમાં ઘૂસીને માર મારવો, વૃદ્ધ માતાને મારી નાખવાની ધમકી આપવી. આવા અસામાજિક તત્વો સામે ચૂપ રહેવું એ આપણા સમાજ માટે અને ગામડામાં રહેતા દરેક સમાજના લોકો માટે ખતરો છે. આજે જે પાટીદાર યુવાન સુરતમાં છે, ખાસ કરીને મોટા વરાછા, કામરેજ, કાપોદ્રા, વરાછા, અમરોલી, પુણા, સરથાણા, અડાજણ, વેસુ, કતારગામ વિસ્તારના બધા ભાઈઓ અને વડીલો હાજર રહ્યા હતા. પ્લોટ પટાવી પાડવા ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો
પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થયો છે. એ ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થવાનું કારણ કે એ અસામાજિક તત્ત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો, એ જમીન પચાવી પાડવી હતી, એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારા માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે અને જો તું જમીન નહીં આપે તો 25 વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ. ‘પત્નીને ગળું દબાવી અને બે લાફા પણ માર્યા હતા’
આવું કહી અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે. એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગળું દબાવી અને બે લાફા પણ મારવામાં આવે છે. ત્યાંથી એ અસામાજિક અને લુખ્ખાઓને સંતોષ નથી થતો. ‘પોલીસ તંત્ર મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે’
ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે. પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે, ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મીટિંગ યોજી છે અને એ મીટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા. ‘અસામાજિક લુખ્ખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ’
પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે, ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય, કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય, ત્યારે એકજૂટ થઈ દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વૈમનસ્યતા ઊભી કરવાનું અને ઝેર જે ઉકસાવવાનું કામ કરતા હોય, જે ઝેર ભરવાનું કામ કરતા હોય, એ લોકોને ડામીને અસામાજિક લુખ્ખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ.
ભાવનગરમાં દંપતી પર હુમલો, સુરતમાં પાટીદારો ફરી આકરા પાણીએ:મોડી રાત્રે અલ્પેશ કથીરિયા સહિતના આગેવાની બેઠક, કહ્યું- સમાજની આબરૂનો સવાલ છે
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
