હિંમતનગર શહેરમાં કૂતરાંઓનું ખસીકરણ અને રખડતાં ઢોરોની સમસ્યાના સમાધાન માટે પાલિકાએ એજન્સીઓને વર્ક ઓર્ડર આપી દિવાળી સુધીમાં ઢોર માલિકો સાથે બેઠક કરી રજિસ્ટ્રેશન, ટેગિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા અને શહેરના 980 કૂતરાંનું ખસીકરણ કરવાનો પ્રારંભ થવાનો હતો. પરંતુ બંનેમાંથી એક પણ પ્રોજેક્ટ શરૂ થઈ શક્યા નથી. પ્રાણી અત્યાચાર જોગવાઈઓના નિયમનને લઈ વિલંબમાં પડેલ પ્રોજેકટ એક સપ્તાહમાં ચાલુ થઈ જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જરૂરી પાંજરા અને શેડની સુવિધાઓ પાલિકાએ ઉપલબ્ધ કરાવી છે. પાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન દિલીપ પટેલે જણાવ્યું કે રખડતાં ઢોર અને શેરી કૂતરાં બંને માટે કામગીરી ચાલી રહી છે. શેરી કૂતરાંના ખસીકરણ- રસીકરણની કામગીરી ચાલુ થનાર છે. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે તા.30-07-25ની સામાન્ય સભામાં રખડતાં પશુઓની ઓળખ માલિકોની ઓળખ વગેરે માટે ટેગિંગ કરવા અને રજિસ્ટ્રેશન માટે રોકેલ એજન્સીની સમય મર્યાદા તા. 2-08-25ના રોજ પૂરી થતાં તેને એક વર્ષનું એક્સટેન્શન કરી આપ્યું છે. ઢોરવાડાની વ્યવસ્થા કરી દેવાઈ છે. માલધારીઓ સાથે બેઠક કરી રજિસ્ટ્રેશન ટેગિંગ વગેરેની કામગીરી પૂર્ણ કરાશે. શહેરમાં સર્વેને અંતે 980 કૂતરાંનું ખસીકરણ કરવા સહિત રસીકરણ ચાલુ કરાશે. પ્રાણી અત્યાચાર સંરક્ષણ જોગવાઈઓના નિયમનને લઈ થોડો વિલંબ થયો હતો. ખસીકરણ બાદ કૂતરાંઓને રાખવા માટે પાંજરા અને શેડ પણ તૈયાર થઈને આવી ગયા છે. એક સપ્તાહમાં આ કામગીરી ચાલુ થઈ જશે. સિવિલમાં ડોગ બાઈટના દૈનિક સરેરાશ 7 થી 8 કેસ
હિંમનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રખડતાં કૂતરાં આવતાં જતાં લોકોને કરડવાના બનાવ બની રહ્યા છે. હિંમતનગર સિવિલમાં દૈનિક સરેરાશ 7 થી 8 વ્યક્તિ હડકવા ન થાય તે માટેના ઇન્જેકશન લેવા આવે છે. આરએમઓ ડો.વિપુલ જાનીએ જણાવ્યું કે જાન્યુ-ફેબ્રુઆરીમાં 585, માર્ચ-મે માં 754, જૂન-ઓગસ્ટમાં 753 અને સપ્ટે-નવેમ્બર દરમ્યાન 523 મળી 10 માસ અને 16 દિવસમાં કુલ 2615 સ્ત્રી, પુરુષ બાળકોને ડોગ બાઈટ અંતર્ગત સારવાર અપાઈ છે.
ભાસ્કર એક્સક્લુસિવ:હિંમતનગરમાં કૂતરાંઓનું ખસીકરણ સપ્તાહમાં શરૂ થશે
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
