અટલાદરાથી માંજલપુર તરફ વિશ્વામિત્રીના પટમાં અસામાજિક તત્ત્વોએ કચરો ઠાલવતાં તંત્ર દોડતું થયું છે. પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ અને દક્ષિણ ઝોનના અધિકારીઓની ટીમે સ્થળ મુલાકાત લઈને કાર્યવાહી શરૂ કરી છે. આ તત્ત્વોને શોધી કાઢવા મંગળવારથી 20 સીસીટીવીના ફૂટેજ ચકાસાશે. શહેરમાં ગત વર્ષે આવેલા વિનાશક પૂર બાદ નદીની સફાઈ કરાઈ છે. હ્યૂમન રાઈટ કમિશન દ્વારા ગઠિત કમિટીએ નદીમાં ઠલવાયેલા કાટમાળને હટાવવા સૂચન કર્યું છે. દરમિયાન અટલાદરા ખિસકોલી સર્કલથી માંજલપુર બ્રિજ તરફ જતા વિશ્વામિત્રીના બ્રિજ નજીક કેટલાંક તત્ત્વો દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હતો. કોતરોમાં કચરો ઠાલવતાં તંત્ર દોડતું થયું હતું. પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ અને દક્ષિણ ઝોનની કચેરીના અધિકારીઓની ટીમે સ્થળ મુલાકાત કરી કચરો કોણે નાખ્યો છે તેની તપાસ શરૂ કરી છે. સોલિડ વેસ્ટ વિભાગે વિસ્તારમાં લગાવેલા પાલિકાના સીસીટીવી ફૂટેજ ચેક કરી કચરો નાખનાર તત્ત્વોને પકડવા અને દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
ભાસ્કર ફોલોઅપ:વિશ્વામિત્રીમાં કચરો કોણ ઠાલવી ગયું? 20 સીસીટીવી ચકાસાશે
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
