ઠગાઈ:કૌટુંબીક ભાઈએ બેંક ખાતામાંથી 57 લાખના ટ્રાન્ઝેક્શન કર્યાનો આક્ષેપ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

વ્યારા મહાદેવનગર કણજાફાટક વિસ્તારમાં રહેતી વિધવા સપનાબેન ધીરજભાઈ પરદેશીએ પોતાના જ કૌટુંબિક ભાઈ વિરુદ્ધ બેંક ખાતાનો દુરુપયોગ કરી લાખો રૂપિયા ટ્રાન્ઝેક્શન કર્યાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ, સપનાબેનના પતિનું વર્ષ 2013માં અવસાન થયું હોય તેઓ ત્રણ સંતાનો સાથે ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. વર્ષ 2023 દરમિયાન તેમના કૌટુંબીક ભાઈ તથા શેરબજાર એજન્ટ કૃણાલભાઈ છોટુભાઈ પરદેશીએ ‘પૈસાની લેવડ-દેવડ માટે’ તેમના નામે આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતું ખોલાવવાની જરૂર જણાવી તેમની પાસેથી આધારકાર્ડ અને પાનકાર્ડ લીધા હતા. બાદમાં ખાતું ખોલાવી તેની પાસબુક અને એ.ટી.એમ. કાર્ડ પોતાની પાસે રાખી ખાતાનો ઉપયોગ પોતે જ કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તે જ રીતે સપનાબેનના મોટા પુત્ર મનિષના નામે પણ HDFC બેંકમાં ખાતું ખોલાવી તેની પાસબુક, ચેકબુક અને એ.ટી.એમ. કાર્ડ પણ કૃણાલભાઈએ કબજામાં રાખીને ખાતું સંચાલિત કર્યું હતું. ઘટના ત્યારે સામે આવી જ્યારે મામલતદાર કચેરી વ્યારાથી સપનાબેનના પુત્ર મનિષને નોટિસ મળતા તેઓ કચેરીએ હાજર થયા હતાં. નોટિસમાં મનિષના નામે રૂ. 6 લાખથી વધુ આવક દર્શાવાઈ હોવા તથા ઇન્કમટેક્સ ભરાયો હોવાનો ઉલ્લેખ હતો . આના કારણે પરિવારનું BPL રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જણાયું હતું. આ પછી સપનાબેન તથા તેમના પુત્રએ બેંક સ્ટેટમેન્ટ મેળવતાં બહાર આવ્યું કે વર્ષ 2023થી 2025 દરમિયાન સપનાબેનના ICICI ખાતામાંથી રૂ. 13 લાખ જેટલા, મનિષના HDFC ખાતામાંથી રૂ. 44 લાખ જેટલા, એટીએમ અને ચેક મારફતે કૃણાલભાઈએ ટ્રાન્ઝેક્શન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રાન્ઝેક્શનના કારણે તેમનું BPL રેશનકાર્ડ બંધ થઈ ગયું હોવાનું સપનાબેનનું કહેવું છે. સપનાબેનનો આક્ષેપ છે કે કૃણાલભાઈએ જાણ હોવા છતાં મોટાપાયે લેવડ-દેવડ કરી સરકારે આપતા અનાજ અને અન્ય સહાયથી તેમને વંચિત કર્યા છે. તેમણે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *