સુરત શહેરમાં 25 વર્ષ પહેલાં ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા એક ગંભીર ખૂન અને લૂંટના ગુનામાં છેલ્લા અઢી દાયકાથી પોલીસની પકડમાંથી છટકી રહેલા આરોપીને સુરત શહેર પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચએ નક્સલ પ્રભાવિત ગણાતા છત્તીસગઢના બિલાસપુર ખાતેથી દબોચી લીધો છે. ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોલીસથી બચવા માટે જાણી જોઈને નક્સલવાદીઓની અસર ધરાવતા અંતરિયાળ વિસ્તારમાં આશ્રય લીધો હતો, જેથી બહારની પોલીસ ત્યાં પહોંચી ન શકે. પોલીસે ખરાઈ કર્યા બાદ એક ટીમ મોકલી
સુરત શહેર પીસીબીના PI આર.એસ. સુવેરાને ચોક્કસ બાતમી મળી હતી કે, 2000ના ખૂન અને લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી અમરસીંગ ઉર્ફે ભાટી સુખનંદન કુશવાહા (ઉં.વ. 46), જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાનો રહેવાસી છે, તે હાલમાં છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં તોરવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાલ ખધાન નામના અંતરિયાળ ગામમાં છૂપાયેલો છે. બાતમીની ખરાઈ થયા બાદ તુરંત જ એક વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું અને તેને છત્તીસગઢ ખાતે રવાના કરવામાં આવી હતી. પોલીસે ગુપ્ત રીતે શોધખોળ શરૂ કરી
પી.સી.બી.ની ટીમે બિલાસપુરના સંતનગર, ગ્રામ પંચાયત મહમંદ, મસ્તુરી રોડ પર આવેલા આરોપીના નિવાસસ્થાન સહિત જુદા-જુદા વિસ્તારમાં ગુપ્ત રીતે શોધખોળ આદરી હતી. આ વિસ્તાર મુખ્યત્વે તેની ભૌગોલિક સ્થિતિ અને રાજકીય સંવેદનશીલતાને કારણે પોલીસ માટે પડકારરૂપ ગણાય છે. જોકે, સુરત પી.સી.બી.ની ટીમને આરોપી અમરસીંગ ઉર્ફે ભાટીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. એકલી મહિલાની હત્યા કરી દાગીના સહિતની લૂંટ કર્યાની તબૂલાત
આરોપીની પૂછપરછમાં જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી. આરોપીએ કબૂલ્યું કે, નવેમ્બર, 2000માં તેણે તેના બે મિત્ર સચીન ઉર્ફે રીંકુ બ્રમ્હપ્રકાશ વર્મા અને સુનીલ ઉર્ફે લાલુ બાબુલાલ સોની સાથે મળીને આ ગુનો કર્યો હતો. ત્રણેય મિત્રો છૂટક મજૂરીકામ કરતા હતા. સુરતના ઘોડદોડ રોડ પર આવેલા પ્રિન્સ ટાવરના નવમા માળે એક વેપારીના ફ્લેટમાં તેઓ ઇલેક્ટ્રિક-પ્લમ્બિંગના કામ અર્થે ગયા હતા. ઘરમાં વેપારીના પત્ની સિવાય કોઈ હાજર ન હોવાનો લાભ લઈને, ત્રણેય આરોપીએ મહિલાનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેમના પહેરેલા ઘરેણાં સહિત ઘરના સોનાના દાગીનાની લૂંટ કરીને વતન તરફ નાસી છૂટ્યા હતા. આરોપીએ પોલીસથી બચવા સ્થાનિક યુવતી સાથે લગ્ન કરી લીધા
ગુનો કર્યા બાદ નાસી ગયેલા આરોપી અમરસીંગે ખૂબ ચાલાકીપૂર્વક પોતાનું ઠેકાણું છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં બનાવવાનું નક્કી કર્યું હતું. તેનો ઇરાદો એ હતો કે આ વિસ્તારમાં બાહ્ય રાજ્યની પોલીસ સરળતાથી પહોંચી કે તેને પકડી ન શકે. જ્યારે તે અહીં આવ્યો ત્યારે તેની ઉંમર માત્ર 20 વર્ષની હતી. સમય જતાં, તેણે બિલાસપુરના અંતરિયાળ વિસ્તારમાં સ્થાયી થવા માટે ત્યાંની એક યુવતી સાથે લગ્ન કરી લીધા અને પોતાનું કાયમી વસવાટ બનાવી લીધો હતો. આ રીતે, 25 વર્ષ સુધી તે ખૂન અને લૂંટના ગુનામાંથી મુક્ત રહીને સામાન્ય જીવન જીવી રહ્યો હતો. 20 વર્ષના ગુનાના 21થી વધુ આરોપી પર પીસીબીનો સકંજો
પી.સી.બી. દ્વારા છેલ્લા બે વર્ષમાં ખૂન, લૂંટ, ધાડ, અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં 20 વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા 21થી વધુ આરોપીને દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગંભીર ગુનાના આરોપીને નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ઝડપી પાડવાની કામગીરી કરવામાં આવી છે.
ખૂન-લૂંટનો 25 વર્ષથી ફરાર આરોપી નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ઝડપાયો:પોલીસથી બચવા અને છત્તીસગઢમાં સ્થાયી થવા માટે ત્યાંની યુવતી સાથે લગ્ન કરી લીધા
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
