લખપત તાલુકાના ગુનેરી ગામમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ નિયમિત પાણી પુરવઠાની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરી છે. સરપંચ પ્રતિનિધિ ભીમજીભાઈ ખોખરના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી ગામમાં અઠવાડિયામાં માંડ એક વખત અપૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આવે છે. આ અંગે પાણી પુરવઠા તંત્રના અધિકારીઓ સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે બેઠક યોજવા જણાવ્યું હતું. તેમણે કોન્ટ્રાક્ટર સાથે હાજર રહી ગામની પાણીની સમસ્યા અંગે ચર્ચા કરવાનું વચન આપ્યું હતું. આ મુજબ, રવિવારે સવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ પ્રતિનિધિ ભીમજીભાઈ ખોખર, ગામના આગેવાનો ભીભાજી જીવણજી, તખુભા વાઘજી, રાણુભા હાલાજી, પુંજાજી પૃથ્વીરાજજી, વિસાજી ખેતાજી, લક્ષ્મણસિંહ બુધુભા તેમજ તલાટી પિયુષભાઈ સહિતના લોકો એકઠા થયા હતા. તેમણે પાણી પુરવઠા તંત્રના અધિકારીઓની લાંબા સમય સુધી રાહ જોઈ હતી. જોકે, સંબંધિત તંત્રના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સહિત કોઈ પણ જવાબદાર વ્યક્તિ બેઠકમાં હાજર રહ્યા ન હતા. આગેવાનોએ જણાવ્યું કે અધિકારીઓએ આવવાની તસ્દી લીધી ન હતી અને તેમના ફોન પણ રિસીવ કર્યા ન હતા, જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ અંગે દયાપર પાણી પુરવઠા કચેરીના ઇન્ચાર્જ અધિકારી એમ.બી. ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રવિવારના દિવસે ગુનેરી ગામ ખાતે આયોજિત બેઠકમાં હાજર રહેવાની જાણ મળી હતી, પરંતુ તે દિવસે તેઓ બહારગામ હોવાથી પહોંચી શક્યા ન હતા. તેમણે ઉમેર્યું કે અંજારના ટપ્પર નજીક નર્મદાની પાણીની પાઈપલાઈનમાં ખોટકો સર્જાતા લખપતનાં છેવાડાના ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી. જોકે, આ પ્રશ્નનો હાલ ઉકેલ લાવવામાં આવ્યો છે અને પાણી વિતરણ શરૂ થઈ ચૂક્યું છે.
ગુનેરી ગામમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યા:અધિકારીઓ બેઠકમાં ગેરહાજર રહેતા ગ્રામજનોમાં રોષ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
