15 વર્ષથી 5000 લોકો બિસ્માર રસ્તાથી ત્રાહિમામ:રાજકોટની આજીડેમથી કોઠારિયા ચોકડી સુધીનો રસ્તો ખરાબ, હાઈવે પરના ખાડાઓને લીધે સોસાયટીના રહીશો – ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પરેશાન

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

રાજકોટના વોર્ડ નંબર 15માં આજીડેમ ચોકડીથી કોઠારીયા ચોકડી સુધીના બિસ્માર રસ્તાઓ અને હાઈવે પરના ખરાબ રોડના લીધે અહીં સ્થિત 500 જેટલી ઇન્ડસ્ટ્રીઝ અને 10 જેટલી સોસાયટીના 5000થી વધુ લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અહીં ડાયવર્ઝન આપ્યો ન હોવાને કારણે લોકોને રોંગ સાઈડમાં પસાર થવું પડે છે અને તેને કારણે ટ્રાફિક પોલીસ દંડ વસૂલે છે. છેલ્લા 15 વર્ષથી અહીં લોકોને પડતી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ સાથે આજે કોંગ્રેસના નેતાઓની આગેવાનીમાં સોસાયટીના રહીશો અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સહિતના દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યુ હતુ. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. 15 માં આવતા આજીડેમ ચોકડીથી કોઠારીયા (હુડકો)ચોકડી વચ્ચે આવેલા તમામ વિસ્તારો કે.પી. ઇન્ડસ્ટ્રી ઝોન, એન. બી. ઇન્ડસ્ટ્રીઝ ઝોન, રામનાથ ઇન્ડસ્ટ્રીઝ ઝોન 1,2,3,4 , આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ ઝોન, મારુતિ, કિસાન, ધારા, સહજાનંદ, પરમધામ, સુરભી, કેસરીનંદન, નવભારત ઇન્ડસ્ટ્રીઝ એરીયા, ઓમ ઉદ્યોગનગર, ક્રાંતિનગર ઇન્ડસ્ટ્રીઝ એરીયા, શિવધારા પાર્ક 1,2, હરિઓમ પાર્ક, રામ પાર્ક, શ્રી રાધાકૃષ્ણ સોસાયટી અને હાઈવેની સામેની બાજુ સંસ્કારી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, મધુરમ, શ્રી હરિ, શિવમ,મીરા ઉદ્યોગ ઝોન ,રાધા મીરા 1,2 ઇન્ડસ્ટ્રીઝ ઝોન અને સુવર્ણ ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ આમ અલગ અલગ એરીયા ખોખડદડ નદીના પુલ અને આજી નદીના પુલની વચ્ચે આવેલા છે. વોર્ડ નં.15 ના આ અલગ અલગ વિસ્તારો છે અને હજુ પણ અમુક એરીયા નવા ડેવલપ થવા જઈ રહ્યા છે. આ તમામ વિસ્તારના લોકોને અવરજવર માટેનો હાઇવે બિસ્માર છે અને સર્વિસ રોડ અતિ ખરાબ છે. આ સાથે જ વાહન ચાલકોને દરરોજ માથાના દુઃખાવારૂપ ટ્રાફિકનો સામનો કરવો પડે છે. અહીં રોડ ઉપર વધુ ખાડા હોવાથી ત્યાં દરરોજ અકસ્માતના બનાવો પણ અનેક વખત બને છે. આ વિસ્તારમાં અવર જવર માટે લગભગ 15 વર્ષથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ નથી. વધુમાં જણાવવામાં આવ્યુ છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગનુ નિર્માણ થઇ રહ્યું છે જેને લીધે હુડકો ચોકડીથી આજી ડેમ ચોકડી સુધી અત્યંત ભયજનક રસ્તાઓ હોવાથી સામનો કરવો પડી રહ્યો છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે આ બાજુ આવેલા વિસ્તારમા જવા માટે ન ઇચ્છવા છતા ફરજિયાત રોંગ સાઈડમાં પોતાના વાહનો ચલાવીને પસાર થવું પડે છે. બાળકોને શાળાએ મુકવા-તેળવા ફરજિયાત રોંગ સાઈડમાં પસાર થવુ પડે છે. ખોખડદળ નદીના પુલ ઉપર અંદાજે 2 થી 3 કી.મી. ટ્રાફિક જામ સર્જાય છે. અહીં ખાડાઓને કારણે અકસ્માત થતા પોતાના ઘરના આધાર સ્તંભ એવા સ્વજનોના જીવ ગુમાવવા પડે છે તો પણ કોઈ પણ સરકારી અધિકારીઓનું પેટનુ પાણી પણ હલતું નથી. મહાનગરપાલિકા સ્માર્ટ સીટીના નામે લાખો રૂપિયાનો વેરો ઉઘરાવે છે ત્યારે અહીંના લોકોના પ્રાણ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે. આ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર મારફત રજૂઆત કરવામાં આવી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *