જૂનાગઢ શહેરા હ્રદયસમા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી હાલ ચાલી રહી છે. 60 કરોડના ખર્ચે થઈ રહેલું બ્યુટીફિકેશન 18 મહિનામાં પૂર્ણ થવાનું હતું પરંતુ, આજે ચાર વર્ષ બાદ પણ પ્રોજેક્ટ અધૂરો છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં એકદમ હલકી ગુણવત્તાનું કામ થયાનો આક્ષેપ થયો છે. બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલી ટાઈલ્સ હાથેથી ઉખેડતા ઉખડી ગઈ હતી. નીચે જોતા સિમેન્ટની જગ્યાએ નકરી રેતી જોવા મળી. વિપક્ષે ભ્ર્ષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. મહત્વનું છે કે, આ પહેલા પણ વિપક્ષ અને સત્તાપક્ષ બ્યુટીફિકેશનની કામગીરીને લઈ સવાલ ઉઠાવી ચૂક્યા છે. તો બીજી તરફ મેયરે ચોમાસાનું બહાનું આગળ ધરી બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, આગામી બે મહિનામાં નરસિંહ મહેતા સરોવર લોકો માટે ખુલ્લું મૂકાશે. ભાસ્કરની ટીમ જ્યારે તળાવ પર પહોંચી તો કોન્ટ્રાક્ટરે રોકવાનો પ્રયાસ કર્યો
નરસિંહ મહેતા સરોવરની નબળી કામગીરીને લઈ વિપક્ષે સવાલો ઉઠાવતા ભાસ્કરે કામગીરીના રિયાલિટી ચેકનો પ્રયાસ કર્યો. ટીમ જ્યારે તળાવ પર પહોંચી ત્યારે કોન્ટ્રાક્ટર હર્ષદ વાઢીયાએ મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ હોવાની વાત કરી. ત્યારબાદ કહ્યું કે, વોટરવર્કસના અધિકારી કહે તો અંદર મીડિયાને પ્રવેશ અપાય છે. બ્યુટીફિકેશનનું કામ પૂર્ણ થાય તે પહેલા જ ટાઈલ્સ ઉખડવા લાગી
ભાસ્કરે જ્યારે નરસિંહ મહેતા સરોવર પર પહોંચીને કામગીરી જોઈ તો અનેક જગ્યાએ ટાઈલ્સો ઉખડી ગયેલી હાલતમાં જોવા મળ્યું. જે ટાઈલ્સ ઉખડી ગઈ હતી તેની નીચે સિમેન્ટ હોવો જોઈએ તેના બદલે રેતી જ જોવા મળી. હજી તો પ્રોજેક્ટનું લોકાર્પણ નથી થયું તે પહેલા જ ટાઈલ્સ ઉખડવા લાગતા વિપક્ષે પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. નબળી કામગીરીને લઈ વિપક્ષ નહીં સત્તાપક્ષના સભ્યો પણ સવાલો ઉઠાવી ચૂક્યા છે
આ કામગીરીમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો નવા નથી. અગાઉ પણ જુનાગઢ મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા આ કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.ખુદ જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પણ ગત 16/5/2024ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને તળાવના બ્યુટીફિકેશનની કામગીરીને લઇને ગંભીર રજૂઆતો કરી હતી. તેમણે આ કામ ગોકળગતિએ ચાલતું હોવાના અને મનપાના અધિકારી અલ્પેશ ચાવડા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના આક્ષેપો કર્યા હતા. ગત 28/6/2024માં તો આ કામગીરી કરતી કંપની અને કોન્ટ્રાક્ટરે કામમાં એટલી ઝડપ બતાવી હતી કે, ચાલુ વરસાદે કોંક્રિટ સિમેન્ટનું કામ કરવામાં આવ્યું હતું, અને બીજે જ દિવસે જે જગ્યા પર કામ કરવામાં આવ્યું હતું તે રોડ બેસી ગયો હતો. આ બાબતને દિવ્ય ભાસ્કરે અહેવાલ દ્વારા ખુલ્લી પાડતા, તેમને તાત્કાલિક કરેલું કામ તોડી ફરી નવું કામ શરૂ કરવું પડ્યું હતું. તે સમયે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા મનપા કમિશનરનું ધ્યાન દોરીને કામ ગુણવત્તાયુક્ત થવું જોઈએ અને ચાલુ વરસાદે સિમેન્ટનું કામ થાય તે યોગ્ય નથી, તેમ જણાવ્યું હતું. ગોકળગતિએ કામગીરી થાય છે છતા કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કેમ નહીં?- લલિત પરસાણા
આ સમગ્ર મામલાને લઈ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા લલિત પરસાણાએ આક્રોશ વ્યક્ત કરતા દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી માટે 2018માં કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને 18 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવાની હતી, પરંતુ ચાર વર્ષ વીતવા છતાં પણ હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. આવી એજન્સીને બ્લેકલિસ્ટ શા માટે કરવામાં આવતી નથી તે એક પ્રશ્ન છે.મહાનગરપાલિકાના નિયમ મુજબ જો કામગીરી તેના સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં ન આવે તો તેના પર પેનલ્ટી લગાવવામાં આવે છે, જેના કારણે કામ કરતા કોન્ટ્રાક્ટરો અને કંપની બેદરકારી દાખવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ કામગીરીમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, એટલે જ અહીં પત્રકારોને પણ જવા દેવામાં આવતા નથી. જો સારી કામગીરી થતી હોત તો મનપા આ રીતે ઢાકપીછોળો ન કરત. તેમણે ચેતવણી આપી કે,આગામી જાન્યુઆરી સુધીમાં આ નરસિંહ મહેતા તળાવ ખુલ્લું મુકવામાં નહીં આવે તો ઉગ્ર અને જલદ આંદોલન કરવામાં આવશે અને જૂનાગઢની જનતાને સાથે રાખી સરોવરનું લોકાર્પણ કરી દેવામાં આવશે. બે મહિનામાં નરસિંહ મહેતા સરોવરનું કામ પૂર્ણ કરી દેવાશે- મેયર
આ સમગ્ર મામલે જુનાગઢના મેયરએ પોતાનો બચાવ પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, નરસિંહ મહેતા સરોવર ખૂબ મોટું છે, આ વર્ષે મોન્સૂન પણ લાંબો ચાલ્યો. તેમણે આશા વ્યક્ત કરી કે, ઘણી કામગીરી થઈ ગઈ છે ત્યારે આગામી બે મહિનામાં નરસિંહ મહેતા સરોવર લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. મેયરે કહ્યું કે કામ કરતી કંપનીને પણ બોલાવી કહેવામાં આવ્યું છે કે જો હવે સમય મર્યાદામાં કામ પૂરું નહીં થાય તો તેની પાસેથી પેનલ્ટી પણ વસૂલવામાં આવશે. આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારી અલ્પેશ ચાવડા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, ‘હુ આજે રજા પર છું, એક દિવસ રજા હોય તો બીજાને ચાર્જ આપવાનો ન હોય, હા મેં જ કોઈપણને અંદર જવા દેવાની ના પાડી છે. નરસિંહ મહેતા સરોવર હજુ કોઈ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી અને જો કોઈને આવવું હોય તો મહાનગરપાલિકાએ આવી અને પરમિશન લેવી પડે. ત્યાં કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની ?
નરસિંહ મહેતા સરોવરના કામમાં લોટ પાણીને લાકડા, VIDEO:હાથથી ઉખેડતા ટાઈલ્સ ઉખડી ગઈ, સિમેન્ટની જગ્યાએ રેતી જ જોવા મળી; 18 મહિનાનું કામ 4 વર્ષે પણ અઘૂરું
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
