નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગુજરાતના જેતપુર–નવાગઢ વિસ્તારમાં ભાદર નદીના પ્રદૂષણને રોકવા માટે રાજ્યની એજન્સીઓને વ્યાપક અને કડક સૂચનાઓ આપી છે. નગરપાલિકાના લગભગ 30 % વિસ્તારો હજુ પણ સીવેજ નેટવર્ક સાથે જોડાયેલા ન હોવાથી ઘરનો કચરો નદીમાં વહેતો હોવાનું સંયુક્ત સમિતિના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું. NGTના મુખ્ય આદેશ મુજબ, જેતપુર–નવાગઢ નગરપાલિકાએ 22 ડિસેમ્બર, 2026 પહેલાં બાકી રહેલા વિસ્તાર સહિત સમગ્ર શહેરના 100 % ઘરોને સીવેજ નેટવર્ક સાથે જોડવાનું અને કોઈપણ પ્રકારનું ટ્રીટ ન કરાયેલું સીવેજ કે ઔદ્યોગિક અપશિષ્ટ નદીમાં ન જાય તે સુનિશ્ચિત કરવાનું ફરજિયાત બનાવ્યું છે. ભાદર નદીના પ્રદૂષણને રોકવા રાજ્યની વિવિધ એજન્સીઓને કડક સૂચનાઓ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાતના જેતપુર–નવાગઢ વિસ્તારમાં ભાદર નદીના પ્રદૂષણને રોકવા રાજ્યની વિવિધ એજન્સીઓને વ્યાપક અને કડક સૂચનાઓ જાહેર કરી છે. આ આદેશ જજ પ્રકાશ શ્રીવાસ્તવ અને વિશેષજ્ઞ ડૉ. એ. સેનથિલ વેલ દ્વારા મૂળ અરજીમાં કરવામાં આવ્યો છે. સંયુક્ત સમિતિના નિરીક્ષણ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, નગરપાલિકાના લગભગ 30% વિસ્તારો હજુ સુધી સીવેજ નેટવર્ક સાથે જોડાયેલા નથી, જેના કારણે ઘરના કચરાના નિકાલના નાળા ભાદર નદી તરફ વહેતા હતા. તાજેતરના નિરીક્ષણમાં કોઈ પણ ઔદ્યોગિક એકમમાંથી રંગીન અથવા રાસાયણિક અપશિષ્ટ નદીમાં છોડાતા હોવાની પુષ્ટિ થઈ નથી. ભૂગર્ભ સીવેજ નેટવર્કનું કાર્ય 22 ડિસેમ્બર 2026 પહેલાં પૂર્ણ કરવા તાકીદ
NGTના મુખ્ય આદેશ મુજબ જેતપુર–નવાગઢ નગરપાલિકાએ બાકી રહેલા 30% વિસ્તારનો ભૂગર્ભ સીવેજ નેટવર્કનું કાર્ય 22 ડિસેમ્બર, 2026 પહેલાં કોઈપણ પરિસ્થિતિમાં પૂર્ણ કરવું. સમગ્ર શહેરના 100% ઘરોને સીવેજ નેટવર્ક સાથે જોડવા. કોઈપણ પ્રકારનું ટ્રીટ કર્યા વગરનું સીવેજ કે ઔદ્યોગિક અપશિષ્ટ ભાદર નદી અથવા સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં જવું ન જોઈએ. જળાશયો અને ડ્રેનેજની આસપાસ ‘નો-કન્સ્ટ્રક્શન ઝોન’
સુપ્રીમ કોર્ટના 5 માર્ચ, 2019ના આદેશ મુજબ તમામ જળાશયો અને સ્ટોર્મ વોટર ડ્રેનેજની આસપાસ નીચેના બફર-ઝોનનું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે. જેમાં તળાવો માટે 75 મીટર, પ્રાથમિક સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે 50 મીટર, દ્વિતીયક સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે 35 મીટર તૃતીયક સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે 25 મીટરને નો-કન્સ્ટ્રક્શન ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ અનુપાલન સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ સાથે અરજીનો નિકાલ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માટે NGTએ નિર્દેશ આપ્યા છે. બંને CETP 7 MLD JDPA અને 30 MLD ભાટગામ માન્ય પરવાનગી સાથે અને ધોરણોનું પાલન કરી ચલાવવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવે. કોઈપણ ઉદ્યોગ, STP અથવા CETPને ચીફ ટેક્નિકલ ઓફિસર વિના કાર્ય કરવાની મંજૂરી ન આપે અને કોઈપણ પ્રકારનું અપશિષ્ટ નદીમાં ન જાય તેની ખાતરી કરે. તમામ નાળા, નદી વિસ્તાર અને એકમોની નિયમિત દેખરેખ ચાલુ રાખે. NGTએ સંપૂર્ણ અનુપાલન સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ સાથે અરજીનો નિકાલ કર્યો હતો.
ભાદર નદી પ્રદૂષણ મુદ્દે NGTના કડક આદેશ:જેતપુર-નવાગઢ પાલિકાને 2026 સુધીમાં 100 % સીવેજ નેટવર્ક પૂર્ણ કરવા નિર્દેશ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
