હિંમતનગર સિવિલમાં સાંસદે ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા:જોધપુર અકસ્માતમાં ઘાયલ દર્દીઓની મુલાકાત લીધી

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

જોધપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને હિંમતનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત ત્રણ દિવસ પહેલા રાજસ્થાનના જોધપુર નજીક ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો હતો, જેમાં ટેમ્પો ચાલક સહિત છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જોધપુરથી લાવવામાં આવેલા ઇજાગ્રસ્તો પૈકી ત્રણ દર્દીઓ હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે, જ્યારે બે દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક દર્દી સામાન્ય ઇજાઓને કારણે હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પરત ફર્યા છે. આ અકસ્માત રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે 125 પર રવિવારે સવારે ખારીબેડી ગામ નજીક થયો હતો. મૃત્યુ પામેલા છ શ્રદ્ધાળુઓમાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂગનાથપુરા ગામના ચાર અને સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના ટેમ્પો ચાલક સહિત બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ મૃતકોના સોમવારે તેમના વતન રૂગનાથપુરા અને પુંસરી ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મંગળવારે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે સારવાર હેઠળના દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા અને તેમના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી. સાંસદે સિવિલ હોસ્પિટલના RMO પાસેથી દર્દીઓની તબિયત અંગેની માહિતી મેળવી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું હતું કે, સોમવારે જોધપુરથી છ ઇજાગ્રસ્ત દર્દીઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ દર્દીઓ હિંમતનગર સિવિલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બે દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક દર્દીને સામાન્ય ઇજાઓ હોવાથી અને અંતિમવિધિમાં હાજરી આપવા માટે તેઓ ઘરે પરત ફર્યા હતા. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં 8 વર્ષીય ગૌરીબેન કાળુસિંહ પરમાર (રૂગનાથપુરા, ધનસુરા, અરવલ્લી) ઓર્થોપેડિક વિભાગમાં, પ્રિયાબેન કાળુસિંહ પરમાર (રૂગનાથપુરા, ધનસુરા, અરવલ્લી) સર્જિકલ ICU વિભાગમાં અને 6 વર્ષીય ઉમાબેન કાળુસિંહ પરમાર (રૂગનાથપુરા, ધનસુરા, અરવલ્લી) ફીમેલ સર્જિકલ વિભાગમાં દાખલ છે. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 7 વર્ષીય વિરાબેન કાળુસિંહ પરમાર (રૂગનાથપુરા, ધનસુરા, અરવલ્લી) અને 65 વર્ષીય અળખુંબેન પરમાર (પુંસરી, તલોદ, સાબરકાંઠા) સારવાર હેઠળ છે. કાળુસિંહ હિંમતસિંહ પરમાર (30, રૂગનાથપુરા, ધનસુરા, અરવલ્લી)ને સામાન્ય ઇજાઓ હોવાથી તેઓ અંતિમવિધિ માટે ઘરે ગયા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *