રાજકોટ સમાચાર:વોર્ડ નં.13માં નવલનગર અંબાજી કડવા પ્લોટમાં નવી નક્કોર ડીઆઈ પાઇપ લાઇનમાં પણ ભંગાણ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

રાજકોટનાં વોર્ડ નંબર 13માં આવેલા નવલનગર અને અંબાજી કડવા પ્લોટ સહિતના વિસ્તારમાં મહાપાલિકા દ્વારા નાખવામાં આવેલી નવી નક્કોર DI પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીનો પુષ્કળ વેડફાટ થયો છે. આ બાબતે વોર્ડ નં.13ના કોંગ્રેસના ભુતપુર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મ્યુ. કમિશનરને આવેદન આપીને રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે,વોર્ડ નં.13માં અંબાજી કડવા પ્લોટ, સ્વામિનારાયણ ચોક આનંદ બંગલા ચોક સુધીના વિસ્તારોમાં અવારનવાર ડીઆઇ લાઇન તૂટે છે. પાઇપલાઇન તુટવાથી પાણીનો પુષ્કળ વેડફાટ થાય છે. જોકે મહાનગરપાલિકા દ્વારા ડીઆઇ પાઇપલાઇનને કારણે ભંગાણ અટકવાનો અને પાણીનો વેડફાટ નહીં થવાનો દાવો કરવામાં આવે છે, ત્યારે આ વિસ્તારોમાં નવી નક્કોર ડીઆઇ પાઇપલાઇનમાં અવાર નવાર ભંગાણ થઇ રહ્યું હોય આ બાબતે અધિકારીઓને સુચના આપી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની તેમજ કોન્ટ્રાક્ટરોના કામ પર નજર રાખવાની માંગણી તેઓએ કરી છે. સફાઈ કામદારનું શોષણ કરનાર મનપાનાં કોન્ટ્રાકટર જી. ડી. અજમેરા સામે ગુનો નોંધવા માંગ રાજકોટમાં સફાઈ કામદારનું શોષણ કરનાર મનપાનાં કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા સામે ગુનો નોંધવાની માંગ સાથે કામદાર યુનીયન દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું હતું. રાજકોટના કામદાર યુનીયનના પ્રમુખ પારસ બેડિયાએ જણાવ્યું હતું કે, મહાપાલિકાના કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરા દ્વારા અનુસુચિત જાતી સમાજના સફાઈ કામદારો સાથે છેતરપીંડી, શોષણ તથા કાયદેસર હકોથી વંચિત રાખવામાં આવે છે. આ કારણે ગરીબ સફાઈ કામદારો આર્થિક નુકશાન તથા કાયદેસર હકક્કોથી વંચિત થવુ પડયુ છે. જેમાં લઘુતમ વેતન આપવામાં આવતુ નથી. કાયદેસર ફરજ મુજબ વેતન બેંક ખાતામાં જમા કરવાને બદલે કવરમાં રોકડ ચુકવણી કરવામાં આવે છે. પી.એફ. કપાયા હોવા છતાં સફાઈ કામદારના ખાતામાં જમા નથી થયા તેમજ કામદારોને બોનસ આપવામાં આવ્યુ નથી. જેથી કોન્ટ્રાકટર સફાઈ કામદારોની અશિક્ષિતાનો લાભ લઈ છેતરીપંડી કરી રહ્યા છે. જેથી એજન્સી ઉપર મજુર કાયદા મુજબની વિવિધ કલમો અને એટ્રોસીટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી અમારી માંગ છે. શુક્રવારે રૂડાની બોર્ડ બેઠક યોજાશે, ત્રણ ટીપી સ્કીમના વાંધા-સૂચનો પર લેવાશે નિર્ણય રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (R.U.D.A.)ની બોર્ડ બેઠક આગામી શુક્રવારે મળવા જઈ રહી છે, જેમાં વાજડીગઢ-વેજાગામની ટીપી સ્કીમ નંબર 80, 81, અને 82 ને ફાઇનલ કરવાની મુખ્ય દરખાસ્ત રજૂ કરાશે. આ ત્રણેય ટીપી સ્કીમના મુત્સદા જાહેર થયા બાદ જમીન માલિકો તરફથી જે વાંધા-સૂચનો મળ્યા છે, તેની મુદત પૂરી થતાં આ તમામ વાંધા અરજીઓનો નિકાલ કરવા માટે બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે. નિર્ણય બાદ જરૂરી સુધારા સાથે આ ત્રણેય ટીપી સ્કીમને અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. સાથે રૂડા દ્વારા રાજકોટ મનપાની હદમાં ભળેલા નવા વિસ્તારો તેમજ શહેરને જોડતા વિસ્તારોમાં રોડ-રસ્તા જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે નવી ટીપી સ્કીમોનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ ટૂંક સમયમાં રૂડા વિસ્તારમાં 40થી વધુ નવી ટીપી સ્કીમ તૈયાર કરી અમલમાં મૂકાય તેવી શક્યતા છે. રાજકોટમાં 27 વર્ષ જૂના પ્લોટ ફાળવણીના પ્રશ્નનો ઉકેલ લાવવા મુખ્યમંત્રીને રજૂઆત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 1997-98માં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં 27 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. અરજદારો મુકેશકુમાર વાઘેલા અને જયાબેન વાઘેલા સહિતના લાભાર્થીને ડ્રોમાં પ્લોટ નંબર 161 અને 162 ફાળવવામાં આવ્યા હતા. જનરલ બોર્ડના ઠરાવ નંબર 5 (તારીખ 13/4/1998) મુજબ 800/- રૂ. પ્રતિ ચો.મી.ના ભાવે વેચાણ કરવાનું ઠરાવેલું, પરંતુ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ (GPMC Act 1949)ની કલમ 79/D મુજબ રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. આ પ્રક્રિયામાં શહેરી વિકાસના ઉપસચિવ આર. પી. પટેલ દ્વારા 23/2/2017ના રોજ RMC કમિશનરને પત્ર પાઠવી માત્ર 3 દિવસમાં વિગતોની સ્પષ્ટતા માંગવામાં આવેલી. જોકે, RMCનો દાવો છે કે તેમણે 18/4/2017ના રોજ જવાબ આપી દીધો છે, જ્યારે શહેરી વિકાસના જાહેર માહિતી અધિકારીએ 22/9/2023ના RTI જવાબમાં જણાવ્યું છે કે પત્રનો જવાબ મળ્યો નથી. આ વિસંગતતાને કારણે અરજદારો દસ્તાવેજથી વંચિત છે.ત્યારે હવે મ્યુ. હુડકો મહામંડળના ચેરમેન દાનુભા સોઢા સહિતનાઓએ તા. 22 નવેમ્બરે મુખ્યમંત્રી રાજકોટ મહાનગર પાલિકાના કાર્યક્રમમાં ઉપસ્થિત થવાના હોય આ 27 વર્ષ જૂના પ્રશ્નનો ઉકેલ લાવી અધિકારીઓને તાત્કાલિક દસ્તાવેજ બનાવી આપવા સૂચના આપવા માંગ કરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *