જળ સંકટ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સુરત જિલ્લા અને સુરત મહાનગરપાલિકાને આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા “જળ સંચય જન ભાગીદારી 1.0 એવોર્ડ” વિતરણ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જે સુરતની જળસંચય પ્રત્યેની જાગૃતિ અને સંવેદનશીલતાને પ્રમાણિત કરે છે. જળસ્તરને ઊંચું લાવવા માટે હાથ ધરાયેલા પ્રયાસો અંતર્ગત સુરતની સિદ્ધિ
જળશક્તિ મંત્રાલય દ્વારા દેશભરમાં ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવા અને જળસ્તરને ઊંચું લાવવા માટે હાથ ધરવામાં આવેલા જળસંચય અભિયાન અંતર્ગત સુરતે આ સિદ્ધિ મેળવી છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષ 2024-25માં કુલ 67,194 જળસંચય સ્ટ્રક્ચર ઊભા કરીને વરસાદી પાણીને નદી કે દરિયામાં વહી જતું અટકાવી જમીનમાં ઉતારવામાં સફળતા મળી હતી. જળસંચયમાં ગુજરાતમાં પ્રથમ
આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જળસંચય ક્ષેત્રે દેશના ટોપટેન જિલ્લા અને મહાનગરપાલિકાઓની પસંદગી કરવામાં આવી, જેમાં સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યા છે. રિચાર્જ બોરવેલ સ્થાપિત કરવાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન કેટેગરીમાં સુરત પાલિકાએ રાજ્યમાં પ્રથમ અને દેશમાં છઠ્ઠો ક્રમાંક હાંસલ કર્યો છે. પાલિકાએ “કેચ ધ રેઈન” અભિયાન અંતર્ગત 10,969 ગ્રાઉન્ડ વોટર રીચાર્જ સિસ્ટમ તૈયાર કરી છે. શહેરી કક્ષાનો આ ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકારવા માટે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી, કમિશનર શાલિની અગ્રવાલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ અને પાણી સમિતિ ચેરમેન હિમાંશુ રાઉલજી દિલ્હી પહોંચ્યા હતા. સુરત મનપાને ટ્રોફીની સાથે 2 કરોડનો રોકડ પુરસ્કાર
એવોર્ડ સમારોહમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકાને જળસંચયના 11,167 સ્ટ્રક્ચર ઊભા કરવા બદલ ટ્રોફીની સાથે 2 કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત થયો. જ્યારે સુરત જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતને 67,194 સ્ટ્રક્ચર ઊભા કરવા બદલ ટ્રોફી સાથે 1 કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો. સુરત પાલિકાની આ સફળતામાં ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીના ધોરણે રેઈન હાર્વેસ્ટિંગનો સમાવેશ કરવાનો નિર્ણાયક ફાળો છે. જળસંગ્રહ ક્ષેત્રે સુરતનું આ પ્રભાવશાળી પ્રદર્શન દેશ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે અને આવનારી પેઢી માટે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાના સામૂહિક પ્રયાસોનું પ્રતીક છે.
જળ સંકટ સામેની લડાઈમાં સુરત અવ્વલ:કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે 'જળસંચય જન ભાગીદારી એવોર્ડ' એનાયત
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
