આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટના મુખ્ય સૂત્રધારની ગુજરાતથી ધરપકડ:100 ચીની કંપની-50 પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતો, ઊંચા પગારની લાલચ આપી 500થી વધુ નાગરિકોને ફસાવ્યા

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

500 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ગુજરાત સાયબર સેન્ટર ફોર એક્સેલન્સને વધુ એક મોટી સફળતા મળી છે, જેમાં મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા સ્થિત ચાઇનીઝ સાયબર માફિયાના ‘સાયબર સ્લેવરી’ સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે ‘નીલ’ની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ‘ઘોસ્ટ’ તરીકે જાણીતા નીલ પુરોહિત અને તેના બે સાથીદારોની ધરપકડ બાદ અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે નીલના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે; તપાસમાં બહાર આવ્યું છે કે તે 126થી વધુ સબ-એજન્ટો અને 30 પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં રહીને, વિદેશમાં ઊંચા પગારની જોબ્સની લાલચ આપીને ભારત સહિત 11 દેશોના 500થી વધુ નાગરિકોને સાયબર સ્લેવરી માટે મોકલી ચૂક્યો હતો અને 1000થી વધુ લોકોને મોકલવાની ડીલ કરી હતી. આરોપી 126થી વધુ સબ-એજન્ટોનું સંચાલન કરતો હતો
તપાસમાં બહાર આવ્યું છે કે, નિલેશ પુરોહિત એક અત્યંત સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સાયબર-સ્લેવરી નેટવર્ક ચલાવતો હતો. તે 126થી વધુ સબ-એજન્ટોનું સંચાલન કરતો હતો. એટલું જ નહીં, આરોપી 30થી વધુ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતો અને 100થી વધુ ચાઈનીઝ તથા વિદેશી કંપનીઓના HR નેટવર્ક સાથે સીધો કનેક્શન ધરાવતો હતો, જે સાયબર-ફ્રોડ સ્કેમ કેમ્પમાં માણસો સપ્લાય કરતા હતા. આરોપી અન્ય 1000થી વધારે નાગરિકોને સાયબર સ્લેવરી માટે ઉપરોક્ત દેશોમાં મોકલવા માટે ડીલ કરી ચૂક્યો હોવાનું તપાસમાં ધ્યાને આવ્યું છે. જેમાંથી ઓપરેશન પાર પાડ્યાના આગળના દિવસે જ આરોપીએ એક પંજાબના નાગરીકને કમ્બોડિયા મોકલ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ આરોપી દુબઈ, લાઓસ, થાયલેન્ડ, મ્યાનમાર તથા ઇરાનનો પ્રવાસ કર્યો હોવાનું પણ તપાસમાં જણાઈ આવ્યું છે. 500થી વધુ નાગરિકોને સાયબર સ્લેવરી માટે મોકલ્યા હતા
આરોપીએ દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોની ટિકિટ બુક કરાવી ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઈજીરિયા, ઇજિપ્ત, કેમેરૂન, બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોના 500થી વધુ નાગરિકોને સીધા અથવા દુબઈ મારફતે મ્યાનમાર, કમ્બોડિયા, વિયેતનામ અને થાઈલેન્ડ ખાતે સાયબર સ્લેવરી માટે મોકલ્યા હતા. આરોપી નિલેશ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી, ટ્રાફિકિંગ રૂટ્સ, નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ-બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વિદેશમાં ઊંચા પગારની ડેટા એન્ટ્રી જોબ્સથી ફસાવતો
આ ભેજાબાજની મોડસ ઓપરેન્ડી પણ ગજબની હતી. આરોપી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદેશમાં ઊંચા પગારની ડેટા એન્ટ્રી જોબ્સની લાલચ આપી નાગરિકોને ફસાવતો હતો. ભોગ બનનારના પાસપોર્ટ જપ્ત કરી તેમને બંધક બનાવવામાં આવતા. ત્યારબાદ, તેમને ગેરકાયદેસર રીતે મોઇ નદી મારફતે સરહદ પાર કરાવી મ્યાનમારના KK પાર્ક, મ્યાવાડી ટાઉનશિપ જેવા ચાઇનીઝ હબમાં લઈ જઈ ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ, અને ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી જેવા સાયબર ગુનાઓ કરવા માટે બળજબરી કરવામાં આવતી હતી. સહકાર ન આપનારને શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી. આરોપીઓને સબ-એજન્ટોને 30થી 40 ટકા કમિશન આપતો
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી નીલ પુરોહિત વ્યક્તિ દીઠ આશરે 2000થી 4500 (રૂ. 1.6 લાખથી રૂ. 3.7 લાખ) કમિશન મેળવતો હતો, જેમાંથી સબ-એજન્ટોને 30થી 40 ટકા આપતો હતો. આ સમગ્ર રેકેટમાં નાણાકીય વ્યવહારોને છુપાવવા માટે મ્યુલ એકાઉન્ટ્સ અને પાંચથી વધુ ક્રિપ્ટો વૉલેટ્સ મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા. 3 વર્ષમાં 4000 ભારતીયોને મુક્ત કરાવી ભારત લવાયા
ભારત સરકાર દ્વારા થાઈલેન્ડ અને મ્યાનમાર સરકારના સહયોગથી સેનાની મદદથી ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 4000 ભારતીય નાગરિકોને મુક્ત કરાવી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા છે. આ પૈકી મોટા ભાગના ભોગ બનનારાઓએ તેમના નિવેદનોમાં એજન્ટ તરીકે નીલ પુરોહિતનું નામ આપ્યું હતું, જે આ ધરપકડમાં મુખ્ય કડી સાબિત થયું છે. સાયબર સેન્ટર ઑફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્કેમ સિન્ડિકેટ સાથે મળીને આચરવામાં આવેલા માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમના ગંભીર ગુનાનો પર્દાફાશ કરી એક મોટું નેટવર્ક તોડ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર સેન્ટર ઑફ એક્સલન્સની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *