યુ.કે.ના વર્ક પરમિટ વિઝાના બહાને 15 લાખ પડાવ્યા:ઈમિગ્રેશન લોયરની ઓળખ આપી છેતરપિંડી, ખોટા ડોક્યુમેન્ટ્સને કારણે અરજદાર પર 10 વર્ષનો વિઝા પ્રતિબંધ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

ગાંધીનગરના સંધેજા વિસ્તારમાં રહેતા અને પ્રોપર્ટી લે-વેચનો ધંધો કરતા બ્રોકરે કેનેડાના ઈમિગ્રેશન લોયર હોવાનો દાવો કરનાર સરગાસણના ઠગ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ વેપારીના જીજાજીને યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને કુલ 15 લાખ રૂપિયા પડાવી લીધા હતા, પરંતુ ખોટા દસ્તાવેજો અપલોડ કરવાના કારણે અરજદાર પર 10 વર્ષનો વિઝા પ્રતિબંધ પણ લાગી ગયો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 2009માં ફરિયાદીની ઓળખ આરોપી સાથે થઈ હતી
ગાંધીનગરના રાંધેજા મૈત્રી એવ્નયુ સોસાયટીમાં રહેતા બ્રોકર કુંદનભાઈ ગોવિંદભાઈ પટેલની ફરિયાદ મુજબ, વર્ષ 2009માં તેઓ લંડનમાં સ્ટુડન્ટ વિઝા પર હતા. ત્યારે વેમ્બલી સ્થિત પી.જી.માં તેમની ઓળખ અનિરુદ્ધ અનિલાબેન બ્રહ્મભટ્ટ (રહે. સિદ્ધરાજ ઝોલ્ડ,સરગાસણ, ગાંધીનગર) સાથે થઈ હતી. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે કેનેડામાં ઈમિગ્રેશન લોયરની ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી હોવાનું અને ત્યાં ઈમિગ્રેશન લોયર તરીકે કામ કરતો હોવાનું કુંદનભાઈને ડિસેમ્બર-2024ના અરસામાં જણાવ્યું હતું. કુંદનભાઈએ 1.40 લાખ રોકડા એડવાન્સ પેટે આપ્યા હતા
ત્યારબાદ અનિરુદ્ધે કુંદનભાઈને તેમના સગા-સંબંધીઓમાંથી કોઈને વિદેશ જવાની ઈચ્છા હોય તો જાણ કરવા જણાવ્યું હતું. આથી કુંદનભાઈએ તેમના જીજાજી નૈતિકકુમાર બાબુલાલ પટેલને યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કામ 18.50 લાખમાં નક્કી કર્યું હતું. બાદમાં અનિરુદ્ધ માર્ચ-2025માં ભારત આવ્યો ત્યારે તા. 1 એપ્રીલ 2025ના રોજ ગાંધીનગરના રાયસણ ખાતે કુંદનભાઈએ તેને રોકડા 1.40 લાખ એડવાન્સ પેટે આપ્યા હતા. ત્યારબાદ કુંદનભાઈએ નેટ બેન્કિંગ દ્વારા પણ અલગ-અલગ તારીખોમાં અનિરુદ્ધના બેન્ક ખાતામાં કુલ રૂ .13.60 મોકલી આપ્યા હતા. આમ, કુંદનભાઈએ કુલ 15 લાખ અનિરુદ્ધને ચૂકવ્યા હતા. ખોટા ડોક્યમેન્ટ્સના કારણે અરજદાર પર 10 વર્ષનો વિઝા પ્રતિબંધ
બાદમાં અનિરુદ્ધે સ્પોન્સર લેટર અને એપોઇન્ટમેન્ટ લેટર વોટ્સએપમાં મોકલી આપી વિઝાનું કામ ચાલુ હોવાનું જણાવ્યું હતું. જોકે ત્યારબાદ અનિરુદ્ધે કુંદનભાઈના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને સંપર્ક તોડી નાખ્યો હતો. ત્યારે 17 જૂન 2025ના રોજ કુંદનભાઈના ઘરે પોસ્ટ મારફતે તેમના જીજાજીનો અસલ પાસપોર્ટ પાછો આવ્યો હતો. જેમાં કોઈ વિઝા એન્ટ્રી થઈ નહોતી. જેથી યુ.કે. ઈમિગ્રેશન વિભાગમાં મેઈલ દ્વારા પૂછપરછ કરતાં કુંદનભાઈને જાણવા મળ્યું કે, તેમના જીજાજીની ફાઇલ ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના કારણે રિજેક્ટ થઈ છે અને તેમના જીજાજી પર 10 વર્ષનો વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે અંગે કુંદનભાઈએ પોલીસમાં અરજી આપતા અનિરુદ્ધે પંચ લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના 10 લાખ આજદિન સુધી પાછા નહીં આપતા ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *