આઝાદી પહેલાં દેશમાં ટાટા, બિરલા, કિર્લોસ્કર જેવા ગણતરીના બિઝનેસ સમૂહો જોવા મળતા હતા. તે સમયે એવું મનાતું કે ઉદ્યોગપતિને ત્યાં જન્મ લઈએ તો જ બિઝનેસમેન બની શકાય. આવી કઠિન પરિસ્થિતિમાં ગુજરાતના સાવ નાનકડા ગામમાં જન્મ લઈને વિદેશી કંપનીને ટક્કર આપવી તે નાની વાત બિલકુલ નથી. ‘નિરમા’ કંપની આજે જાણીતી બ્રાન્ડ બની ગઈ છે, પરંતુ તેની શરૂઆત તદ્દન નાના પાયે થઈ હતી. ‘લક્ષાધિપતિ’માં આજે આપણે વાત કરીશું કરસનભાઈ પટેલની. સરકારી નોકરી છોડીને કેવી રીતે નિરમા કંપની ઊભી કરી? હરીફોને કેવી રીતે માત આપી? નિરમા નામ જ કેમ રાખ્યું? આજે બીજી પેઢી નિરમા ગ્રૂપનું સુકાન સંભાળી રહી છે. નિરમા ગ્રૂપ કયા કયા સેક્ટરમાં કામ કરી રહી છે? કરસનભાઈ પટેલનો જન્મ 1944માં સાતમી જાન્યુઆરીએ ગુજરાતના મહેસાણાના રૂપપરા ગામમાં ખોડીદાસ વનમાળીદાસ પટેલના ઘરમાં થયો. પિતા ખોડીદાસ ખેડૂત હતા તો માતા જેઠીબહેન ઘર સંભાળતાં. રૂપપરા ગામની વસતિ માંડ હજારેક જેટલી હતી. કરસનભાઈનો જન્મ થયો તે પહેલાં પરિવારમાં ત્રણ દીકરીઓ હતી, ત્યારબાદ એક દીકરો ને એક દીકરીનો જન્મ થયો. કરસનભાઈ છ સંતાનોમાં ચોથા નંબરે હતા. પરિવાર વધુ ભણવવા માગતો નહોતો
પિતા ખોડીદાસની વાત કરીએ તો, ખોડીદાસ એકદમ ધર્મપરાયણ ને પોતાના કામથી નિસબત રાખનારા હતા. ગામમાં ખોડીદાસનું સારું એવું માન-સન્માન હતું. પરિવારની આર્થિક સ્થિતિ મધ્યમ હતી. કરસનભાઈ ગામથી ત્રણ કિમી દૂર આવેલી સ્કૂલે પગપાળા જ હતા. નાનપણથી જ કરસનભાઈ ભણવામાં હોંશિયાર હોવા છતાં પિતાની ઈચ્છા એવી કે દીકરો જલ્દીથી ભણીને ખેતી કામમાં જોડાઈ જાય તો સારું. અલબત્ત, કરનસભાઈની ઈચ્છા તો આગળ ભણવાની હતી. સ્કૂલનું શિક્ષણ પૂરું થતાં જ તેમણે અમદાવાદમાં સાયન્સ કોલેજમાં એડમિશન લીધું. આ સાથે જ તેમણે પિતાને હૈયાધારણા આપી કે તેઓ અભ્યાસનો ખર્ચ ક્યારેય પરિવાર પાસે માગશે નહીં અને પોતાની રીતે જ તે ખર્ચ ઉઠાવશે. 21 વર્ષની ઉંમરે કરસનભાઈએ કેમિસ્ટ્રી સાથે B.Sc પાસ કર્યું. તરત જ નોકરી મળી ગઈ
સાયન્સ ગ્રેજ્યુએટ હોવાને કારણે કરસનભાઈને નોકરી શોધવામાં ખાસ વાર ના લાગી અને તેમને અમદાવાદમાં લાલભાઈ ગ્રૂપની ન્યૂ કોટન મિલની લેબોરેટરીમાં આસિસ્ટન્ટની નોકરી મળી પણ ગઈ. તે સમયે મિલમાં કાપડ માટે પ્રવાહી ડિટર્જન્ટનો ઉપયોગ કરવામાં આવતો. કરસનભાઈએ થોડો સમય ત્યાં નોકરી કરી ને પછી ગાંધીનગરમાં ગુજરાત રાજ્યના ખાણ-ખનિજ વિભાગની લેબોરેટરીમાં જોડાઈ ગયા. વધારાની આવક મેળવવા પાઉડર બનાવવાનું વિચાર્યું
કરસનભાઈના મનમાં હજી સુધી પોતાનું કંઈક શરૂ કરવાનો વિચાર સુદ્ધાં આવ્યો નહોતો. જોકે, તેઓ સતત મનમાં એ વાત વિચારતા કે પરિવારને આર્થિક રીતે વધુ મજબૂત કરવા તેમણે નોકરી ઉપરાંત વધારાની આવક માટે કંઈક ને કંઈક કરવું જોઈએ. થોડો સમય આ અંગે વિચાર્યા બાદ તેમણે નક્કી કર્યું કે તેઓ ડિટર્જન્ટ પાઉડર જાતે બનાવે. 60ના દાયકામાં લિક્વિડ ડિટર્જન્ટનું ચલણ વધારે હતું અને પાઉડર ફોર્મમાં ત્યારે માર્કેટમાં માત્ર સર્ફ જ વેચાતો મળતો. આ ઉપરાંત ત્યારે સાબુની ગોટી મળતી અને તેને ઊકળતા પાણીમાં નાખીને કપડાં પલાળવામાં આવતા. પાઉડર બનાવવા માટે મોંઘી મશીનરીની જરૂર પડતી તેવા સંજોગોમાં કરસનભાઈએ પોતાની રીતે પાઉડર બનાવવાનું જોખમ ઉઠાવ્યું. પ્લાસ્ટિકની થેલીમાં પેક કરતા
કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું હોવાથી કરસનભાઈને ખ્યાલ હતો કે પાઉડર કેવી રીતે બને. તેમણે પોતાના એક રૂમના મકાનમાં જ પાઉડર બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો કરસનભાઈ લિક્વિડ ડિટર્જન્ટ બનાવવા જતા હતા અને આ દરમિયાન તેમને પાઉડરની ફોર્મ્યૂલા મળી ગઈ. કરસનભાઈ પ્લાસ્ટિકની થેલીમાં પાઉડર પેક કરીને પછી મીણબત્તીની જ્યોત પર ધરીને સીલબંધ કરી દેતા. રવિવારની રજા હોય ત્યારે સાયકલ પર અમદાવાદમાં વેચવા નીકળતા. શરૂઆતમાં તો કરસનભાઈ ઓળખીતાઓને જ પાઉડર આપતા. કરસનભાઈનો સ્વભાવ બહુ શાંત ને ઓછાબોલો હોવાથી તે જાતે પોતાના પાઉડરનાં વખાણ કે માર્કેટિંગ કરતા નહીં. તેમને પોતાની ફોર્મ્યૂલા પર વિશ્વાસ હતો કે એકવાર જે વાપરશે તે બીજીવાર વાપર્યા વગર રહેશે નહીં. આ જ કારણે કરનસભાઈએ નક્કી કર્યું હતું કે પાઉડર વાપર્યા પછી જો કોઈ ગ્રાહકને સંતોષ ના મળે અથવા ગમશે નહીં તો તે પૈસા પરત કરી દેશે. આ તેમની આ નીતિ કામ કરી ગઈ. લોકોનો કરસનભાઈ પર વિશ્વાસ વધ્યો ને પાઉડર જે એકવાર વાપરે તે બીજીવાર વાપર્યા વગર રહી શકે નહીં. ધીમે ધીમે માઉથ પબ્લિસિટીને કારણે પાઉડર અન્ય લોકો પણ ખરીદવા લાગ્યા. હજી પણ કરસનભાઈ નોકરી કરતા જ હતા અને દર રવિવારે જ આ રીતે વેચવા જતા. સતત ત્રણેક વર્ષ સુધી તેમણે આ રીતે ડિટર્જન્ટ પાઉડર વેચ્યો. કરસનભાઈએ હવે કંઈક અલગ કરવાનું વિચાર્યું. ભારતમાં 50ના દાયકાથી ડિટર્જન્ટનો વપરાશ થવા લાગ્યો
ભારતમાં 1957માં હિન્દુસ્તાન લીવરે ‘સર્ફ’ પાઉડર વેચવાનું શરૂ કર્યું હતું. હિન્દુસ્તાન લીવર મલ્ટિનેશનલ કંપની હતી અને તેની પાસે ચિક્કાર નાણાં ને માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી. આ ઉપરાંત તે સમયે માર્કેટમાં ટાટા ઓઇલ મિલ, કર્ણાટક સરકારની સાબુ ફેક્ટરી, ગોદરેજ, સ્વસ્તિક સહિતની કંપનીઓ ડિટર્જન્ટ બનાવતી હતી. અલબત્ત, આ તમામ ભારતીય કંપનીઓએ હિન્દુસ્તાન લીવર સામે બાથ ભીડવાનો વિચાર સુદ્ધાં કર્યો નહોતો. માર્કેટનો મોટાભાગનો હિસ્સો હિન્દુસ્તાન લીવર પાસે જ હતો. માર્કેટમાં તે સમયે હિન્દુસ્તાન લીવરનો કપડાં ધોવાનો સાબુ ‘રિન’નો દબદબો હતો. આ સમયે ગુજરાતી પટેલ ભાયડાએ ડિટર્જન્ટના માર્કેટમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું. કરસનભાઈને એ વાતનો અંદાજ આવી ગયો હતો કે જો તેમના પાઉડરનું પ્રોડક્શન તથા માર્કેટિંગ મોટાપાયે કરવામાં આવે તો તેનું વેચાણ શક્ય છે. કરસનભાઈને એ વાત પણ ખ્યાલ હતી કે માર્કેટમાં સર્ફનો અન્ય કોઈ વિકલ્પ નથી એટલે ગ્રાહકને જો સારો વિકલ્પ આપવામાં આવે તો તે જરૂરથી તે અપનાવશે. મિત્રો પાસેથી ઊછીના રૂપિયા લીધા
કરસનભાઈએ નક્કી તો કરી નાખ્યું કે પાઉડર બનાવીને વેચવો છે, પરંતુ તે નાનું સૂનું કામ નહોતું. પાઉડર બનાવવા માટે પૈસાની જરૂર પડે અને તેઓ નોકરિયાત હતા તો તેમની પાસે સ્વાભાવિક રીતે જ પૈસા ના હોય. તેમણે મિત્રો ને ઓળખીતા પાસેથી હજાર રૂપિયા ઉધાર લીધા અને નિરમા કેમિકલ વર્ક્સની શરૂઆત કરી. કરસનભાઈને એ વાતનો અંદાજ હતો કે તેઓ આમાંથી કમાણી કરી લેશે. આ જ કારણે તેમણે સરકારી નોકરી છોડી દીધી. અમદાવાદમાં શૅડ ખરીદીને ત્યાં ડિટર્જન્ટ પાઉડર બનાવવાનું શરૂ કર્યું. તેમણે દીકરી નિરૂપમાના નામ પરથી નિરમા પાઉડર નામ આપ્યું. કરસનભાઈનું એક જ સૂત્રઃ સંતોષ ન થાય તો પૈસા પાછા કેવી રીતે નિરમાએ હિન્દુસ્તાન લીવર સામે બાથ ભીડી?
કરસનભાઈને ખ્યાલ હતો કે હિન્દુસ્તાન લીવરનો સર્ફ તે સમયે 13 રૂપિયે કિલો મળતો હતો. આ કિંમત ઘણી જ વધારે હતી. તેમણે નિરમા પાઉડર માત્ર સાડા ત્રણ રૂપિયે કિલો વેચવાનું શરૂ કર્યું. લોકોનાં મનમાં એ વાત હતી કે મોંઘું હોય તો જ સારું મળે તે વાત તેમને ખોટી સાબિત કરી દીધી. આ ઉપરાંત તે સમયે પાઉડર પૂંઠાના બોક્સમાં મળતા, પરંતુ કરસનભાઈએ પ્લાસ્ટિક બેગમાં વેચવાનું શરૂ કર્યું એટલે ઓછા ખર્ચમાં વધુ પેકેટ્સ ટ્રક કે અન્ય વાહનમાં રાખી શકતા. કરસનભાઈએ જિલ્લા પ્રમાણે એજન્ટ નીમ્યા. આ બધી ટેક્નિકને કારણે નિરમા પાઉડર અનેક શહેરોમાં વેચવા લાગ્યો. પહેલા જ વર્ષે નિરમા પાઉડરે 24 ટન ઉત્પાદન કર્યું. ચાર-પાંચ વર્ષમાં જ નિરમા પાઉડર જાણીતો બની ગયો, પરંતુ તે હજી પણ લઘુ ઉદ્યોગ જ ગણાતો. સાદી પ્લાસ્ટિકની થેલીમાં પીળા રંગનો નિરમા પાઉડર ગૃહિણીઓની પહેલી પસંદ બની ગયો. 1975માં પહેલી રેડિયો જાહેરાત આવી
કરસનભાઈએ નિરમાનું વેચાણ વધારવા માટે 1975માં પહેલી જ વાર રેડિયો પર જાહેરાત આપી. આ જાહેરાત પૂર્ણિમા એડવર્ટાઇઝિંગ કંપનીએ તૈયાર કરી હતી અને સંગીતકાર વેદપાલે તૈયાર કરેલી ટેગલાઇન ‘વોશિંગ પાઉડર નિરમા’ ઘેરઘેર જાણીતી થઈ. 1982માં પહેલી જ વાર ટીવી પર નિરમાની જાહેરાત આવી.આ જાહેરાતમાં તે સમયની લોકપ્રિય એક્ટ્રેસ સંગીતા બિજલાની હતી. ટીવીની જાહેરાતમાં ‘દૂધ સી સફેદી નિરમા સે આયે, રંગીન કપડા ભી ખિલ ખિલ જાયે…’ સાથે આવી અને આજે પણ આ જાહેરાત એટલી જ લોકપ્રિય છે. આજે પણ આ મૂળ ધૂન જાહેરાતમાં સાંભળવા મળે છે. હિન્દુસ્તાન લીવરની પીછેહઠ
જ્યારે નિરમા પાઉડર માર્કેટમાં આવ્યો ત્યારે હિન્દુસ્તાન લીવરે તેની તરફ ધ્યાન પણ આપ્યું નહોતું. હિન્દુસ્તાન લીવર માટે નિરમા એવી કોઈ મોટી પ્રોડક્ટ નહોતી. જોકે, થોડાં જ વર્ષોમાં માર્કેટમાં નિરમાનો વ્યાપ વધતો ચાલ્યો ને હિન્દુસ્તાન લીવર પાછળ પડવા લાગ્યું. આશ્ચર્યની વાત એ છે કે આ સમયે માર્કેટમાં નિરમાના ભળતા નામથી પણ કેટલાક લોકો ડિટર્જન્ટ પાઉડર લઈને આવ્યા, પરંતુ તે ખાસ ચાલ્યા નહીં. કરસનભાઈ ફેમિલીમેન છે
કરનસભાઈને આ સાહસમાં પત્ની શાંતાબહેને ભરપૂર સાથ આપ્યો. બિઝનેસમેન હોવા છતાં કરસનભાઈની લાઇફસ્ટાઇલમાં ખાસ ફેર આવ્યો નહીં. તેઓ ફેમિલીમેન તરીકે જાણીતા છે. પરિવારમાં તેમને ચાર સંતાનો. બે દીકરીઓ નિરૂપમા તથા પુનીતા. બે દીકરાઓ રાકેશ તથા હીરેન. જોકે, દીકરી નિરૂપમા સ્કૂલમાં ભણતી હતી અને એક દિવસ સ્કૂલેથી આવતા સમયે અકસ્માતમાં અવસાન થયું. કરસનભાઈ લાડલી દીકરીને ઘરમાં નિરમા કહીને બોલાવતા હતા અને જ્યારે તેમણે પાઉડર બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમણે નિરમા નામ આપીને દીકરીને હંમેશ માટે અમર કરી દીધી. લઘુ ઉદ્યોગ પર સરકારે 15% ટેક્સ નાખ્યો
નિરમાનો દરજ્જો શરૂઆતનાં ઘણાં વર્ષો સુધી લઘુ ઉદ્યોગ તરીકે હતો. લઘુ ઉદ્યોગ હોવા છતાં નિરમા ઘણો જ નફો કરતી હતી અને આ સમયે સરકારે અચાનક જ લઘુ ઉદ્યોગો પર 15% ટેક્સ ઝીંકી દીધો. સરકારની આ નીતિને કારણે અનેક લઘુ ઉદ્યોગો બંધ થઈ ગયા. અલબત્ત, કરસનભાઈએ આફતને અવસરમાં બદલવાનું નક્કી કર્યું. અમેરિકાની ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’માં આ અંગે વાત કરતાં લખ્યું હતું, ‘પટેલની સફળતા ભારતમાં જરા અલગ પ્રકારની છે. દેશના મોટાભાગના બિઝનેસમેન દેશનું નિયમન કરતાં અર્થતંત્રના નીતિનિયમોમાં છૂટછાટ લેવા માટે રાજકીય વગનો ઉપયોગ કરતા હોય છે. પોતાની ફેક્ટરીઓ કરતાં વધુ સમય તો તેઓ દિલ્હીમાં લાઇસન્સ ને અલગ-અલગ મંજૂરી મેળવવા માટે દબાણ ઊભું કરતા હોય છે. અલબત્ત, પટેલ સરકારી અધિકારીઓને મળતા પણ નહોતા.’ વૉલ સ્ટ્રીટ જર્નલની આ વાત થોડામાં ઘણું જ કહી જાય છે. નિરમાને પછાડવા હિન્દુસ્તાન લીવરનું હીન કૃત્ય
નાનકડી નિરમાએ હિન્દુસ્તાન લીવરને પીછેહઠ આપી તે વાત તે મલ્ટિનેશનલ કંપની પચાવી શકી નહીં. તેણે નિરમા વિરુદ્ધ અલગ જ રીતે લડવાનું નક્કી કર્યું. હિન્દુસ્તાન લીવરે મુંબઈમાં એક સર્વે હાથ ધર્યો. તેણે પોતાના કર્મચારીઓને ફોર્મ લઈને ઘેર-ઘેર મોકલ્યા અને ત્યાં ફોર્મ ભરાઈ જાય તો ગ્રાહકોને પૈસા વગર નિરમા પાઉડર આપતા. આ ઉપરાંત નિરમા વિરુદ્ધ અલગ-અલગ પત્રિકાઓ વહેંચવામાં આવી. આની સીધી અસર નિરમાના વેચાણ પર થઈ. જોકે, કરસનભાઈને કંઈક ખોટું થયાનું ધ્યાને આવતાં જ તેમણે તપાસ હાથ ધરાવી ને તેમાં હરીફ કંપનીના ગોડાઉનમાંથી નિરમા પાઉડર ને પત્રિકાઓ ને બધું મળી આવ્યું. કરસનભાઈએ ફરિયાદ કરી ને કોર્ટમાં કેસ ચાલ્યો પણ હરીફ કંપનીએ સમાધાન કરવાનું કહેતાં અંતે કેસ પાછો લેવામાં આવ્યો. 1986માં નિરમા સાબુ માર્કેટમાં મૂકવામાં આવ્યો
નિરમા પાઉડર ગ્રાહકોમાં ખાસ્સો લોકપ્રિય થઈ ગયો હતો. હવે કરસનભાઈએ કપડાં ધોવાનો સાબુ બનાવવાનું નક્કી કર્યું. આ વખતે પણ હિન્દુસ્તાન લીવરના રિન સાબુ સામે ટક્કર હતી. જોકે, કરસનભાઈને પોતાની પ્રોડક્ટ પર ભરપૂર વિશ્વાસ હતો. રિન સાબુ વાદળી રંગનો હતો અને નિરમા સાબુ સફેદ રંગનો હતો. તેમણે જાહેરાત પાઉડરની ધૂન પર જ ‘નિરમા ડિટર્જન્ટ ટીકિયા’ ટેગલાઇન સાથે બનાવી. આ વખતે ટીવી જાહેરાત કંઈક હટકે હતી. જાહેરાત એવી હતી કે બે સાબુ હોય, જેમાં સફેદ સાબુ નિરમાનો હોય અને વાદળી સાબુ હોય આ સાબુને કોઈ બ્રાન્ડ કે નામ આપવામાં આવ્યું નહોતું, પરંતુ સમજદાર વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આ સાબુ રિન જ છે. સાબુ કપડાં પર ઘસ્યા બાદ જાહેરાતમાં ગૃહિણી સમક્ષ બે સાબુ મૂકવામાં આવે, ગૃહિણી વારાફરતી બંને સાબુ પર આંગળી ફેરવે, નિરમા સાબુ એમનો એમ જ રહે ને વાદળી સાબુ એકદમ પીગળી ગયો હોય તેવો બતાવવામાં આવે. આ જાહેરાત ગ્રાહકોને ક્લિક કરી ગઈ અને એક જ વર્ષમાં એક લાખ ટન સાબુનું વેચાણ થયું. 1990માં નિરમા સુપર ડિટર્જન્ટ આવ્યો. એ જ વર્ષે નિરમા બ્યૂટી સોપ આવ્યો. નિરમા બ્યૂટી સોપની સીધી ટક્કર ‘લક્સ’ તથા ‘લાઇફબોય’ સાથે હતી. જોકે, નિરમા પોતાની ક્વોલિટીને કારણે હંમેશાં ગ્રાહકોની વચ્ચે પોતાનું સ્થાન જમાવી દેતી. 1994માં નિરમાનો IPO આવ્યો
1994 સુધી નિરમા માત્ર કૌટુંબિક સભ્યોથી ચાલતી હતી. 1994માં નિરમાએ શૅરમાર્કેટમાં એન્ટ્રી લીધી. 44,7 કરોડ મૂડીના 85 લાખ શૅરનો IPO બહાર પાડવામાં આવ્યો. આ શેર પ્રીમિયમ સાથે આપવામાં આવ્યો. 1997માં નિરમાએ લીવરના ‘બ્રીઝ’ સાબુની સામે ‘નીમા’ સાબુ મૂક્યો. 2000માં ‘નિરમા શુદ્ધ’ નામથી મીઠું માર્કેટમાં આવ્યું. કાચા માલનું પણ કરસનભાઈએ જાતે ઉત્પાદન કર્યું
કરસનભાઈએ ડિટર્જન્ટ બનાવવાનું મહત્ત્વનું કેમિકલ એલ.એ.બી એટલે કે લિનીયર આલ્કીલ બેન્ઝીન, સલ્ફ્યુરિક એસિડ, આલ્ફા ઓલિફીન સલ્ફોનેટ, ફેટી એસિડ, ગ્લિસરીન, સિંગલ સુપર ફોસ્ફેટ, એન પેરાફીન, સોડા એશ પણ જાતે જ ઉત્પાદિત કર્યાં. સામાજિક ક્ષેત્રે પણ નિરમાનું નામ
1994માં કરસનભાઈએ નિરમા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની શરૂઆત કરી. અમદાવાદમાં નિરમા સ્કૂલ ને નિરમા યુનિવર્સિટી શરૂ કરવામાં આવી. નિરમા યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ, ટેક્નોલોજી, ફાર્માસ્યુટીકલ, લૉ, કોમર્સ, આર્કિટેક્ટ, ડિપ્લોમા જેવા વિવિધ કોર્સ ચાલે છે. નિરમા મેમોરિયલ ટ્રસ્ટ હેઠળ વંચિત મહિલાઓની સંભાળ લેવામાં આવે છે. હિન્દુસ્તાન લીવરના ચેરમેન કે. બી. દાદીશેઠે 1996માં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘બીજાઓને જે કામ કરતાં જન્મોજન્મ લાગે તે કામ કરસનભાઈએ એક જ જન્મમાં કરી બતાવ્યું.’ નિરમા ઇન્સ્ટિટ્યૂટના પદવીદાન સમારંભમાં કે. બી. દાદીશેઠે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘અમદાવાદ પાસે તેનો આગવો હીરો છે. ભારતમાં મૂલ્ય આધારિત ડિટર્જન્ટનું વિશાળ માર્કેટ કરસનભાઈની દીર્ઘદૃષ્ટિને કારણે ખૂલ્યું. અન્ય લોકો જે જોઈ ના શક્યા તે તેમણે જોયું અને પછી કલ્પના ને દૃષ્ટિની જબરજસ્ત સફળતાનો પરિચય થતો ગયો. સલામ, કરસનભાઈ, આ મહાન સિદ્ધિ બદલ.’ અલગ-અલગ બિઝનેસ
ડિટર્જન્ટ ઉપરાંત, નિરમા ગ્રૂપ ઓફ કંપનીઓ સાબુ, સોડા એશ, સિમેન્ટ અને અન્ય ઉત્પાદનોના વ્યવસાયમાં છે. 2016માં નિરમાએ ‘લાફાર્જ ઇન્ડિયા’ને $1.4 બિલિયનમાં ખરીદી. મે 2020માં કંપનીએ સિમેન્ટ વ્યવસાયને વિસ્તૃત કરવા પોતાની પેટાકંપની ‘નુવોકો વિસ્ટાસ’ના માધ્યમથી $770 મિલિયનમાં ‘ઇમામી સિમેન્ટ’ કંપની લીધી. નિરમા ગ્રૂપ ફાર્મા સેક્ટરમાં પણ આગળ વધી રહ્યું છે. આ સ્ટ્રેટેજીના ભાગરૂપે કંપનીએ બેંગલુરુની ‘સ્ટેરિકોન ફાર્મા’ ખરીદી હતી. 2023માં નિરમા ગ્રૂપે ‘ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ’ની સબસિડિયરી કંપની ‘ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસ’ની 75% ભાગીદારી 5,651 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આજે બીજી પેઢી નિરમાને સંભાળી રહી છે
નિરમા કંપની લાઇમલાઇટથી ઘણી દૂર રહે છે. કરસનભાઈના બંને પુત્રો રાકેશભાઈ તથા હીરેનભાઈ આજે નિરમા કંપનીમાં મહત્ત્વની કામગીરી કરી રહ્યા છે. રાકેશભાઈએ માર્કેટિંગમાં MBA કર્યું છે. હાલમાં તેઓ કંપનીના પ્રોક્યોરમેન્ટ, લોજિસ્ટિક્સ તથા HR સંભાળી રહ્યા છે. તેઓ 1997થી નિરમા ગ્રૂપ સાથે જોડાયેલા છે. નિરમા યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્ય ઉપરાંત નિરમા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના મેનેજિંગ કમિટીના મેમ્બર પણ છે. હીરેનભાઈએ અમેરિકાની સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કર્યું. ત્યારબાદ અમેરિકાની જ ડ્રેક્સેલ યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી માસ્ટર ડિગ્રી લીધી છે. તેઓ 1997થી નિરમા ગ્રૂપ સાથે સંકળાયેલા છે. તેઓ ગ્રાહક એક્સપિયરન્સ, કેમિકલ્સ, સિમેન્ટ, ફાર્મા તથા હેલ્થકેર ઇન્ડસ્ટ્રીનું કામ જોઈ રહ્યા છે તેઓ નિરમા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તથા નિરમા વિદ્યાવિહાર તથા નિરમા યુનિવર્સિટીની ગવર્નિંગ બોર્ડના મેમ્બર છે. જમાઈ કલ્પેશભાઈની વાત કરીએ તો, તેઓ નિરમાના પ્રોજેક્ટ્સને લગતી બાબતો સંભાળે છે. રેફરન્સ બુકઃ
એકલવીર ઉત્પાદકથી અનોખા ઉદ્યોગપતિ બનવા સુધીની સફરઃ કરસનભાઈ પટેલ (‘લક્ષાધિપતિ’ના ચોથા એપિસોડમાં વાંચો, કેવી રીતે સ્કૂટર ને સાયકલ પર સાડી વેચતા ગૌતમ અદાણી દેશના બીજા સૌથી ધનિક અમીર બન્યા, ગૌતમ અદાણીને કેટલાં ભાઈ-બહેનો છે ને તેઓ શું કરે છે…)
કરસનભાઈ પટેલે અમદાવાદમાં ઘેર-ઘેર ફરી પાઉડર વેચ્યો:1000 રૂપિયા ઉધાર લઈ નિરમા ઊભી કરી, વિદેશી કંપનીઓને ધોળા દિવસે તારા બતાવી દીધા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
