ગઇકાલે ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં તમે વાંચ્યું કે રાજકોટમાં એક જ સોસાયટીમાં રહેતા પરણિત યુવક વિમલ અને યુવતી વિસ્મિતા ગુમ થઈ ગયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે આજી ડેમની પાળ પરથી યુવતીના કપડા અને સાથે સુસાઇડ નોટ મળી. જેથી યુવતીએ આપઘાત કરી લીધા હોવાની આશંકાએ પોલીસે તપાસ શરૂ કરી પણ લાશ ન મળી. બીજી તરફ એ જ સોસાયટીમાંથી ગુમ થયેલા યુવકના કારખાનામાંથી એક લાશ મળી. હત્યા કર્યા બાદ મૃતકનો ચહેરો હથોડા વડે બેરહેમીથી છૂંદી નાખવામાં આવ્યો હતો. છતાં આ લાશ વિમલની હોવાનું તેના જ પરિવારે કબૂલ્યું અને અંતિમવિધિ પણ કરી નાખી. જો કે વિમલ અને વિસ્મિતાના વચ્ચે પ્રેમપ્રકરણ હોવાની વાત પણ ઉડી. એટલે પોલીસે આ દિશામાં તપાસ આગળ વધારી. (પહેલો ભાગ વાંચવા માટે અહીં ક્લીક કરો.) એક તબક્કે વિસ્મિતાનો પતિ પણ હત્યાના કેસમાં શંકાના ઘેરામાં હતો. પણ તેના વિરુદ્ધ પુરાવા ન મળતા પોલીસે તેને જવા દિધો. વિસ્મિતાએ આત્મહત્યા કરી હોય તો આજી ડેમમાંથી લાશ કેમ ન મળી?કારખામાંથી મળેલી લાશ વિમલની હોય તો તેની હત્યા કોણે અને શા માટે કરી? વાંચો આગળનું ઇન્વેસ્ટિગેશન. 2008ના જાન્યુઆરી મહિનાની 3 તારીખની આ પ્રકરણ શરૂ થયું હતું. ઘટનાને કેટલાય દિવસ વીતી ગયા હતા, છતાં પોલીસને વિમલ રામાણી અને વિસ્મિતા વોરા બન્નેમાંથી એકેય કેસમાં કોઈ લીડ મળી ન હતી. સૌથી ગંભીર વાત તો એ પણ હતી કે વિસ્મિતાનો મૃતદેહ પણ આજી ડેમમાંથી નહોતો મળ્યો. એટલે પોલીસ પણ ઘણા સવાલોમાં ગૂંચવાઈ હતી. કોઇ કડી મળતી ન હોવાથી ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીદારોની મદદ લીધી. જેથી કોઈએ શંકાસ્પદ ગતિવિધિ જોઈ હોય તો તેની માહિતી મળી શકે અને કેસના સસ્પેન્સ પરથી પડદો ઉઠી શકે. હત્યા અને આત્મહત્યાના આ બન્ને બનાવ હુડકો ચોકીના વિસ્તારમાં બન્યા હતા. ચોકીના પીએસઆઇ બી.એમ.જાડેજા અને કોન્સ્ટેબલ ચંદ્રસિંહ જાડેજા દ્દઢપણે માનતા હતા કે બન્ને બનાવના તાર એક બીજા સાથે જોડાયેલા છે. વિસ્મિતાનો પતિ ભલે કહેતો હોય તે તેને ખબર નથી કે વિસ્મિતા અને વિમલ વચ્ચે અફેર હતો. પરંતુ આ દિશામાં તપાસ કરવાથી કંઈક મોટું હાથ લાગી શકે એવું બન્નેને પોતાના અનુભવ પરથી લાગતું હતું. આ તાર કઇ રીતે જોડાયેલા હોઇ શકે એ મુદ્દે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ પરમાર, એએસઆઇ રાજભા વાઘેલા, ઇન્દુભા રાણા સહિતના સ્ટાફ પોલીસ સ્ટેશનમાં બેસીને મિટિંગ કરી રહ્યા રહ્યા. ટેબલ પર ફાઇલોના ઢગલા ખડકાયા હતા, ચાના કપ ઠંડા પડી ગયા હતા અને દરેકના મનમાં એક જ સવાલ હતો કે બે અલગ-અલગ બનાવમાં એવું તો શું છે જે હજુ સુધી સામે આવ્યું નથી? પીઆઈ એમ.વી.પરમાર ખુરસી પરથી ઉભા થયા અને ધીમે-ધીમે ડગલા ભરી ચેમ્બરમાં ચાલવા લાગ્યા. એએસઆઈ રાજભા વાઘેલા રાજકોટ શહેરના નકશા પર નજર ફેરવી રહ્યા હતા. ઇન્દુભા રાણા નોટપેડમાં અત્યાર સુધીની કેસની વિગતો લખતા હતા અને પીએસઆઈ બી.એમ.જાડેજા એક ફાઇલ હાથમાં લઈને ધ્યાનથી કંઈક વાંચી રહ્યા હતા. જ્યારે કોન્સ્ટેબલ ચંદ્રસિંહ જાડેજા ખૂણામાં ઊભા-ઊભા આ કેસમાં અત્યાર સુધી જોયેલી, સાંભળેલી વાતો યાદ કરીને કંઈક ગણિત માંડી રહ્યા હતા. બધાનું મગજ એક જ વાત પર અટકેલું હતું કે બન્ને બનાવ એક જ વિસ્તારમાં, એક જ સમયે બન્યા. આ સંયોગ નથી. બાતમીદારોની મદદ લેવાઈ હતી પરંતુ કશું જ ન મળ્યું. અચાનક પીઆઈની ચેમ્બરનો દરવાજો ખૂલ્યો અને આ તમામ લોકોએ એક સાથે દરવાજા તરફ જોયું. પીએસઆઈ સદાવ્રતી પીઆઈની ચેમ્બરમાં આવ્યા. તેમના હાથમાં એક ગુમ થયેલા લોકોની નોંધની ફાઇલ હતી. પીએસઆઈ સદાવ્રતીએ આવતાની સાથે જ પીઆઈને સેલ્યુટ મારી. પછી બોલ્યા, “સાહેબ, બાબુ સલાટ નામનો એક મજૂર ગુમ થઈ ગયો છે. મારે તપાસમાં જવું છે, જીપ જોઈએ.” પીઆઈ પરમારે કહ્યું, “બંને વાહનો ખૂન કેસમાં લીધેલા છે. એટલે તમે બીજી વ્યવસ્થા કરો.” આટલું સાંભળીને પીએસઆઈ સદાવ્રતી સેલ્યુટ મારીને ઉતાવળે બહાર નીકળવા જ જતા હતા, ત્યાં કોન્સ્ટેબલ ચંદ્રસિંહે તેમને રોક્યા અને કહ્યું, “સાહેબ, એક મિનિટ… ઊભા રહો!” પીએસઆઈ સદાવ્રતીએ પાછું વળીને જોયું. એમને લાગ્યું કે કંઈક કામ હશે. એટલે બોલ્યા, “બોલો ચંદ્રસિંહ, શું કામ છે?” “સાહેબ કંઈક પૂછવું છે.”, ચંદ્રસિંહે જવાબ આપ્યો પીએસઆઈ સદાવ્રતી બોલ્યા, “પૂછો ને… શું પૂછવું છે?” પીએસઆઈ અને કોન્સ્ટેબલ વચ્ચેની વાતચીત પર હવે સૌકોઈનું ધ્યાન ગયું. ચંદ્રસિંહે પૂછ્યું, “સાહેબ, જે મજૂર ગુમ થયાની તમે વાત કરી એનું નામ બાબુ સલાટ છે ને? અને કઈ તારીખે ગુમ થયો?” સદાવ્રતીએ ફાઇલ ખોલી, વાંચીને કહ્યું, “પાંચ જાન્યુઆરીએ ગુમ થયો હતો.” ચંદ્રસિંહની આંખોમાં ચમકારો થયો. તેમનું મગજ ઝડપથી દોડવા લાગ્યું. “બોલ્યા, વિસ્મિતા ૩ જાન્યુઆરીએ ગુમ થઈ, પછી આજી ડેમની પાળ પરથી તેનો દુપટ્ટો, ચપ્પલ, સુસાઇડ નોટ મળી પણ મૃતદેહ હજુ નથી મળ્યો. વિમલની લાશ 5 જાન્યુઆરીની રાતે કારખાનામાંથી મળી. લાશની ઓળખ તેના કપડાં, ચાંદીની વીંટી પરથી થઈ.” ચંદ્રસિંહે આટલું બોલીને ઊંડો શ્વાસ લીધો. તેમનો અવાજ ધીમો પણ દૃઢ હતો. હવે તમામ પોલીસ અધિકારીઓના ભવાં અદ્ધર ચડી ગયા હતા. થોડીવાર પછી ચંદ્રસિંહે ફરી બોલવાનું શરૂ કર્યું અને તમામ લોકો સામે નજર ફેરવતા કહ્યું, “સાહેબ, એ લાશ વિમલની નહીં પણ બાબુ સલાટની હોઈ શકે છે. જરા વિચારો, વિમલે મજૂરની હત્યા કરી હોય પછી પોતાના કપડાં અને વીંટી પહેરાવીને લાશને કેરોસીન છાંટી સળગાવી દીધી હોઈ શકે. વળી રહી વાત વિસ્મિતાની? તો એણે આપઘાત નાટક કર્યું હોય અને એ પણ વિમલ સાથે જ ભાગી ગઈ હોઈ શકે!” પીઆઈની ચેમ્બરમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. પીઆઈ પરમારને કોન્સ્ટેબલની વાતમાં દમ લાગ્યો. એટલે તેમણે હામી ભરી હોય એ રીતે મુઠ્ઠીવાળીને ધીમેથી ટેબલ પર પછાડી અને બોલ્યા, “ચંદ્રસિંહ… આ તો ગેમ ચેન્જર વાત છે. જો એ લાશ બાબુ સલાટની હોય તો એનો મતલબ વિમલ અને વિસ્મિતા જીવે છે!.” ચંદ્રસિંહની આંખોમાં ચમક હતી. એક કોન્સ્ટેબલે કેસની દિશા બદલી નાખી હતી. પીઆઈ પરમાર ઊભા થયા અને બોલ્યા, “નવી દિશામાં તપાસ શરૂ કરીએ. બાબુ સલાટના પરિવારને બોલાવીએ.” પોલીસે વિમલની કથિત લાશ મળી હતી એ સમયના ફોટા જોયા. નવી થિયરી પર વિચાર કર્યા બાદ એ ફોટામાં એક વાત નોંધવા જેવી લાગી. લાશ પાસે વિમલની ચપ્પલ પડી હતી. પરંતુ તેના પર રાખ કે તણખલા દેખાતા ન હતા. એનું એક અર્થઘટન એવું પણ હતું કે કદાચ લાશને સળગાવ્યા બાદ ભાગતા સમયે છેલ્લીવેળા ચપ્પલ મૂકી દીધી હોય. આ કેસની તપાસ માટે પોલીસે હવે ત્રણ અલગ-અલગ ટીમ બનાવી. ત્રણેય ટીમને જુદી-જુદી દિશામાં તપાસ કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું. એક ટીમ વિમલ રામાણીના કારખાને પહોંચી અને ફરી એકવાર નિરિક્ષણ કરીને પુરાવા એકઠાં કરવામાં લાગી. બીજી ટીમે વિમલ અને વિસ્મિતાની કોલ ડિટેલ અને બીજા ટેક્નિકલ પુરાવા શોધવાનું કામ શરૂ કરી દીધું. જ્યારે ત્રીજી ટીમ મજૂર બાબુ સલાટ નામનું છેલ્લું પગેરું શોધવામાં લાગી. બાબુ ક્યાં રહેતો હતો? શું-શું કામ કરતો હતો? કોઈ સાથે જતો આવતો હતો? તેની બેઠક ક્યાં હતી? અને છેલ્લે તેણે કોણે જોયો હતો? સવાલોનું લાંબું લિસ્ટ હતું. પણ ઇન્વેસ્ટિગેશનમાં જોડાયેલા અધિકારીઓને હવે ખબર હતી કે નક્કી આ દિશામાં તપાસ કરવાથી કેસ ઉકેલાઈ જશે. પીએસઆઇ જાડેજા અને કોન્સ્ટેબલ ચંદ્રસિંહ બાબુ સલાટની શોધખોળમાં લાગ્યા હતા. મજૂરોની બેઠક કોઠારિયા ચોકડી પાસે આવેલી પાનની એક કેબિને હોવાની માહિતી મળી. એટલે બન્ને પોલીસકર્મી એ જગ્યાએ પહોંચ્યા. ત્યાં શિવાભાઈ નામનો એક વ્યક્તિ કેબિને બેસીને પાન-મસાલા અને ચા વેચતો હતો. કોન્સ્ટેબલ ચંદ્રસિંહએ કેબિન સંચાલક શિવાભાઈને સવાલ કર્યો, “બાબુ સલાટ અહીં બેસતો હતો ને?” શિવાભાઈએ કહ્યું, “હા સાહેબ… મજૂરો અહીંયાંથી જ સવારે જતા અને સાંજે પણ આંટો મારતા હોય છે.” ચંદ્રસિંહે બીજો સવાલ કર્યો, “તો છેલ્લે એને ક્યારે જોયો?” શિવાભાઈએ જરા વિચારીને કહ્યું, “એને જોયે તો ઘણા દિવસો થયા. કેમ શું થયું?” ચંદ્રસિંહે પૂછ્યું, “અમને ખબર મળી છે કે 5 જાન્યુઆરીએ એ તારી કેબિન પર આવ્યો હતો પછી મળતો નથી. શું થયું હતું એ દિવસે યાદ કરીને કહે?” શિવાભાઈએ પાન ચાવતા-ચાવતા આંખો ઝીણી કરી અને બોલ્યો, “હા સાહેબ યાદ આવ્યું. એ સાંજે એક બાઇકવાળો આવ્યો હતો. કહેતો હતો બંગડીના કારખાનામાં છોલકામ કરવાનું છે, શનિ-રવિ મજૂર આવતા નથી. એટલે હંગામી મજૂર જોઈએ.” મેં કહ્યું, “અહીં અત્યારે તો એવું કોઈ નથી.” ત્યારે એ બાઇકવાળાએ કહ્યું, રોજના 300-400 રૂપિયા આપીશ. કોઈ ધ્યાને હોય તો કહેજે. શિવાભાઈએ આગળ કહ્યું, “સાહેબ અમારી વાત ચાલતી જ હતી ત્યાં બાંકડે બેઠેલો બાબુ ઊભો થયો અને બોલ્યો 400 મળે તો હું આવું.” “બાઇકવાળાએ કહ્યું હતું, 10 મિનિટ અહીં બેસ. હું એક કામ પતાવીને આવું છું. વાયદા પ્રમાણે થોડીવારે બાઇકવાળો પાછો પણ આવ્યો. પણ સાહેબ મેં જોયું કે એની બાઇક પર કેરબામાં કેરોસીન ભરેલું હતું. બાબુને બાઇક પાછળ બેસાડીને લઈ ગયો. એ પછી બાબુ ક્યારેય ન આવ્યો.” કેબિન સંચાલક શિવાભાઇએ પૂછપરછમાં તેણે જે માહિતી આપી એ સાંભળીને પોલીસ સ્તબ્ધ બની ગઇ હતી. કારણ કે કોન્સ્ટેબલ ચંદ્રસિંહે જે અંદાજો પોલીસ સ્ટેશનમાં ઉભા-ઉભા લગાવ્યો હતો એ સાચો પડે એમ લાગવાની હવે પૂરેપૂરી સંભાવના દેખાતી હતી અને આ સાથે જ એક લોહીયાળ ષડયંત્રનો ખુલાસો પણ થવા જઈ રહ્યો હતો. આટલા સમયમાં હવે વિમલ અને વિસ્મિતાના મોબાઇલની કોલડિટેલની માહિતી પણ આવી ગઈ હતી. વિસ્મિતા 3 જાન્યુઆરી, 2008ના રોજ ગુમ થઈ એ સમયે તેણે છેલ્લે એક ફોન કર્યો હતો. આ દિશામાં ડિટેલ ચકાસતા ખબર પડી કે રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારની એક મહિલાનો નંબર હતો. પોલીસ તપાસની ગતિ એકદમ તેજ હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફની એક ટીમ એ મહિલા સુધી પહોંચી ગઈ જેને વિસ્મિતાએ છેલ્લે કોલ કર્યો હતો. સાંકડી ગલીઓ વચ્ચે આવેલા એક જૂના મકાને જઈને પોલીસે દરવાજો ખખડાવ્યો. અંદરથી એક મહિલા બહાર આવી. મહિલાની પૂછપરછ કરતા તેણીએ નવા ખુલાસા કર્યા. કહ્યું, “થોડા દિવસ પહેલાં એક કપલ આવ્યું હતું. તેમણે લાઇટ બીલ સહિત માસિક 1 હજાર રૂપિયાના ભાડેથી ઓરડી રાખી હતી. પછી 3 તારીખે આ મહિલાએ મને ફોન કરીને પૂછ્યું હતું કે મારા પતિ ત્યાં આવ્યા છે કે નહીં, એ જોઈને કહોને. બસ આટલી અમારી વાતચીત થઈ હતી.” આમ, તપાસની એક-એક કડી જોડાતી ગઇ. વિમલે જ પોતાની હત્યા થયાનું સાબિત કરવા નિર્દોષ મજૂરનો જીવ લઇ લીધો હતો એ થિયરી સ્પષ્ટ થઇ ગઇ. પરંતુ પુરાવા મળતા ન હતા. એટલું જ નહીં, જો વિમલ અને વિસ્મિતા જીવતા હોય તો ક્યાં હોઈ શકે એ દિશામાં પણ પોલીસ તપાસ કરવાની બાકી જ હતી. બાબુ સલાટની શોધખોળ માટે લાગેલી ટીમે તેના વિશેની રજેરજની માહિતી ભેગી કરી લીધી. એમાં એક મહત્વની કડી મળી. મજૂર બાબુ સલાટનો એક દાંત ચાંદીનો હતો. એટલે પોલીસે વિમલના કારખાનેથી મળેલી લાશનો પોસ્ટમોર્ટમની ફાઇલ ફરીથી ખોલી. પીએમ કરનાર ડૉક્ટરે બનાવેલા રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે મૃતકનો એક દાંત ચાંદીનો હતો. રિપોર્ટમાં લખેલા આ એક વાક્ય પરથી સ્પષ્ટ થઈ ગયું કે કારખાનામાંથી મળેલી લાશ વિમલની નહીં પણ મજૂર બાબુ સલાટની હતી. જો કે આ માહિતી મળી એ જ સમયે પોલીસ સામે બીજો એક મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો. પોલીસને જાણવા મળ્યું કે વિમલના કારખાનામાં નોકરી કરતો અનિલ સાહુ નામનો એક મજૂર કેટલાક દિવસથી ગુમ છે. પહેલેથી જ વિમલ, વિસ્મિતા અને બાબુ સલાટ ગુમ હતા. જેમાંથી માત્ર બાબુની લાશ મળી ગઈ હતી. ત્યાં આ કેસમાં અનિલ સાહુના નામે આવેલા નવા વળાંકે પોલીસની તપાસમાં સ્પીડબ્રેકરનું કામ કર્યું. કારણ કે હવે પોલીસ સામે સવાલ એ પણ હતો કે વિમલ રામાણીએ હત્યા બાબુની કરી હોય તો અનિલ ક્યાં હશે? અથવા તો શું બાબુની હત્યામાં અનિલનો રોલ છે? પોલીસે અનિલના ભાઇને પૂછપરછ માટે બોલાવ્યો. અનિલના ભાઇએ કહ્યું, “સાહેબ…મારો ભાઈ ક્યાંક ગુમ નથી થયો, એનો તો મોબાઇલ ચાલુ છે અમે અમારે વાતચીત પણ થાય છે.“ પોલીસે તેના ભાઇ પાસે અનિલને ફોન કરાવીને તે ક્યાં છે એ પૂછવા કહ્યું. વાતચીતમાં તે પોલીસની સાથે છે તેની જાણ ન થાય તેવી તકેદારી રાખવા કડક સૂચના આપી. પેલા યુવકે તેના ભાઈ અનિલનો નંબર ડાયલ કરીને સ્પીકર ચાલુ કર્યું. ત્રણથી ચાર રિંગમાં જ અનિલે ફોન ઉપાડી લીધો અને બોલ્યો, “હા ભાઈ… શું થયું?” અનિલના ભાઈએ સવાલ કર્યો, “તું ક્યાં છે?” જવાબમાં અનિલ બોલ્યો, “ભાઈ હું અમૃતસરમાં છું. બે મિત્રો સાથે આવ્યો છું. કંઈ કામ છે?” “ના… બસ એમ જ પૂછ્યું. તું ક્યાં રહે છે?” અનિલના ભાઈએ સવાલ કર્યો. જેના જવાબમાં તેણે કેટલીક વિગતો આપી. પછી થોડી આડીઅવળી વાતો થઈ એટલે પોલીસ ફોન મૂકવાનો ઇશારો કર્યો. ફોન કટ થઈ ગયો અને પોલીસ માટે તપાસની દિશાના નવા દરવાજા ખૂલી ગયા. ભક્તિનગર પોલીસની ટીમે રાજકોટના પોલીસ કમિશનર સુધી આ આખાય ઘટનાક્રમની માહિતી પહોંચાડી. બે લોકોએ કેવું રીતે ષડયંત્ર રચીને પોતાના પરિવાર અને પોલીસની આંખામાં ધૂળ નાખી અને નિર્દોષની હત્યા કરીને રાજ્ય બહાર જતા રહ્યા, આ વાત ઘણા સવાલો ઉભા કરતી હતી. એટલે ભક્તિનગર પોલીસની ટીમને તપાસ માટે અમૃતસર જવાની પરમિશન મળી ગઈ. એક ટીમને તાબડતોડ અમૃતસર રવાના કરવામાં આવી. સાડા બારસો કિલોમીટરનું અંતર કાપીને પોલીસ ત્યાં પહોંચી. એ અરસામાં મોબાઇલ લોકેશનના આધારે ખબર પડી ગઈ હતી કે અનિલ તેના મિત્રો સાથે કંઈ હોટલમાં રોકાયો છે. જો કે હજુ સુધી 100 ટકા ખાતરી ન હતી કે અનિલ સાથે રોકાયેલા બે મિત્રો વિમલ અને વિસ્મિતા જ છે. પોલીસ ટીમ અમૃતસરની એક હોટલમાં પહોંચી અને રિસેસ્પશન પરથી કેટલીક માહિતી મેળવી લીધી જેનાથી પાક્કું થઈ ગયું કે રાજકોટથી આવેલા ત્રણ લોકો એક રૂમમાં કેટલાક દિવસથી રોકાયા છે. હવે હોટલના સર્વિસ બોયને પોલીસે આગળ કર્યો અને શંકાસ્પદ લોકો જે રૂમમાં રોકાયા છે ત્યાં લઈ જવા કહ્યું. સાથે જ એક ડુપ્લિકેટ ચાવી પણ લઈ લીધી. એક રૂમના દરવાજે પહોંચીને પોલીસને સર્વિસ બોયે ઇશારો કર્યો કે આ રૂમમાં શંકાસ્પદ લોકો છે. પોલીસ અધિકારીએ પણ ઇશારામાં કહ્યું, ચાવી લગાવીને દરવાજો ખોલી નાખ. તાળામાં ચાવી ઘુમેડી એટલે સર્વિસ બોયને પોલીસે પાછો ખેંચી લીધો અને એક જોરદાર ધક્કો મારીને દરવાજો ખોલી નાખ્યો. પળવારમાં ચાર પોલીસકર્મી રૂમમાં ઘુસી ગયા. અંદર ત્રણ લોકો હતા, વિમલ રામાણી, વિસ્મિતા વોરા અને અનિલ સાહુ. પોલીસને જોતા જ ત્રણેય રીતસર ફફડી ઉઠ્યા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે પોલીસ તેમના સુધી આવી રીતે પહોંચી જશે. વિમલ અને વિસ્મિતા તો માની જ બેઠાં હતા કે તેમના મોતની વાત પરિવાર, પોલીસે સ્વિકારી લીધી હશે અને હવે પોલીસ તેમના સુધી ક્યારેય નહીં પહોંચી શકે. પણ સામે ચાર પોલીસકર્મીને જોઈને આ લોકની હાલત કાપો તો લોહી ન નિકળે એવી થઇ ગઇ હતી. પોલીસની ટીમ ત્રણેયને લઇને અમૃતસરથી રાજકોટ પહોંચી અને કોર્ટમાં રજૂ કર્યા. રિમાન્ડ પર સોંપાયેલા વિમલે હવે પોલીસ કસ્ટડીમાં પોતાની પ્રેમકહાનીનો કિસ્સો કહેવાનો શરૂ કર્યો. વિમલે પોલીસ સામે કરેલી કબૂલાત પ્રમાણે, તેની જ સોસાયટીમાં ઘરની નજીક રહેતી વિસ્મિતા સાથે આંખ મળી ગઇ હતી. વિસ્મિતા પરણિત હતી. છતાં બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. આ દરમિયાન પરિવારજનોએ વિમલને લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો વિમલ ન જ માન્યો પણ પરિવારના લોકો સામે તેની એક ન ચાલી અને આખરે તેની જ જ્ઞાતિની યુવતી સાથે સગાઇ કરી નાખવામાં આવી. સગાઈ બાદ પણ વિમલ અને વિસ્મિતા વચ્ચે અફેર ચાલુ જ હતો. 2007ના ડિસેમ્બર મહિનામાં વિમલના લગ્ન થઈ ગયા હતા. પરંતુ તેના મનમાં તો હંમેશા વિસ્મિતાનું જ નામ ગૂંજતું હતું. જો કે વિસ્મિતા પણ હવે પોતાના પતિ, પરિવારને છોડવીને વિમલ સાથે ઘરસંસાર માંડવા માટે તૈયાર હતી. પરંતુ તેની શક્યતા દેખાતી ન હતી. પણ એક દિવસ વિમલને ફિલ્મ અંધાકાનૂનમાં અમરીશ પુરીનું પાત્ર જોઈને એક ઝબાકો થયો. વિમલે એક દિવસે વિસ્મિતાને વાત કરી અને વ્યવસ્થિત ષડયંત્ર ગોઠવ્યું. બન્નેએ બનાવેલા પ્લાન મુજબ બાબુ સલાટ નામના મજૂરને વધુ રૂપિયાની લાલચ આપી અને કારખાને લઈ ગયો. એ સમયે વિમલે પોતાની સાથે પાંચેક લિટર જેટલું કેરોસીન પણ લઈ લીધું હતું. કારખાને પહોંચ્યા બાદ વિમલે મજૂરને વાયર વડે ગળે ટૂંપો આપી દીધો. થોડીવાર તડફડીયા માર્યા બાદ બાબુ સલાટનો જીવ જતો રહ્યો. ત્યાર બાદ વિમલે પોતાના કપડા ઉતારીને બાબુ સલાટને પહેંરાવી દીધા. પછી બેરહેમ બનીને મજબૂત કુહાડા વડે ઘણા સમય સુધી ઘા મારીને માથું છૂંદી નાખ્યું, જેથી ચહેરો જોઈને લાશની ઓળખ ન થઈ શકે. છેલ્લે તેણે કેરોસીન રેડીને લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે લાશ પૂરેપૂરી સળગે નહીં. એ સાબિત કરવા માગતો હતો કે કોઈને પણ લાગે કે આ લાશ વિમલની જ છે. બીજી તરફ વિસ્મિતા પણ યોજના મુજબ કામે લાગી ગઈ હતી. હત્યાના બે દિવસ પહેલાં જ વિસ્મિતાએ પોતાના હાથે સુસાઇડ નોટ લખી નાખી હતી. પછી સુસાઇડ નોટ, દુપટ્ટો અને ચપ્પલ વિમલને આપી દીધા હતા. આ ત્રણેય વસ્તુ વિમલ આજી ડેમની પાળ પર મુકી આવ્યો હતો. પરિણિત પ્રેમી યુગલે એક થવા અને પરિવારજનો તેમને શોધે નહીં એ માટે નિર્દોષ મજૂરની હત્યા કરીને જે નાટક કર્યું હતું એ વાત બન્નેના પરિવારજનો માનવા તૈયાર ન હતા. પોલીસે રિમાન્ડ પૂરી થયા પછી ત્રણેયને જેલ હવાલે કર્યા હતા. આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલ્યો. જેમાં જજ સી.એચ.શુક્લએ હત્યા અને પૂર્વયોજિત કાવતરાના ગુનામાં વિમલ અને વિસ્મિતાને આજીવન કેદની સજા ફટકારી. તેમજ 25-25 હજાર રૂપિયા દંડ તથા પૂરાવાનો નાશ કરવાના ગુનામાં ત્રણ વર્ષની સજા અને 5-5 હજાર રૂપિયા દંડ તેમજ દંડની રકમ મૃતક બાબુ સલાટના પરિવારજનને ચૂકવી આપવા આદેશ કર્યો હતો. જ્યારે અનિલ સાહુને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.
પરિવારે લાશ સ્વીકારી જેની અંતિમવિધિ કરી એ જીવતો મળ્યો:અમૃતસરની હોટલમાં પરિણીત પ્રેમિકા સાથે પોલીસે ઝડપ્યો, કોન્સ્ટેબલની સૂઝબૂઝથી ઉકેલાયો કેસ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
