સિટી એન્કર:હાઇવે પર 200થી વધુ અકસ્માતોમાં વડોદરાના 3 યુવકોએ ઘાયલોને તાત્કાલિક સારવાર અપાવીને જીવ બચાવ્યો, ત્રણેયનું સન્માન કરાયું

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

હાઇવે પર અકસ્માત થાય ત્યારે પૂરઝડપે દોડતાં સેંકડો વાહનો વચ્ચે ઘણીવાર ઘાયલો જાણે-અજાણે રસ્તાની એક તરફ કે ઊંડા ખાડામાં લોહીલુહાણ હાલતમાં પડ્યા રહે છે. ઘણા કિસ્સાઓમાં લોકો તેમને જોતા હોય છે પણ આંખ આડા કાન કરીને નીકળી જતા હોય છે. બીજી તરફ વડોદરાની આસપાસનાં ગામોમાં રહેતા 3 યુવાનો આવા અકસ્માત થાય ત્યારે તુરંત ત્યાં પહોંચે છે, સાથે ઘાયલોને સારવાર મળે ત્યાં સુધી ખડેપગે રહે છે. શહેરની આસપાસના હાઇવે પર અકસ્માતોમાં 200થી વધુને સારવાર અપાવી ચૂકેલા 3 યુવાઓને એક કાર્યક્રમમાં લાઇફ લાઇન ફાઉન્ડેશને સન્માનિત કર્યા હતા. કેલનપુર પાસે સળિયા નીચે દબાયેલા ડ્રાઇવરને હોસ્પિટલમાં પહોંચાડ્યો
હું 20 વર્ષથી હાઇવે પરના ઘાયલોને મદદ કરું છું. કેલનપુર પાસે એકવાર ટ્રકનો અકસ્માત થતાં સળિયા નીચે ડ્રાઇવર ફસાયો હતો. ત્યારે તંત્રને ફોન કરી જાણ કરી અને તેને સધિયારો આપતો રહ્યો. હું દર વર્ષે 6થી 10 લોકોને મદદ કરું છું. > પ્રતાપભાઇ વાઘેલા, કેલનપુર કરજણ પાસે ખાડામાં પડેલા ટેમ્પો ચાલકને કાઢીને સારવાર અપાવી
દોઢ વર્ષ પહેલાં ટેમ્પો કરજણ પાસે ખાડામાં ઊતરી ગયો હતો. હું તુરંત બાઇક પરથી નીચે ઊતર્યો. ત્રીસેક વર્ષના ડ્રાઇવરને બહાર કાઢી પીઠ પર ગોઠવી ખાડામાંથી રસ્તા પર લાવ્યો. 4 વર્ષથી રોજ રાત્રે અકસ્માત થાય તો મદદ કરવા પહોંચી જાઉં છું. > જુનેદ સૈયદ, પોર ​​​​​​​સાધલી પાસે યુવકનો પગ કપાયો હતો,108 આવતાં સુધી સાથે રહ્યો
સાધલી પાસે ફોર વ્હીલર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટમાં લઇ લીધો. આ અકસ્માતમાં તેમનો પગ કપાઇ ચૂક્યો હતો. મેં 108ને ફોન કર્યો અને જ્યાં સુધી ન આવી ત્યાં સુધી તેમની સાથે રહ્યો. છેલ્લાં 3 વર્ષથી આ પ્રકારની લોકોને મદદ કરું છું. > લક્ષ્ય પટેલ, સાધલી​​​​​​​


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *