લલિત કલા સ્પર્ધાનું આયોજન:પરિશ્રમ અને પરસેવો જ સફળતાનો સચોટ માર્ગ : વિદ્યાર્થીઓએ અંગદાનની પ્રતિજ્ઞા લીધી

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

શહેરના ટાઉનહોલ ખાતે કામધેનુ યુનિવર્સિટી દ્વારા આંતર મહાવિદ્યાલય સાંસ્કૃતિક, સાહિત્યિક અને લલિત કલા સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સાથે વિદ્યાર્થીઓએ અંગદાનની પ્રતિજ્ઞા લીધી હતી. કામધેનુ યુનિ. અંતર્ગત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય દ્વારા તા.18–19 નવેમ્બર દરમિયાન આંતર-મહાવિદ્યાલય સ્તરની સાંસ્કૃતિક, સાહિત્યિક અને લલિત કલા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું છે. રાજ્યની વિવિધ વેટરનરી, ડેરી તથા ફિશરીઝ સાયન્સ કોલેજોમાંથી અંદાજે 400 વિદ્યાર્થી તેમજ 40 પ્રાધ્યાપકો આ બે દિવસીય સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે. કુલ 15 જેટલી સ્પર્ધાઓનું આયોજન કરાયું છે.કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી. એચ. ટાંક ઉપસ્થિત રહ્યા હતા. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દિલીપભાઈ દેશમુખ મુખ્ય અતિથિ તરીકે પધાર્યા હતા. સાથે જ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના સંચાલક મનોજભાઈ સોલંકી જોડાયા હતા. ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. ટાંકે ભુજ શહેર અને કચ્છ જિલ્લાના નાગરિકો તરફથી વેટરનરી કોલેજને મળતા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે પરિશ્રમ અને પરસેવો જ સફળતાનો સચોટ માર્ગ છે. દિલીપભાઈ દેશમુખે વક્તવ્યમાં અંગદાનનું મહત્વ રેખાંકિત કર્યું અને તમામ યુવા વિદ્યાર્થીઓને ઓર્ગન ડોનેશન માટેના ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા પ્રેરણા આપી હતી. વલમજીભાઈ હુંબલે કચ્છ ડેરીના વિકાસની સફર વિદ્યાર્થીઓ સમક્ષ વર્ણવી હતી તથા કચ્છ જિલ્લામાં પશુચિકિત્સા ક્ષેત્રમાં ઉપલબ્ધ ઉજળી તકો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. મનોજભાઈ સોલંકીએ કામધેનુ યુનિવર્સિટી હેઠળ નવી સ્થાપિત કોલેજની ઝડપી પ્રગતિ અને સેવા વિસ્તરણની પ્રશંસા કરી હતી.આ કાર્યક્રમમાં કચ્છના અગ્રણીઓ, પ્રાણી પ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ, પ્રબુદ્ધ અને પ્રભાવી નાગરિકો અને શિક્ષણ જગતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *