દૂધસાગર ડેરીની ચૂંટણી આગામી 7 ડિસેમ્બરના રોજ યોજાશે. જેમાં 24 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. આ વખતે ભાજપ સમર્થિત ઉમેદવારો સામે સહકાર પેનલ ઉતારવા તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. દૂધસાગર ડેરી દ્વારા આપવામાં આવેલા ઠરાવોને પગલે પ્રસિદ્ધ કરાયેલી કામચલાઉ મતદાર યાદી જાહેર થયા બાદ વાંધાઓની સુનાવણી પછી 3 મત નવા ઉમેરાતા અને 7 મત કમી થતાં 1048 મતદારોની આખરી ફાઇનલ મતદાર યાદી ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડ દ્વારા પ્રસિદ્ધ કરાઇ હતી. મંગળવારે ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે. જે મુજબ 24 નવેમ્બર જાહેર રજાના દિવસો સિવાય સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. બીજા દિવસે 24 નવેમ્બરે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થશે અને 25 નવેમ્બરે ફોર્મની ચકાસણી કરાશે. 26 નવેમ્બરના રોજ માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે અને 27 નવેમ્બરે ભરેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. 28 નવેમ્બરે હરિફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરાશે અને અને જરૂર જણાય તો 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. વિપુલ ચૌધરી સહકાર પેનલ ઊભી કરીને ચૂંટણી લડાવશે આમ તો દૂધસાગર ડેરીની ગત ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોની સામે વિપુલ ચૌધરી દ્વારા પોતાની પેનલ ઉતારવામાં આવી હતી. પરંતુ સાગરદાણ કૌભાંડમાં તેમને થયેલી સજા ઉપર સ્ટે આપવાની અરજી કોર્ટે ફગાવી દેતાં તેઓ આ વખતે ચૂંટણી લડી શકવાના નથી. પરંતુ, સહકારી ક્ષેત્ર અન્ય તમામ રાજકારણીઓ ભેગા મળીને ભાજપ સમર્થિત ઉમેદવારની સામે પોતાની સહકાર પેનલ ઊભી કરી અને ચૂંટણી લડીને ટક્કર આપશેનું જાણવા મળ્યું છે. એક આગેવાનના જણાવ્યા મુજબ, સહકાર પેનલને ચૂંટણી લડાવવા માટે છેલ્લા કેટલાક દિવસોથી મીટિંગોનો દોર ચાલુ છે, ગુપ્ત રણનીતિ ઘડવામાં આવી રહી છે.
ભાસ્કર ઈનસાઈડ:દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલ સામે સહકાર પેનલ ઉતારવા તૈયારી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
