વલસાડ એલસીબીએ પારડી-વલ્લભ આશ્રમ હાઇવે પરથી ટોયલેટ ક્લીનરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 3.47 લાખનો દારૂ જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. એલસીબીની ટીમે વોચ ગોઠવીને એક બંધ બોડી ટેમ્પો (MH-48 CB-3064) રોક્યો હતો. ટેમ્પોની તપાસ કરતાં તેમાંથી ટોયલેટ ક્લીનર, હાર્પિક, ફિનાઈલ અને એસિડના બોક્સની પાછળ છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 40 બોક્સમાંથી 1296 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક બાલાજી ગેલાભાઈ રાવરીયા અને ક્લિનર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો જાડેજા (બંને રહે. કચ્છ ભુજ) ને ઝડપી પાડ્યા હતા. દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ અને અન્ય સામાન મળી કુલ રૂ. 8.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ અંગે પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મહારાષ્ટ્રના રમેશભાઈએ આ દારૂ ભરાવી વડોદરા લઈ જવા કહ્યું હતું. પોલીસે રમેશભાઈને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ તેજ કરી છે. કેસની વધુ તપાસ વલસાડ સિટી પોલીસને સોંપવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓના ગુરુવાર સવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન દારૂ હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોની સંડોવણી છે, કેટલા સમયથી આ રીતે દારૂ મોકલાતો હતો અને નેટવર્કનું વાસ્તવિક માળખું શું છે તે દિશામાં વલસાડ સિટી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
ટોયલેટ ક્લીનરની આડમાં દારૂ હેરાફેરી:બે આરોપીઓના રિમાન્ડ, પોલીસે વોન્ટેડ સપ્લાયરની શોધ શરૂ કરી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
