બાર સંચાલકની આગોતરા જામીન અરજી નામંજૂર:42.24 લાખના દારૂ સપ્લાય કેસમાં વાપી કોર્ટે નિર્ણય લીધો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

વલસાડ જિલ્લામાં ₹42.24 લાખના ગેરકાયદેસર દારૂ સપ્લાય કૌભાંડ કેસમાં વાપીના એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકલે બાર સંચાલક કિરણકુમાર સુમનભાઈ પટેલની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. કિરણ પટેલે પોલીસ કાર્યવાહીથી બચવા માટે આ અરજી કરી હતી, પરંતુ અદાલતે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને માન્ય રાખી હતી. આ કેસ 10 ઓક્ટોબર 2025ના રોજ ઉમરગામ તાલુકાના તલવાડા વિસ્તારમાં નોંધાયો હતો. તે સમયે ટાટા કન્ટેનર ટ્રક (DN-09-5-9156) માંથી ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ટ્રક ચાલક ઇમરાન મોદી ઇસરાર ખાનની ધરપકડ કરી હતી. ટ્રકની તપાસ કરતા તેમાંથી 320 બોક્સ ભારતીય બનાવટની વિદેશી વ્હીસ્કી મળી આવી હતી, જેમાં કુલ 15,360 બોટલ હતી. આ દારૂની કિંમત ₹42,24,000 આંકવામાં આવી હતી. દારૂ ઉપરાંત, ખાલી બેરલ, પ્લાસ્ટિક ટાંકી, મોબાઇલ ફોન અને ખોટી નંબર પ્લેટ સહિત કુલ ₹52,39,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો પ્રોહિબિશન એક્ટ અને BNSની કલમો હેઠળ ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવી રહ્યો હતો. સત્તાવાળાઓને ગેરમાર્ગે દોરવા માટે ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. પોલીસના મતે, આ સમગ્ર કૌભાંડ પાછળ દમણનો વોન્ટેડ આરોપી કમલેશ સંડોવાયેલો છે, જે હજુ સુધી ફરાર છે. કેસની ગંભીરતા, આરોપી વિરુદ્ધના પુરાવા અને વોન્ટેડ આરોપી સાથેના સંભવિત જોડાણને ધ્યાનમાં રાખીને અદાલતે કિરણકુમાર પટેલની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ કેસમાં પોલીસ હવે વધુ તપાસ અને કાર્યવાહી ઝડપી બનાવશે તેવી અપેક્ષા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *