ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય અને ત્યારબાદ 2027ની વિધાનસભા ચૂંટણીએ રાજકીય પક્ષોને દોડતા કર્યા છે. જેમાં રાજ્યમાં મજબૂત પાયો બનાવવાનો પ્રયાસ કરતી આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અભિયાન હેઠળ કાર્યકર્તાઓની ટીમ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ગઈકાલે રાત્રે ચીખલીના દેગામ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત જોડો જનસભા યોજી લોકોને સત્તા પરિવર્તન માટે મદદરૂપ થવા અપીલ કરી હતી. આમ આદમી પાર્ટી આંગળીને ટેરવે ગણાતા નેતાઓને સહારે ગુજરાતમાં મજબૂતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં આદિવાસી નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર થયેલા કેસ અને જેલવાસ બાદ તેઓને પોતાના મતવિસ્તારથી દૂર રહેવાનો કોર્ટનો આદેશ છે. જોકે ધારાસભ્ય ચૈતર વસાવાએ મંગળવારે રાત્રે નવસારીના દેગામ ખાતે ગુજરાત જોડો અભિયાન હેઠળ જન સભા સંબોધી હતી. ચૈતર વસાવાએ સ્થાનિક પ્રશ્નોની વાત કરી પોતાની સાથે થયેલા અન્યાયને પણ લોકો સમક્ષ મુકી જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહીં.. ના ફિલ્મી ડાયલોગ સાથે ભાજપને ટક્કર આપી, આદિવાસી પટ્ટામાં પરિવર્તનનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ચૈતર વસાવાએ વલસાડના સાંસદ ધવલ પટેલ પર આક્ષેપ કર્યો હતો કે તેઓ ‘કૃપાગુણ’થી સાંસદ બન્યા છે અને પક્ષના ‘બોલતા પોપટ’ છે, જેઓ બોલે નહીં તો ફરી ટિકિટ નહીં મળે. તેમણે આદિવાસીઓને સ્પર્શતા અનેક મુદ્દાઓના નિરાકરણ મુદ્દે સાંસદ કેમ બોલતા નથી તેવો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી તાલુકા, જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પરિવર્તન લાવશે.
નવસારીમાં આમ આદમી પાર્ટીનો હુંકાર:ચૈતર વસાવાએ ફિલ્મી ડાયલોગ સાથે ભાજપને પડકાર ફેક્યો, વલસાડના સાંસદને પક્ષના બોલતા પોપટ ગણાવ્યા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
