પાટણના તેલ વેપારીઓ જૂના ટીનનો ઉપયોગ નહીં કરે:FDCAના અભિયાન બાદ ખાદ્ય સુરક્ષા માટે પ્રતિજ્ઞા લીધી

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

પાટણ: ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના સ્વાસ્થ્યના હિતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), પાટણ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. પાટણના તેલ પેકર્સ અને જથ્થાબંધ વેપારીઓએ જૂના ટીનનો ફરીથી ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ નિર્ણય FDCA દ્વારા આયોજિત એક જાગૃતિ સેશન બાદ લેવામાં આવ્યો છે. FDCA, પાટણ દ્વારા પાટણ જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી લાયન્સ હોલ ખાતે ખાદ્ય તેલ બજાર એસોસિએશન, ઓઈલ મીલર, પેકર્સ અને જથ્થાબંધ વેપારીઓ સાથે એક ઇન્ટરેક્ટિવ સેશન યોજાયું હતું. આ સેશનનો મુખ્ય હેતુ તેલના પેકર્સ અને વેપારીઓને જૂના અથવા ફરીથી ઉપયોગમાં લેવાયેલા ટીન વાપરવાથી થતા કાયદા ભંગ અને સ્વાસ્થ્ય સંબંધિત જોખમો વિશે માહિતગાર કરવાનો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના નિયમો મુજબ, ખાદ્ય તેલના પેકિંગ માટે ઉપયોગમાં લેવાયેલા ટીનનો ફરીથી ઉપયોગ પ્રતિબંધિત છે. સેશનમાં સ્પષ્ટ કરાયું હતું કે જૂના કે ફરીથી ઉપયોગમાં લેવાયેલા ટીનનો ઉપયોગ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. આવા ટીનમાં રહેલા અગાઉના તેલના અવશેષો, બાહ્ય અશુદ્ધિઓ અથવા કાટ તેલમાં ભળી શકે છે, જે તેલની ગુણવત્તા બગાડીને ગંભીર રોગો નોતરી શકે છે. વધુમાં, FSSAI ના ધારાધોરણોનું ઉલ્લંઘન એ કાયદેસરનો ગુનો છે, જેના માટે સજા અને ભારે દંડની જોગવાઈ છે. આ સેશન દરમિયાન, ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) દ્વારા તેમના વ્યવહારિક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેના પર તંત્ર દ્વારા સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ સેશનની સૌથી સકારાત્મક વાત એ હતી કે પાટણ ઓઇલ એસોસિએશનના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પ્રતિજ્ઞા લીધી કે તેઓ ભવિષ્યમાં જૂના અથવા ફરીથી ઉપયોગમાં લેવાયેલા ટીનનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારનો વ્યવસાય કરશે નહીં. આ નિર્ણય દ્વારા, વેપારીઓએ ગ્રાહકોને સલામત અને શુદ્ધ ખાદ્ય પદાર્થો પૂરા પાડવાની તેમની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ જાગૃતિ અભિયાનની સફળતામાં સક્રિય ભૂમિકા ભજવવા બદલ સુરેશભાઈ પટેલ (ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પાટણ) નો FDCA પાટણ દ્વારા વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. FDCA દ્વારા તેલ વ્યવસાય સાથે જોડાયેલા અન્ય તમામ FBOs ને પણ ગ્રાહક સુરક્ષાને સર્વોપરી ગણીને આ સકારાત્મક પહેલમાં જોડાવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે સલામત ખાદ્ય પ્રણાલી જાળવવી એ માત્ર કાયદાનું પાલન નથી, પરંતુ તે સામાજિક જવાબદારી પણ છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *