વડોદરા, તા.8 વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં જ દારૃનું મોટું કટિંગ ચાલતું હોવાનો પર્દાફાશ સ્ટેટ વિજિલન્સે કરતા જિલ્લા પોલીસમાં ફફડાટ ફેલાયો છે. વિજિલન્સે ૧૦ વાહનો, દારૃનો જથ્થો કબજે કરી નવ શખ્સોની ધરપકડ કરી છે જ્યારે ૧૧ને ફરાર જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયામાં બસ સ્ટેશન પાછળ દેવડીયારોડ પર આનંદનગરી ખાતે વિનોદ વસાવા તેમજ કરણ બારીયા દારૃનો મોટો જથ્થો સંગ્રહ કરે છે તેમજ ઉત્તરાયણ માટે મધ્યપ્રદેશથી મંગાવીને તેને અલગ અલગ નાના બૂટલેગરોને પહોંચાડવાની પેરવી કરી રહ્યા છે તેવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે ગઇકાલે બપોરે અચાનક દરોડો પાડતા બૂટલેગરો તેમજ સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.
વિજિલન્સની ટીમે જોયું તો સ્થળ પર જ દારૃનું કટિંગ મોટાપાયે ચાલતું હતું અને અનેક વાહનોમાં દારૃનો જથ્થો ભરાતો હતો.
